ખાડીના ઊંડા પાણીમાં અજાણ્યા વૃદ્ધ ડૂબ્યા:PCR ટીમે ખાડીમાં છલાંગ લગાવીને જીવ બચાવ્યો, સુરતની લસકાણા પોલીસની સરાહનીય કામગીરી

Gujarat6/8/2026, 11:58:43 AM
ખાડીના ઊંડા પાણીમાં અજાણ્યા વૃદ્ધ ડૂબ્યા:PCR ટીમે ખાડીમાં છલાંગ લગાવીને જીવ બચાવ્યો, સુરતની લસકાણા પોલીસની સરાહનીય કામગીરી
માનવતા હજી મરી પરવારી નથી અને ખાખી વર્દીમાં પણ એક સંવેદનશીલ દિલ ધબકે છે તેનો જીવતો જાગતો કિસ્સો સુરતના લસકાણા વિસ્તારમાં સામે આવ્યો છે. લસકાણા પોલીસે અદ્ભુત તત્પરતા અને બહાદુરી બતાવી ખાડીના ઊંડા પાણીમાં ડૂબી રહેલા એક અજાણ્યા વૃદ્ધનો જીવ બચાવી લીધો હતો. રાહદારીના એક ફોન કોલ પર પલવારનો પણ વિલંબ કર્યા વિના દોડી ગયેલી પીસીઆર વાનના જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર વૃદ્ધને મોતના મુખમાંથી હેમખેમ બહાર કાઢી લાવ્યા હતા. રાહદારીનો ફોન આવતા જ પોલીસ એક્શન મોડમાં આવી મળતી માહિતી મુજબ, લસકાણા પોલીસ મથકની હદમાં આવેલા ખડસદ ગામની સીમમાં, નવકાર રેસિડેન્સીની પાછળથી પસાર થતી ખાડીમાં એક વૃદ્ધ અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વૃદ્ધ પાણીમાં ડૂબી રહ્યા હતા અને જીવ બચાવવા માટે તરફડિયા મારી રહ્યા હતા. આ દ્રશ્ય ત્યાંથી પસાર થતા એક જાગૃત રાહદારીની નજરે ચડતા જ તેણે તાત્કાલિક પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળતા જ લસકાણા પોલીસની PCR વાન નંબર 81 એક પણ ક્ષણનો બગાડ કર્યા વિના સાયરન વગાડતી ઘટનાસ્થળ તરફ રવાના થઈ ગઈ હતી. જીવના જોખમે ખાડીમાં છલાંગ લગાવીને જીવ બચાવ્યો પીસીઆર વાન જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી. વૃદ્ધ પાણીના ડૂબી રહ્યા હતા અને ગમે તે ક્ષણે ડૂબી જાય તેમ હતા. સમય બહુ ઓછો હતો અને ફાયર બ્રિગેડની રાહ જોવી એટલે વૃદ્ધનો જીવ ગુમાવવો. આ કટોકટીની પળે PCR 81 ના બહાદુર ડ્રાઈવર ક્રિપાલસિંહ અને ઈન્ચાર્જ શૈલેશભાઈ ગોવિંદભાઈએ ક્ષણભરનો પણ વિલંબ કર્યો નહીં. તેમણે પોતાની વર્દી કે પોતાના જીવની ચિંતા કર્યા વિના કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ વૃદ્ધને મળ્યું નવજીવન ખાડીના કાદવ અને ઊંડા પાણીની વચ્ચે બંને પોલીસ જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. જેમ-તેમ કરીને તરફડિયા મારતા વૃદ્ધ સુધી પહોંચ્યા હતા અને તેમને મજબૂત પકડથી પકડી રાખ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોની મદદથી વૃદ્ધને સલામત રીતે ખાડીની બહાર કાઢવામાં આવ્યા હતા. સમયસર પાણીમાંથી બહાર કાઢી લેવાતા વૃદ્ધનો જીવ બચી ગયો હતો. પોલીસ જવાનોની આ જાંબાઝી અને માનવતાવાદી અભિગમ જોઈને ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ તાળીઓના ગડગડાટથી પોલીસકર્મીઓને વધાવી લીધા હતા અને લસકાણા પોલીસની આ કામગીરીની આખા વિસ્તારમાં વાહ-વાહી થઈ રહી છે.
Read Original Article →