‘ઈદ-ઉલ-અઝહા’ પૂર્વે સચિનના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન:સુરત પોલીસે ડ્રોન સર્વલેન્સ સાથે 2 દિવસમાં 500થી વધુ મકાનો ફંફોળ્યા

Gujarat5/21/2026, 5:32:03 AM
‘ઈદ-ઉલ-અઝહા’ પૂર્વે સચિનના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન:સુરત પોલીસે ડ્રોન સર્વલેન્સ સાથે 2 દિવસમાં 500થી વધુ મકાનો ફંફોળ્યા
આગામી 28 મેના રોજ સમગ્ર દેશ સહિત સુરતમાં પણ ઈદ-ઉલ-અઝહા (બકરી-ઈદ)ના તહેવારની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે સુરત શહેર પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી અને સંપૂર્ણ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. તહેવાર દરમિયાન શાંતિ, ભાઈચારો અને કોમી સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરેટ દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરતના ઝોન-6 હેઠળ આવતા અત્યંત સંવેદનશીલ અને પરપ્રાંતિયોની વધુ વસ્તી ધરાવતા સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ગણતરીના બે જ દિવસમાં 500થી વધુ મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજર રાખી છે. આ ઓપરેશનથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સંવેદનશીલ સુડા સેક્ટરમાં ઓચિંતું ચેકિંગ શરૂ કરાયું સુરત શહેરના ઝોન-6ના ડીસીપી રાજેશ પરમારના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા સચિન વિસ્તારમાં આવેલા સૌથી સંવેદનશીલ ગણાતા સુડા સેક્ટર-1, સેક્ટર-2 અને સેક્ટર-3 માં લોખંડી બંદોબસ્ત સાથે ઓચિંતું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, ઈદના પવિત્ર તહેવારમાં કોઈ અઘટિત ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે આ અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસની ટીમોએ આ વિસ્તારોમાં મકાન દીઠ જઈને રૂબરૂ તપાસ હાથ ધરી હતી. ઓળખપત્રોની તપાસણી અને શંકાસ્પદ ભાડૂતોની આકરી પૂછપરછ સચિન પોલીસ દ્વારા સુડા સેક્ટરના ઘરોમાં જઈને માત્ર ઉપરછલ્લી તપાસ નથી કરવામાં આવી, પરંતુ ત્યાં રહેતા તમામ લોકોના આઈડી પ્રૂફ જેવા કે ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે લોકોની આકરી પૂછપરછ પણ કરી હતી કે તેઓ મૂળ ક્યાંના રહેવાસી છે, સુરતમાં કેટલા સમયથી વસવાટ કરે છે અને રોજગારી માટે શું વ્યવસાય અથવા નોકરી કરે છે. આ તમામ સવાલોના જવાબો મેળવીને પોલીસે શંકાસ્પદ લોકોની વિગતો નોંધી છે. ખાસ કરીને પોલીસ વેરિફિકેશન વગર રહેતા અજાણ્યા ભાડૂતો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર પોલીસે તીક્ષ્ણ નજર કેન્દ્રિત કરી છે. હાઈટેક ડ્રોન સર્વલેન્સ અને સંવેદનશીલ પોઈન્ટ્સ પર બાજ નજર સુરત પોલીસ આ વખતે તહેવારની સુરક્ષામાં ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરી રહી છે. સુડા સેક્ટર અને સચિનના અન્ય સંવેદનશીલ વિસ્તારોની સાંકડી ગલીઓ તેમજ બહુમાળી મકાનોના ધાબા પર કોઈ શંકાસ્પદ વસ્તુઓ કે પથ્થરો એકઠા કરવામાં ન આવે તે માટે હાઈટેક ડ્રોન કેમેરા વડે આકાશમાંથી સતત નજર રાખવામાં આવી રહી છે. ડ્રોન સર્વલેન્સ દ્વારા કંટ્રોલ રૂમ સીધું જ દરેક ગતિવિધિનું લાઈવ મોનિટરિંગ કરી રહ્યું છે. જો કોઈ વિસ્તારમાં શંકાસ્પદ ભીડ કે હલચલ દેખાશે, તો તુરંત જ ત્યાં પોલીસ કાફલો રવાના કરવા માટેની આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા રૂબરૂ ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ માત્ર ટેકનોલોજી કે વાહનો જ નહીં, પરંતુ જમીની હકીકત જાણવા માટે ડીસીપી અને સ્થાનિક પોલીસ કાફલા દ્વારા સચિનના વિવિધ વિસ્તારોમાં જાતે પગપાળા ચાલીને ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર પેદા કરવાનો છે. આ પેટ્રોલિંગ દરમિયાન રસ્તાઓ પર ઉભેલા શંકાસ્પદ વાહનો અને અકારણ ટોળું વળીને ઉભેલા યુવકોની પણ તલાશી લેવામાં આવી હતી તથા વાહન ચેકિંગની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. કોમી સૌહાર્દ જાળવવા નાગરિકોને પોલીસની ખાસ અપીલ આ વિશેષ ચેકિંગ અને સુરક્ષા અભિયાન દરમિયાન સચિન પોલીસે સ્થાનિક આગેવાનો અને નાગરિકો સાથે પણ સંવાદ સાધ્યો હતો. સુરત પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને ઈદ-ઉલ-અઝહાના તહેવારને સંપૂર્ણ શાંતિ, પરસ્પર ભાઈચારો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવે. જો કોઈ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ નજરે પડે, તો તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવાયું છે. પોલીસની આ ત્વરિત અને સતર્ક કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
Read Original Article →