'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ સુરત પોલીસની સ્ટ્રાઈક:3 દિવસમાં 58 ગુના ને 77 સાયબર ગુનેગારો જેલભેગા, 80% ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને 23.85 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ
આજના આધુનિક યુગમાં ડિજિટલ છેતરપિંડીના બનાવોમાં ચિંતાજનક સ્તરે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલૌત માર્ગદર્શન હેઠળ સુરત સાયબર ક્રાઈમ સેલ અને તમામ પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા 31મે 2026થી 2 જૂન 2026 દરમિયાન ત્રણ દિવસીય "Operation Mule Hunt 2.O" હાથ ધરવામાં આવ્યું હતું. આ વિશેષ સઘન ઓપરેશન અંતર્ગત પોલીસે કુલ 58 ગુનાઓ નોંધીને દેશના જુદા-જુદા રાજ્યોમાંથી 77 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આશરે રૂપિયા 23 કરોડ 85 લાખની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ આખી પ્રક્રિયામાં આશરે 80% જેટલા કેસો સીધા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને લોભામણી સ્કીમો સાથે જોડાયેલા છે, જેમાં નિર્દોષ નાગરિકોને વધુ વળતરની લાલચ આપી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. મ્યુલ એકાઉન્ટ્સ, સાયબર ગુનાખોરીનું મુખ્ય હથિયાર
સાયબર ઠગો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીમાં 'મ્યુલ એકાઉન્ટ્સ' (ભાડાના ખાતા) સૌથી મહત્વની કડી સાબિત થાય છે. સાયબર ગુનેગારો સામાન્ય રીતે આર્થિક રીતે નબળા કે મધ્યમ વર્ગના નાગરિકોને પૈસા અથવા માસિક કમિશનની લાલચ આપીને તેમના બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે કરે છે. ઠગાઈની રકમ જેવી મુખ્ય ખાતામાં જમા થાય કે તરત જ આરોપીઓ તે રકમને અન્ય અનેક મ્યુલ એકાઉન્ટોમાં સેકન્ડોની અંદર ટ્રાન્સફર કરી દે છે. ત્યારબાદ અંતે એટીએમ (ATM) મારફતે આ રકમ રોકડ સ્વરૂપે ઉપાડી લેવામાં આવે છે. આ બહુસ્તરીય આર્થિક પ્રક્રિયાને કારણે નાણાંનો મૂળ માર્ગ શોધવો અને ભોગ બનનાર નાગરિકોને તેમની કઠણાઈની રકમ પરત અપાવવી પોલીસ માટે અત્યંત પડકારજનક અને જટિલ પ્રક્રિયા બની રહે છે. એક મહિનાની ગુપ્ત પૂર્વ-તૈયારી અને ડેટા એનાલિસિસ
આ આંતરરાજ્ય નાણાકીય ગુનાહિત નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવા માટે સુરત પોલીસે ત્વરિત કાર્યવાહી કરવાના બદલે આશરે 1 મહિના સુધી સઘન અને સંપૂર્ણ ગુપ્ત રીતે પૂર્વ-આયોજન હાથ કર્યું હતું. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાયેલી ફરિયાદો, શંકાસ્પદ બેંક ખાતાઓ અને ટ્રાન્ઝેક્શન પેટર્નનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો. સુરતના તમામ પોલીસ સ્ટેશનની સાયબર ટીમોને પોતપોતાના કાર્યક્ષેત્રમાં સક્રિય આવા શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ્સ અને તેને ઓપરેટ કરનારા સ્થાનિક એજન્ટોની વિગતો એકત્ર કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ ગુપ્ત ઓપરેશને સમગ્ર નેટવર્કની કમ્મર તોડવા માટે મજબૂત પાયો તૈયાર કર્યો હતો. બેંકો, ટેલિકોમ વિભાગ અને સાયબર નિષ્ણાતો સાથે સંકલન
ઓપરેશનને કાનૂની અને ટેકનિકલ રીતે સચોટ બનાવવા માટે 15 મે 2026ના રોજ વરિષ્ઠ બેંક અધિકારીઓ, ફિન-ટેક કંપનીઓ, ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) વિભાગ સાથે મહત્ત્વની સંકલન બેઠકો યોજવામાં આવી હતી. ત્યારબાદ, 16 મે 2026ના રોજ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનના 500થી વધુ પોલીસ કર્મચારીઓને સાયબર એક્સપર્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) દ્વારા મ્યુલ એકાઉન્ટ ઓળખવા તથા જટિલ નાણાકીય દસ્તાવેજોની તપાસ કરવા માટેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનું મોનિટરિંગ અધિક પોલીસ કમિશનર (ક્રાઇમ, સેક્ટર-1 અને સેક્ટર-2) તથા સાયબર સેલ અને ઝોન 1થી 7 ના નાયબ પોલીસ કમિશનરો દ્વારા કરવામાં આવ્યું હતું. 77 સાયબર અપરાધીઓ દબોચાયા, અસંખ્ય સિમ કૉર્ડ, ડેબિટ કાર્ડ.....
તા. 31 મેથી તા. 2 જૂન, 2026ના ત્રણ દિવસીય ફાઈનલ ઓપરેશન દરમિયાન સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે આરોપીઓના ચોક્કસ લોકેશન મેળવી, સુરત સાયબર ક્રાઈમ સેલ અને વિવિધ પોલીસ સ્ટેશનોની 50થી વધુ ટીમોને સમગ્ર દેશમાં એકસાથે રવાના કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના NCCRP, SAMANVAYA અને SAHYOG જેવા આધુનિક પોર્ટલનો ઉપયોગ કરીને પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને અન્ય રાજ્યોમાંથી કુલ 77 સાયબર અપરાધીઓને દબોચી લીધા હતાં. પકડાયેલા આરોપીઓ પાસેથી અસંખ્ય સિમ કૉર્ડ, ડેબિટ કાર્ડ અને વાંધાજનક ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. ઠગોની વિવિધ મોડસ ઓપરેન્ડી, લોકો કઈ રીતે બને છે ભોગ?
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સાયબર ઠગો નાગરિકોને ફસાવવા માટે અનેક પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા. જેમાં મુખ્યત્વે હોટલ બુકિંગ ફ્રોડ, ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રોડ, નકલી શોપિંગ જાહેરાતો (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર), વર્ક વિઝા ફ્રોડ, ડાયમંડ તાલીમ ફ્રોડ, ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી આપવાના બહાના, લોન ફ્રોડ, પાર્સલ ડિલિવરી ફ્રોડ, નકલી જોબ ઓફર અને મોબાઈલ હેક કરવા માટે મોકલવામાં આવતી શંકાસ્પદ APK ફાઇલોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રવૃત્તિઓમાં સૌથી વધુ હિસ્સો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો હતો, જેમાં લોકોને ઘરબેઠા ટાસ્ક કમ્પ્લીટ કરીને અથવા ક્રિપ્ટો અને સ્ટોક માર્કેટમાં રોકાણના નામે લાખો રૂપિયા પડાવી લેવાયા હતાં. મની રિફંડ મોડ્યુલ (MRM) અને બેંક ખાતા અનફ્રીઝ કરવાની સરળ પ્રક્રિયા
સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડના કેસોના ભૂતકાળના અનુભવો અને ઊંડાણપૂર્વકના ઇન્વેસ્ટિગેશનના આધારે ભારત સરકાર દ્વારા બે મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જે સામાન્ય જનતા માટે ખૂબ રાહતરૂપ છે. જો કોઈ જેન્યુન નાગરિકનું બેંક ખાતું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને કારણે ફ્રીઝ થઈ ગયું હોય, તો તે પોતાના અસલી દસ્તાવેજો સાથે સીધા બેંકનો સંપર્ક કરી શકે છે. બેંકોને ₹50,000 સુધીની રકમની ખરાઈ કરીને ખાતાને તાત્કાલિક અનફ્રીઝ કરવાની સત્તા આપવામાં આવી છે. આ ઉપરાંત, ભારત સરકારની i4C સંસ્થા દ્વારા 'MRM' એટલે કે મની રિફંડ મોડ્યુલ શરૂ કરાયું છે. અગાઉ લોકોને કોર્ટના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે ₹50,000 સુધીની ફ્રીઝ થયેલી રકમ માટે સીધા પોલીસ સમક્ષ સાચા દસ્તાવેજો રજૂ કરીને પરત મેળવવાનો ઓર્ડર કરાવી શકાય છે, જેનાથી કોર્ટનું ભારણ ઘટશે અને લોકોને તાત્કાલિક નાણાં પરત મળશે. રીઢા ગુનેગારો પર BNS હેઠળ કડક કાર્યવાહી અને પોલીસની જનતાને અપીલ
પોલીસ કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, પકડાયેલા આરોપીઓમાંથી ઘણા રીઢા ગુનેગારો છે જેઓ મલ્ટીપલ અફેન્સીસ (એકથી વધુ ગુનાઓ) માં સંડોવાયેલા છે. આવા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતી ગેંગ વિરુદ્ધ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 111 અને 112 (ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અને પેટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) હેઠળ ગુનો નોંધીને અત્યંત કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. મ્યુલ એકાઉન્ટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસને સીસીટીવી (CCTV) ફૂટેજ, બેંક કર્મચારીઓની સંડોવણી અને વચેટિયા દલાલોની તપાસ જેવા અત્યંત કપરા પ્રયાસો કરવા પડે છે. પોલીસે સુરત અને દેશના નાગરિકોને આગ્રહપૂર્વક અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની લોભામણી સ્કીમો, અવાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમો કે નકલી 'ડિજિટલ અરેસ્ટ' ની ધમકીઓથી ડરવું નહીં, કારણ કે કોઈ પણ કાયદેસરની પોલીસ એજન્સી ક્યારેય ફોન કે વીડિયો કોલ પર નાણાકીય પતાવટ કે અરેસ્ટની વાત કરતી નથી. આ પ્રકારની છેતરપિંડીના કિસ્સામાં તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો જરૂરી છે.
Read Original Article →