7 દિવસના નવજાત ભ્રૂણને સળગાવીને ફેંક્યું:સુરત પોલીસે આરોપીઓને શોધવા CCTV ફંફોસ્યા, 7 દિવસમાં ત્રીજી ઘટના

Gujarat5/27/2026, 12:00:00 PM
7 દિવસના નવજાત ભ્રૂણને સળગાવીને ફેંક્યું:સુરત પોલીસે આરોપીઓને શોધવા CCTV ફંફોસ્યા, 7 દિવસમાં ત્રીજી ઘટના
સુરતના ઔદ્યોગિક હબ ગણાતા ઉધના વિસ્તારના ભીમનગર ગરનાળા નીચેથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લજવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં અંદાજે 6થી 7 દિવસના એક નવજાત બાળકના ભ્રૂણને કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા સળગાવેલી હાલતમાં ફેંકી દેવામાં આવ્યું હતું. આ દ્રશ્ય પર સ્થાનિક લોકોની નજર પડતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને જોતજોતામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. માસૂમ જીવને આ પ્રકારે ક્રૂરતાપૂર્વક સળગાવીને પુરાવાનો નાશ કરવાના પ્રયાસને પગલે વિસ્તારના લોકોમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્વલનશીલ પદાર્થ વડે ભ્રૂણને બાળવાનો પ્રયાસ આ ઘટના અંગે સ્થાનિક નાગરિકો દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને ઉધના પોલીસ સ્ટેશનનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી પંચનામું કર્યું હતું અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, લોહીના સંબંધોને કલંકિત કરનારા તત્વો દ્વારા આ ભ્રૂણની ઓળખ ન થાય તે હેતુથી તેને કેમિકલ અથવા જ્વલનશીલ પદાર્થ વડે બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. ભ્રૂણના પીએમ રિપોર્ટ પર નજર ઉધના પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે ઘટનાસ્થળેથી સળગાવેલી હાલતમાં મળી આવેલા ભ્રૂણનો કબજો મેળવ્યો હતો. આ ભ્રૂણ કોનું છે અને તેને ક્યારે ફેંકવામાં આવ્યું તે જાણવા માટે તેને તાત્કાલિક અસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યું છે. પોલીસ સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ ભ્રૂણ કેટલા દિવસનું છે, તેની જાતિ કઈ છે અને કયા ચોક્કસ કારણોસર તેનું મોત નીપજ્યું છે, તે તમામ સવાલોના સચોટ જવાબો મેડિકલ ઓફિસરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. રિપોર્ટના આધારે પોલીસ આગળની કડક કાયદાકીય કલમોનો ઉમેરો કરશે. CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ આ નિર્દયી કૃત્ય આચરનાર કળિયુગી માતા-પિતા કે વચેટિયાઓને પકડી પાડવા માટે ઉધના પોલીસે ચારેય દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ભીમનગર ગરનાળા અને તેની આસપાસના મુખ્ય રસ્તાઓ પર લાગેલા સરકારી તેમજ ખાનગી દુકાનોના CCTV કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા મોડી રાત્રે કે વહેલી સવારે શંકાસ્પદ હિલચાલ ધરાવતા શખસો અને વાહનોના નંબર ટ્રેક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત, સ્થાનિક ક્લિનિક્સ અને ગાયનેકોલોજિસ્ટ હોસ્પિટલોના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ કડી મળી શકે. સુરતમાં સાત જ દિવસમાં ત્રીજી ઘટનાથી કાળજું કંપાયું સુરત શહેરમાં નવજાત શિશુઓને રઝળતા મૂકી દેવાની આ કોઈ પ્રથમ ઘટના નથી, પરંતુ ચિંતાની વાત એ છે કે સાત દિવસમાં આ ત્રીજી ઘટના સામે આવી છે. આ પૂર્વે ગત 21મી મેના રોજ પાંડેસરા વિસ્તારમાં જૂની બાઈકો અને ફોર-વ્હીલર ગાડીઓ વચ્ચેથી એક માસુમ બાળકી જીવિત હાલતમાં મળી આવી હતી. સફાઈ કર્મચારીની સતર્કતાને કારણે આ બાળકીનો જીવ બચી ગયો હતો અને તેને હોસ્પિટલ ખસેડાઈ હતી, જેની તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે. આ ઘટનાના માત્ર ત્રણ જ દિવસ બાદ, એટલે કે 24 મેના રોજ કતારગામ વિસ્તારના અવધૂતનગર પાસે રોડ પરથી એક નવજાત બાળકીનો લોહીથી લથબદ્ધ મૃતદેહ મળી આવતા ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સમાજ અને કાયદા સામે મોટો પડકાર એક અઠવાડિયાની અંદર પાંડેસરા, કતારગામ અને હવે ઉધનામાં બનેલી આ ઘટનાઓએ સુરતની સામાજિક વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ગેરકાયદેસર સંબંધો છુપાવવા અથવા દીકરી હોવાના કારણે ગર્ભપાત કરાવીને નવજાત શિશુઓને મોતના મોંમાં ધકેલી દેવાની આ માનસિકતા સમાજ માટે લાલબત્તી સમાન છે. એક તરફ સરકાર બેટી બચાવોના નારા લગાવે છે, ત્યારે બીજી તરફ આવા નરાધમો માસૂમોને સળગાવતા પણ અચકાતા નથી. હાલમાં ઉધના પોલીસ આ સમગ્ર સિરીઝ અને કનેક્શન મુદ્દે અત્યંત ઝીણવટપૂર્વક તપાસ ચલાવી રહી છે.
Read Original Article →