TRBને ‘અંડરકવર ઓફિસર’ બનવુ ભારે પડ્યું, VIDEO:સુરતમાં PMની સિક્યુરિટીના VIP સુરક્ષા કાર્ડ સાથે રીલ બનાવી, કાર્ડ પર નામ-ફોટો નથી, માત્ર ઓફિશિયલ સહી-સિક્કા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાતને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદીના સુરત આગમન વેળાએ કોઈ પણ પ્રકારની ગેરવ્યવસ્થા, ટ્રાફિક જામ કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને ધ્યાનમાં રાખીને સિક્યોરિટીમાં તહેનાત સ્ટાફની ઓળખ માટે ખાસ વીઆઈપી (VIP) સુરક્ષા પોલીસ કાર્ડ ફાળવવામાં આવ્યા છે. જો કે, આ અત્યંત સંવેદનશીલ બંદોબસ્ત વચ્ચે સુરત પોલીસના એક TRB જવાને ફરજની ગરિમા નેવે મૂકીને વડાપ્રધાનની સુરક્ષા માટે ઇસ્યુ કરાયેલા સત્તાવાર પોલીસ કાર્ડ સાથે સોશિયલ મીડિયા પર રીલ બનાવી દીધી છે, જે વીડિયો વાઇરલ થતાં જ ભારે વિવાદ જાગ્યો છે. કાર્ડ પર નામ કે ફોટો નથી, માત્ર પોલીસના ઓફિશિયલ સહી-સિક્કા
આ વાઇરલ થઈ રહેલી રીલમાં સૌથી આઘાતજનક અને સુરક્ષા સામે સવાલો ઉભા કરતી બાબત એ સામે આવી છે કે, જે વીઆઈપી સિક્યોરિટી કાર્ડ બતાવવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણપણે બ્લેન્ક એટલે કોરું છે. આ કાર્ડ પર સુરક્ષા કર્મીનો કોઈ ફોટોગ્રાફ નથી, ન તો જે તે વ્યક્તિનું નામ કે હોદ્દાનું કોઈ વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ, સૌથી ગંભીર ક્ષતિ એ છે કે આ કોરા કાર્ડ પર પોલીસ વિભાગના કથિત સિક્કા અને જવાબદાર ઉચ્ચ અધિકારીની સહી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ પ્રકારના બ્લેન્ક વીઆઈપી કાર્ડનો નિયમવિરુદ્ધ ઉપયોગ કરીને TRB જવાને તેને ગળામાં આઈ-કાર્ડની જેમ પહેર્યું હતું અને કાયદાનો કોઈ ડર ન હોય તેમ રોફ જમાવતી રીલ શૂટ કરી હતી. TRB જવાન પ્રભાતસિંહ ગોરની ગંભીર બેદરકારી
વડાપ્રધાનના બંદોબસ્ત માટે સુરત પોલીસ દ્વારા હોમગાર્ડ, ટ્રાફિક શાખા, અલગ-અલગ પોલીસ સ્ટેશનના જવાનો અને સંબંધિત વિભાગના કર્મચારીઓને આ સ્પેશિયલ વીઆઈપી કાર્ડ એલોટ કરવામાં આવ્યા છે. પીએમ રૂટ પર ફરજ બજાવતા આ જવાનોમાંથી સુરત ટ્રાફિક શાખાના TRB જવાન પ્રભાતસિંહ ખુમાનસિંહ ગોરે આ ગંભીર કરતૂત કરી છે. વડાપ્રધાનની સુરક્ષા માટે અત્યંત ગોપનીય અને મહત્વપૂર્ણ ગણાતા આ ઓફિશિયલ કાર્ડને સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે સરેઆમ પ્રદર્શિત કરવામાં આવ્યું, જે પોલીસ વિભાગની શિસ્ત સંહિતાનું ઘોર ઉલ્લંઘન દર્શાવે છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં ટ્રાફિક શાખા એક્શનમાં
પીએમ મોદીના સુરક્ષા વ્યવસ્થાના ઓફિશિયલ કાર્ડ સાથેની આ વીડિયો રીલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થતાં જ સુરત પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. વડાપ્રધાનની મુલાકાત પૂર્વે જ આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. હાલ સુરત ટ્રાફિક શાખાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ વાઇરલ રીલ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓ એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે સહી-સિક્કાવાળું આ કોરું કાર્ડ જવાન સુધી કેવી રીતે પહોંચ્યું? આ મામલે કસૂરવાર TRB જવાન પ્રભાતસિંહ સામે ટૂંક સમયમાં જ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
Read Original Article →