48 લાખ ભરેલી બેગ દિવાલ પર મૂકી, સેકન્ડોમાં ફરાર, CCTV:સુરતમાં PIએ હથોડાના ઘા મારી લોક તોડ્યું; પાણીની ટાંકીમાંથી મળ્યા 500ની નોટોના બંડલ

Gujarat5/21/2026, 8:22:37 AM
48 લાખ ભરેલી બેગ દિવાલ પર મૂકી, સેકન્ડોમાં ફરાર, CCTV:સુરતમાં PIએ હથોડાના ઘા મારી લોક તોડ્યું; પાણીની ટાંકીમાંથી મળ્યા 500ની નોટોના બંડલ
સુરતના અડાજણ વિસ્તારમાં એક જાણીતા બિલ્ડરના બંગલામાં રોજ થયેલી હાઈપ્રોફાઈલ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મોઢે માસ્ક પહેરીને આવેલા શાતિર તસ્કરે તિજોરી સાફ કરી રોકડા રૂપિયા પોતાની બેગમાં ભર્યા હતા. ત્યારબાદ બહાર નીકળીને તેણે અદ્ભુત સ્ફૂર્તિ સાથે માત્ર 1 જ સેકન્ડમાં આશરે 4 ફીટ ઊંચી પાકી કમ્પાઉન્ડ દીવાલ પર ભારેખમ બેગ ગોઠવી, દીવાલ કૂદીને તે ફરાર થઈ ગયો હતો. ફિલ્મી સ્ટાઈલથી ચોરી કરનાર નાનપુરાના આ રીઢા ગુનેગાર દેવરાજ ઉર્ફે કાલુ પાટીલની અડાજણ પોલીસે ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ અડાજણ પીઆઈએ રાંદેરની એક ખંડેર ઇમારતના મુખ્ય ગેટ પર મારેલું લોક જાતે હથોડાના ઘા મારીને તોડી પાડ્યું હતું અને ટેરેસ પર આવેલી જૂની પાણીની ટાંકી પાસેથી ચોરીની આખી બેગ રિકવર કરી હતી. બિલ્ડર સામાજિક પ્રસંગે બહારગામ ગયા ને બંગલામાં માસ્કધારી તસ્કર ત્રાટક્યો પોલીસ અને પારિવારિક વર્તુળોમાંથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલા હાઈપ્રોફાઈલ ‘સેતુ વિલા’ બંગલામાં રહેતા હિંમત હીરાભાઈ પટેલ વ્યવસાયે જાણીતા બિલ્ડર છે. હાલમાં જ ભાવનગર જિલ્લાના તેમના વતન ધોળા ગામે સામાજિક પ્રસંગ હોવાના કારણે હિંમતભાઈ ત્યાં ગયા હતા. બંગલામાં માત્ર તેમની પત્ની, પુત્ર કૌશિક, પુત્રવધૂ ભૂમિ અને વેકેશન હોવાથી પિયર આવેલી દીકરી નિધિ બાળકો સાથે હાજર હતા. 18 મેની મોડી રાત્રે આશરે 11:00 વાગ્યે સમગ્ર પરિવાર રોજિંદા ક્રમ મુજબ પોતપોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યો ગયો હતો. બરાબર મધ્યરાત્રિએ અંધકારનો લાભ લઈને અગાઉથી જ ચોરીનો પ્લાન ઘડી રાખનાર આ શાતિર ચોર બંગલાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો હતો. બેડરૂમના લાકડાના કબાટનું લોક તોડતાં ખખડાટ થયો અને દીકરી જાગી ગઈ મધ્યરાત્રિએ આશરે 03:00 વાગ્યાની આસપાસ માસ્કધારી તસ્કર દેવરાજ ઉર્ફે કાલુએ બંગલાના પાર્કિંગ એરિયામાંથી અંદર પ્રવેશ મેળવ્યો હતો. તેને બંગલાના આંતરિક લોકેશનની અગાઉથી જ ચોક્કસ માહિતી હોય તેમ, તે કોઈ પણ ખચકાટ વિના સીધો જ બિલ્ડર હિંમતભાઈના મુખ્ય બેડરૂમમાં ઘૂસી ગયો હતો. ત્યાં મૂકેલા લાકડાના મજબૂત કબાટનું તાળું તોડી, તેમાં રાખેલી રૂ. 48 લાખની રોકડ ભરેલી મોટી બેગ લઈને તે ભાગવાની ફિરાકમાં હતો. આ દરમિયાન તાળું તૂટવાનો જોરદાર અવાજ આવતાં જ હિંમતભાઈની દીકરી નિધિ અચાનક જાગી ગઈ હતી. તેણે તુરંત જ ઉપરના રૂમમાં સૂતેલા પોતાના ભાઈ કૌશિકને ફોન કરીને નીચે કોઈ અજાણ્યો અવાજ આવતો હોવાની જાણ કરી હતી. કૌશિક તાબડતોબ નીચે દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ચોર બારીમાંથી બહાર કૂદીને ભાગી રહ્યો હતો. 48 લાખની માતબર રકમની ચોરીથી પોલીસ ધંધે લાગી, 100થી વધુ CCTV તપાસ્યા બંગલામાં મોટી રકમની ચોરી થઈ હોવાની વિગતો બહાર આવતાં જ પોલીસ કમિશનર સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો એક્શનમાં આવી ગયો હતો. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી ઝોન-5 લખધીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ અડાજણ પીઆઈ એન.એ. ચાવડા અને પીએસઆઈ એન.ડી. પટેલની અલગ-અલગ શોધખોળ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે તુરંત જ ગુનાવાળી જગ્યા તેમજ આસપાસના સમગ્ર રોડ-રસ્તાના 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ચોરની દિવાલ કૂદવાની રીત કેદ થયેલી મળી આવી હતી, જેના આધારે પોલીસે તેના વાહન મોપેડના નંબરની મહત્વની કડી શોધી કાઢી હતી. પોલીસને થાપ આપવા ચોર સુરતમાં જ રૂપિયા છુપાવીને મુંબઈ ભાગ્યો ડીસીપી લખધીરસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખબર પડી કે ગુનો આચર્યા બાદ આરોપી પોલીસને ચકમો આપવા માટે મુંબઈ તરફ ભાગી ગયો હતો. જોકે, શાતિર ચોર દેવરાજ પાટીલે અહીં પણ એક ચાલાકી વાપરી હતી. તેને ભય હતો કે હાઈવે પર કે ટ્રેનમાં ચેકિંગ દરમિયાન જો તે આટલી મોટી રકમ સાથે પકડાશે તો સીધો જેલભેગો થઈ જશે. આથી, ચોરીની તમામ રકમ પોતાની સાથે મુંબઈ લઈ જવાના બદલે તેણે સુરતમાં જ એક ગુપ્ત અને ખંડેર જગ્યાએ છુપાવી દીધી હતી અને પોતે સાવ ખાલી હાથે મુંબઈ નાસી ગયો હતો જેથી પોલીસ તપાસ ભટકી જાય. પૂણા સહારા દરવાજા ગરનાળા પાસે વહેલી સવારે લોખંડી વોચ ગોઠવાઈ મુંબઈ ગયેલી અડાજણ પોલીસની ખાસ ટીમને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ બાતમી મળી હતી કે આરોપી દેવરાજ પાટીલ મુંબઈમાં લાંબો સમય રોકાયો નથી અને તે સુરતમાં છુપાવેલા રૂપિયા લેવા માટે પરત આવી રહ્યો છે. આ માહિતીના આધારે અડાજણ પોલીસે સુરતના પૂણા વિસ્તારમાં આવેલા સહારા દરવાજા ગરનાળા પાસે વહેલી સવારથી જ ચુસ્ત વોચ ગોઠવી દીધી હતી. જેવો આરોપી દેવરાજ ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થયો કે તરત જ સજાગ પોલીસ ટીમે તેના પર ત્રાટકીને તેને કોર્ડન કરી લીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેને દબોચી લીધો હતો. PIએ હથોડાથી ગેટનું લોક તોડ્યું, જૂની પાણીની ટાંકી પાસેથી 48 લાખ રિકવર થયા પોલીસ સ્ટેશન લાવીને જ્યારે આરોપી દેવરાજની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે બધો જ ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે ચોરી કરેલા રૂપિયા તેણે રાંદેર તારવાડી પાસે આવેલા ‘મજદા ટાવર’ નામના એક ખંડેર અને અવાવરૂ બિલ્ડિંગના ટેરેસ પર છુપાવ્યા છે. અડાજણ પીઆઈ જ્યારે પોલીસ કાફલા સાથે આ ખંડેર બિલ્ડિંગ પર પહોંચ્યા ત્યારે મુખ્ય ગેટ પર મોટું લોક લટકેલું હતું, જેને પીઆઈએ સમય ગુમાવ્યા વિના હથોડાના ફટકા મારીને તોડી પાડ્યું હતું. આરોપીની સાત જેટલા ગુનામાં સંડોવણી ત્યારબાદ પોલીસ આરોપીને લઈને ટેરેસ પર પહોંચી હતી, જ્યાં ઉપરના ભાગે આવેલી એક જૂની પાણીની ટાંકી પાસેથી ₹500ની નોટોના બંડલ ભરેલી આખી બેગ મળી આવી હતી. પોલીસે ત્યાંથી ચોરીની પૂરેપૂરી રોકડ રકમ રૂ. 48,00,000 તેમજ ગુનામાં વપરાયેલી બ્લુ કલરની એક્સેસ મોપેડ સહિત કુલ રૂ. 48,85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલો આરોપી દેવરાજ અગાઉ પણ સુરતના અડાજણ, રાંદેર, લિંબાયત અને ડિંડોલીમાં ઘરફોડ ચોરીના 7 જેટલા ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યો છે.
Read Original Article →