5 દિવસમાં બીજી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા:સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલ 86 પૈસા વધી 98.36 અને ડીઝલ 93 પૈસા વધી 94.22એ પહોંચ્યું
ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં જ બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ વખતે પણ મધ્યરાત્રિથી જ નવા ભાવો અમલી કરી દેવાયા છે, જેના કારણે સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકો ચોંકી ઉઠ્યા હતા. સુરતમાં પેટ્રોલના ભાવમાં 86 પૈસા અને ડીઝલના ભાવમાં 93 પૈસાનો સીધો વધારો ઝીંકવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. CNGનો ભાવ પ્રતિકિલો 82.95 રૂપિયા પર પહોંચ્યો
નવા ભાવવધારા બાદ સુરત શહેરમાં ઈંધણના ભાવ હવે સેન્ચુરી એટલે કે 100 રૂપિયાની બિલકુલ નજીક પહોંચી ગયા છે. કલાકો પહેલા સુરતમાં જે પેટ્રોલ પ્રતિ લીટર 97.50 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું હતું, તે હવે વધીને 98.36 રૂપિયા થઈ ગયું છે. બીજી તરફ, માલસામાનની હેરફેર અને પરિવહન માટે સૌથી મહત્વના ગણાતા ડીઝલના ભાવ કલાકો પહેલા 93.29 રૂપિયા હતા, જે 93 પૈસા વધીને હવે 94.22 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. આટલું ઓછું હોય તેમ, મધ્યમ વર્ગની છેલ્લી આશા ગણાતા CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ના ભાવ પણ પ્રતિકિલો 82.95 રૂપિયા પર પહોંચી ગયા છે. આ આંકડા દર્શાવે છે કે હવે વાહન ચલાવવું એ સામાન્ય માણસના બસની વાત રહી નથી. ₹15,000 ના પગારમાં જીવવું અઘરું: માસૂમ મન્સૂરીવાલા
પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા આવેલા સ્થાનિક નાગરિક માસૂમ મન્સૂરીવાલાએ પોતાની આર્થિક પરિસ્થિતિ અને મોંઘવારીના માર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, અમે તો સામાન્ય નોકરી કરનારા માણસો છીએ. અમારા માટે આ પરિસ્થિતિમાં જીવવું ઘણું અઘરું પડી રહ્યું છે. અવારનવાર થતા આ ભાવવધારાને કારણે અમને બહુ જ તકલીફ પડે છે. પોતાની આર્થિક મર્યાદાઓ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, મારી મહિનાની સેલેરી માત્ર 15,000 રૂપિયા છે. અમારું આખું બજેટ આ મર્યાદિત આવકમાં જ ચાલતું હોય છે. એક તરફ આવક આટલી ઓછી છે અને બીજી તરફ મોંઘવારી સતત વધી રહી છે, જેના કારણે ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદી સાહેબે આ બાબત સમજવી જોઈએ અને અમારા જેવા નાના માણસો માટે થોડુંક આશ્વાસન તેમજ રાહત આપવી જોઈએ. સામાન્ય લોકોનું બજેટ સંપૂર્ણ ખોરવાયું: નીરવ પટેલ
બીજી તરફ, પેટ્રોલ પંપ પર આવેલા અન્ય એક સુરતી નાગરિક નીરવ પટેલે પણ આ ભાવવધારા સામે આકરા શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અઠવાડિયામાં બે-બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવે તે કોઈ પણ કાળે વ્યાજબી નથી. આ અણધાર્યા ઝટકાની સીધી અસર આમ જનતાના પોકેટ પર પડી રહી છે. સામાન્ય લોકોનું આખું બજેટ આનાથી ખોરવાઈ ગયું છે. નીરવ પટેલે ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જો આ જ ગતિથી અને આ જ રીતે સતત ભાવો વધતા રહેશે, તો સામાન્ય જનજીવન પર તેની ખૂબ જ ગંભીર અને મોટી અસરો થશે. મોંઘવારી સામાન્ય નાગરિકોની કમર તોડી નાખશે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા શાકભાજી અને દૂધના ભાવ પણ વધવાની દહેશત
ડીઝલના ભાવમાં 93 પૈસાનો મોટો વધારો થવાને કારણે માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ સમગ્ર બજારને તેની અસર વેઠવી પડશે. સુરતના અર્થશાસ્ત્રીઓ અને વેપારીઓના મતે, ડીઝલ મોંઘું થવાથી શાકભાજી, દૂધ, અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ લાવવા-લઈ જવાનું ભાડું (ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ) વધી જશે. આ વધારાનો બોજ આખરે તો ગ્રાહકોના માથે જ ઝીંકવામાં આવશે. આમ, પેટ્રોલ-ડીઝલનો આ ભાવવધારો આગામી દિવસોમાં રસોડાના બજેટને પણ સંપૂર્ણપણે વેરવિખેર કરી નાખશે તેવી પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે.
Read Original Article →