પેટ્રોલના ભાવે ફટકારી સેન્ચ્યુરી:સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલ 2.60 વધી ₹101.82 અને ડીઝલ 2.79 વધી ₹97.95એ પહોંચ્યું

Gujarat5/25/2026, 5:31:50 AM
પેટ્રોલના ભાવે ફટકારી સેન્ચ્યુરી:સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલ 2.60 વધી ₹101.82 અને ડીઝલ 2.79 વધી ₹97.95એ પહોંચ્યું
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં પેટ્રોલના ભાવે સેન્ચ્યુરી મારી દીધી છે, જેને કારણે વાહનચાલકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. છેલ્લા 12 દિવસની અંદર જ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ચોથી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. તારીખ 25 મે, 2026ના રોજ મોડી રાત્રે સરકારી તેલ કંપનીઓ દ્વારા કરાયેલા ભાવવધારા બાદ હવે સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂપિયા 101.82ના ઊંચા સ્તરે પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલનો ભાવ પણ પ્રતિ લિટર રૂપિયા 97.95ની સપાટીએ આવી ગયો છે. આ આકસ્મિક વધારાને કારણે સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો માટે દૈનિક પરિવહન અત્યંત મોંઘું સાબિત થઈ રહ્યું છે. પેટ્રોલમાં 2.60 અને ડીઝસમાં 2.79 રૂપિયાનો વધારો સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ મુજબ દેશમાં પેટ્રોલિયમ પેદાશોના નવા ભાવો દરરોજ રાત્રે 12 વાગ્યાથી અમલી બનતા હોય છે, પરંતુ આ વખતે કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓએ એક નવી પદ્ધતિ અપનાવી છે. સરકારે મોડી રાત્રે ફેરફાર કરવાને બદલે વહેલી સવારે 6 વાગ્યે પેટ્રોલ પંપ ડીલરોને સત્તાવાર મેસેજ મોકલીને તાત્કાલિક અસરથી આ નવો ભાવવધારો અમલી બનાવી દીધો છે. સુરતના પેટ્રોલ પંપ સંચાલકો પણ સવારે અચાનક આવેલા આ સમાચારથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 24 મે, 2026ના રોજ જે પેટ્રોલનો ભાવ રૂ. 99.22 હતો, તેમાં સીધો રૂ. 2.60નો વધારો ઝીંકીને રૂ. 101.82 કરી દેવાયો છે. તેવી જ રીતે, ડીઝલનો જૂનો ભાવ રૂ. 95.16 હતો, જેમાં રૂ. 2.79નો વધારો કરીને નવો ભાવ રૂ. 97.95 નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે સવાર-સવારમાં ગ્રાહકો માટે મુશ્કેલી લાવનારો સાબિત થયો હતો. ‘ભાવવધારો તો થવાનો જ હતો કારણ કે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ’ ઈંધણના આ સતત ભાવવધારા સામે સુરતના સ્થાનિક નાગરિકોમાં સરકારી નીતિઓ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. આ અંગે જ્યારે સ્થાનિક લોન વ્યવસાય સાથે સંકળાયેલા નાગરિક નિકુંજભાઈ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સરકારની ગણતરીઓ પર સીધો પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ ભાવવધારો તો થવાનો જ હતો કારણ કે ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણી પહેલા જીત મેળવવા માટે ભાવો નિયંત્રણમાં રાખવામાં આવ્યા હતા અને જેવી ચૂંટણી પતી એટલે તરત જ આ નવો ભાવવધારો અમલી કરી દેવાયો છે. યુદ્ધનું આમાં કોઈ કારણ નથી, યુદ્ધ તો પહેલા પણ ચાલતું હતું અને અત્યારે પણ ચાલે છે. ‘એકસાથે 5 રૂપિયા કે 2 રૂપિયા વધારી દેવા યોગ્ય નથી’ સરકારને નુકસાન થતું હોય તો તે 1-1 રૂપિયો કરીને વધારી શકે, પરંતુ એકસાથે સામટા 5 રૂપિયા કે 2 રૂપિયા વધારી દેવા તે યોગ્ય નથી. હું લોનના કામકાજમાં છું, મારે રોજના કામ માટે સતત ફરવું પડે છે. રોજના 3 લિટર પેટ્રોલ વપરાય એટલે રોજનો 10 રૂપિયાનો સીધો ફટકો પડે, જે મહિનાના બજેટમાં 300 રૂપિયાથી વધુનો વધારાનો બોજો નાખે છે." ‘ઘર કેમ ચલાવવું’ પેટ્રોલ અને ડીઝલના ભાવો માત્ર વાહન વ્યવહાર પૂરતા મર્યાદિત નથી રહેતા, પરંતુ તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાના કારણે શાકભાજી, દૂધ, કરિયાણું અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પર પણ પડે છે. સુરતની મધ્યમવર્ગીય ગૃહિણીઓ માટે ઘર ચલાવવું હવે ખૂબ અઘરું બની ગયું છે. આ મોંઘવારીની ભીંસ અંગે પોતાના ઘરનું બજેટ રજૂ કરતા સ્થાનિક મહિલા અલકાબેન પરીખે અત્યંત ચિંતિત અવાજે સરકારની આર્થિક નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. ‘50,000થી 70,000માં પણ મહિનો પૂરો થતો નથી’ તેમણે કહ્યું કે, સરકાર આટલા બધા ભાવ કેમ વધારી રહી છે? આ પેટ્રોલ, રાશનકાર્ડ અને ખાવા-પીવાની બધી જ વસ્તુઓમાં જો આટલો વધારો થતો રહેશે તો અમારે જીવવું કઈ રીતે? પહેલાં અમે રૂપિયા 20,000 કે 30,000માં આખું રસોડું અને ઘર ખૂબ જ સારી રીતે ચલાવી લેતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ઘરમાં રૂપિયા 50,000 થી 70,000 આપો તો પણ મહિનો પૂરો થતો નથી અને રસોડું ચાલતું નથી. અમારું આખું બજેટ ખોરવાઈ ગયું છે અને મોંઘવારી સતત વધતી જાય છે. હવે અમારે ઘર કઈ રીતે ચલાવવું એ જ સમજાતું નથી. હીરા બજારની મંદી અને યુવા વર્ગની રોજગારી પર સંકટ સુરતની આર્થિક કરોડરજ્જુ ગણાતા હીરા બજાર અને ટેક્સટાઇલ ઉદ્યોગ અત્યારે ઓલરેડી વૈશ્વિક મંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. વેપાર-ધંધા નહિવત હોવાથી હજારો કારીગરોના વેતન કપાઈ રહ્યા છે અથવા છટણી થઈ રહી છે. આવા કપરા સમયે ઈંધણનો આ ભાવવધારો મુશ્કેલીમાં વધારો કરવાનું કામ કરી રહ્યો છે. સ્થાનિક યુવતી ખુશી પરીખે આ ગંભીર મુદ્દા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, અત્યારે સુરતમાં બધી જ જગ્યાએ, ખાસ કરીને હીરા બજારમાં ભયંકર મંદીનો માહોલ છે. લોકો પાસે નવા બિઝનેસ કે પૂરતી આવક નથી, તેવામાં જો તમામ ક્ષેત્રોમાં ખર્ચ વધશે તો સામાન્ય માણસ સુરત જેવા શહેરમાં કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવશે તે એક બહુ જ મોટો પ્રશ્ન બની ગયો છે. વિદ્યાર્થીઓ અને યુવા કરિયર પર વધતું આર્થિક ભારણ એક તરફ યુવાનો માટે રોજગારીની તકો મર્યાદિત બની રહી છે, ત્યારે બીજી તરફ અભ્યાસ અને કરિયરના તબક્કામાં રહેલા વિદ્યાર્થીઓ માટે દૈનિક કોલેજ, કોચિંગ ક્લાસ અને ઇન્ટર્નશિપ માટે અવરજવર કરવી અત્યંત ખર્ચાળ બની ગઈ છે. ખુશી પરીખે વિદ્યાર્થી તરીકે પોતાની અને અન્ય સહપાઠીઓની મુશ્કેલીઓ વર્ણવતા ઉમેર્યું કે, હાલ અમારો કરિયર બનાવવાનો સમય છે. આ સમય દરમિયાન અમારે અભ્યાસ અને પ્રોજેક્ટના કામ અર્થે અલગ-અલગ જગ્યાએ સતત મુસાફરી કરવી પડતી હોય છે. બસ કે પર્સનલ વ્હીકલમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચવાથી અમારું પોકેટ મની અને વાલીઓ પર નિર્ભર બજેટ સંપૂર્ણ ખોરવાઈ ગયું છે. મુસાફરીમાં થતો આ વધારાનો આર્થિક બોજો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને કરિયર પ્લાનિંગને નકારાત્મક રીતે પ્રભાવિત કરી રહ્યો છે.
Read Original Article →