'માર હલેસા..હલેસા',ગુજરાતીએ રચ્યો ઈતિહાસ:ભારતથી શ્રીલંકા કાયાકિંગ સવારીથી વર્લ્ડ બુકમાં સ્થાન,સુરતના પેઈન્ટરે દરિયાઈ સુરક્ષાનો સંદેશ આપવા ખેડી 20 કલાકની જોખમી સફર
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે વધતા જતા દરિયાઈ પ્રદૂષણ અને ગંદકી સામે વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત થઈ રહી છે.ભારત અને શ્રીલંકાએ પર્યાવરણીય જાગૃતિ લાવવા માટે એક અભૂતપૂર્વ સંયુક્ત પહેલ કરી છે.આ વિશેષ આંતરરાષ્ટ્રીય જાગૃતિ અભિયાન ‘ઓશન ક્લિનિક’ કાર્યક્રમ અંતર્ગત સાહસિક નાવિકોએ દરિયાના જોખમી મોજાઓ વચ્ચે કાયાક બોટ દ્વારા ભારતથી શ્રીલંકા સુધીની સફર ખેડીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ ગૌરવશાળી અને જોખમી અભિયાનમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સુરતના સાહસિક જીતેન્દ્ર પટેલ જેઓ સ્થાનિક સ્તરે જીગુભાઈ પેઇન્ટર તરીકે જાણીતા છે તેમની પસંદગી કરવામાં આવી હતી.આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેમનું નામ પ્રતિષ્ઠિત 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ'માં પણ સ્થાન પામ્યું છે. સુરતના નાવિકન અને અદભુત રેકોર્ડ
મૂળ વ્યવસાયે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરના પેન્ટર એવા 41 વર્ષીય જીતેન્દ્ર પટેલનો પાણી પ્રત્યેનો પ્રેમ વર્ષ 1992થી શરૂ થયો હતો,જ્યારથી તેઓ નિયમિત સ્વિમિંગ કરે છે. સુરતની હરિ ઓમ સ્વિમિંગ ક્લબના સભ્ય એવા જીગુભાઈએ પોતાના ગુરુ અશોકભાઈ વાઘેલાની પ્રેરણાથી છેલ્લા 8 વર્ષથી તાપી નદીમાં કાયાક બોટ ચલાવવાની કઠિન પ્રેક્ટિસ શરૂ કરી હતી.રોજ નદીમાં 1થી 2 કલાક ફૂલ પ્રેક્ટિસ કરીને તેમણે પોતાની શારીરિક ક્ષમતા એટલી મજબૂત બનાવી લીધી કે ચેન્નઈની 'ડાઈવ ફોર્સ' નામની સંસ્થા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય કાયાકિંગ સવારી માટે તેમની પસંદગી થઈ ગઈ.તેમણે રામેશ્વરમથી શ્રીલંકા અને ત્યાંથી પરત ધનુષકોડી સુધીની અંદાજે 20 કલાકની હેડબાઉન્ડ હલેસાં સવારીનો અદભુત રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રામેશ્વરમથી શ્રીલંકા,પ્રથમ ચરણની 8 કલાકની સફર
આ સાહસિક સફરની શરૂઆત તામિલનાડુના રામેશ્વરમના પવિત્ર હોલી આઈલેન્ડથી થઈ હતી.20 મેએ બુધવારે એડવેન્ચર કાયાક બોટ દ્વારા કુલ 19 જાંબાઝ નાવિકો શ્રીલંકા જવા રવાના થયા હતા.પ્રથમ ચરણમાં ભારતથી શ્રીલંકા તરફ જતાં સમયે કુદરતે તેમને પૂરો સાથ આપ્યો હતો.પવનની દિશા ભારતથી શ્રીલંકા તરફની હોવાને કારણે સાનુકૂળ વાતાવરણ મળ્યું હતું. આશરે 30 કિલોમીટરનો આ જોખમી દરિયાઈ પ્રવાહ પૂર્ણ કરવામાં નાવિકોને 8 કલાક જેટલો સમય લાગ્યો હતો અને તેમણે સરળતાથી શ્રીલંકાની ધરતી પર પગ મૂક્યો હતો. પરત ફરતી વખતે 12 કલાકનો સંઘર્ષ
જો કે,નાવિકોની સાચી પરીક્ષા બીજા દિવસે પરત ફરતી વખતે થઈ હતી.શ્રીલંકાથી ભારત (ધનુષકોડી) પરત આવતી વખતે કુદરતી પ્રવાહ વધુ કપરો અને પ્રતિકૂળ બન્યો હતો.પવનની દિશા સામેની હોવાના કારણે અને વચ્ચે વચ્ચે દરિયામાં પ્રચંડ કદના મોજાઓ ઉછળવાને કારણે મુશ્કેલીઓ વધી ગઈ હતી.પવન ક્યારેક ઓછો તો ક્યારેક અચાનક ખૂબ વધી જતો હતો, જેના કારણે બોટને આગળ ધકેલવી લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું.આ વિપરીત પરિસ્થિતિઓમાં પણ હિંમત હાર્યા વગર સતત હલેસાં મારીને ધનુષકોડી પહોંચવામાં અંદાજે 12 કલાકનો લાંબો સમય લાગ્યો હતો. ભાષાની દીવાલો વચ્ચે અનોખો તાલમેલ
આ આંતરરાષ્ટ્રીય ટીમમાં કુલ 19 નાવિક સવાર હતા,જેમાંથી મોટાભાગના સભ્યો દક્ષિણ ભારતના હતા.સમગ્ર પશ્ચિમ ભારતમાંથી માત્ર સુરતના જીતેન્દ્રભાઈ એકમાત્ર સભ્ય હતા.આખી ટીમમાં ભાષાનો પણ મોટો પડકાર હતો,કારણ કે દક્ષિણના નાવિકો તમિલ અને અંગ્રેજી ભાષાનો વધુ ઉપયોગ કરતા હતા અને તેમને હિન્દી ખૂબ ઓછું ફાવતું હતું.આ તાલમેલ વિશે વાત કરતા જીતેન્દ્ર પટેલે જણાવ્યું કે,તેમણે મિશ્ર અંગ્રેજી અને ઈશારાઓની મદદથી પરિસ્થિતિને ખૂબ સારી રીતે મેનેજ કરી લીધી હતી અને તમામ સભ્યો સાથે અદ્ભુત તાલમેલ સાધ્યો હતો. 'પર્યાવરણનો સંદેશ આપવાનો ઉત્સાહ હતો'
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે 12 કલાક સુધી દરિયાના તોફાની મોજાં સામે સતત હલેસાં મારવા માટેની શારીરિક ક્ષમતા તેમણે કેવી રીતે કેળવી? ત્યારે જીગુભાઈએ ખૂબ જ પ્રેરણાદાયી જવાબ આપ્યો હતો.તેમણે કહ્યું કે,આ આખો પ્રસંગ એટલો અદ્ભુત અને અનબિલીવેબલ એટલે અવિશ્વસનીય હતો કે મનમાં દેશ માટે કંઈક કરી છૂટવાનો અને પર્યાવરણનો સંદેશ આપવાનો ઉત્સાહ એટલો પ્રચંડ હતો કે તેની સામે શરીરનો થાક નામની વસ્તુ અમે સાવ ભૂલી જ ગયા હતા. રમત નહીં,સમુદ્ર બચાવવાનો માનવ સંદેશ
આ 20 કલાકની હેડબાઉન્ડ હલેસાં સવારી માત્ર એક રમત કે સાહસ નહોતી,પરંતુ સમુદ્રને પ્લાસ્ટિક અને કચરામુક્ત રાખવા એક બહુ મોટો માનવ સંદેશ હતો.દરિયાઈ પર્યાવરણ પ્રત્યે સામાન્ય નાગરિકોમાં જાગૃતિ આવે અને ભવિષ્યની પેઢી માટે સમુદ્ર સુરક્ષિત અને સ્વચ્છ રહે,તેવા ઉમદા આશય સાથે જ ભારત અને શ્રીલંકાના આ નાવિકોએ સંયુક્ત પ્રયાસ કર્યો હતો. જીતેન્દ્રભાઈએ સાબિત કરી દીધું કે જો મનમાં દૃઢ સંકલ્પ હોય તો એક સામાન્ય વ્યવસાય કરનારો વ્યક્તિ પણ વૈશ્વિક મંચ પર દેશનું નામ રોશન કરી શકે છે. 'દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા જાગૃત થવું જ પડશે'
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યા બાદ જીતેન્દ્ર પટેલે સુરત અને સમગ્ર દેશની જનતાને દરિયાઈ સુરક્ષા અને પર્યાવરણને લઈ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે.તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે,જ્યારે પણ તમે દરિયા કિનારે ફરવા જાઓ,ત્યારે ત્યાં પ્લાસ્ટિકનો કચરો કે પ્લાસ્ટિકની બોટલો ગમે ત્યાં ન ફેંકો.ઓશન ક્લિનિંગ એટલે સમુદ્ર સફાઈમાં આપણું યોગદાન આપવું એ દરેક નાગરિકની ફરજ છે.દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે આપણે જાગૃત થવું જ પડશે તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે.
Read Original Article →