નાસ્તો લેવા જતી 3 મહિલાઓને પાછળથી ટક્કર મારી ઉડાવી:સુરતમાં આઉટર રીંગરોડ પર સ્કોર્પિયો ચાલક બેફામ, 3 મહિલાઓને અડફેટે લેતા એકનું કરૂણ મોત, 19 વર્ષીય ચાલકની અટકાયત

Gujarat4/13/2026, 4:42:13 PM
નાસ્તો લેવા જતી 3 મહિલાઓને પાછળથી ટક્કર મારી ઉડાવી:સુરતમાં આઉટર રીંગરોડ પર સ્કોર્પિયો ચાલક બેફામ, 3 મહિલાઓને અડફેટે લેતા એકનું કરૂણ મોત, 19 વર્ષીય ચાલકની અટકાયત
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગરોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા. લગ્ન પ્રસંગમાં કામ દરમિયાન ત્રણેય મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા નીકળી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે ત્રણેયને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો કાર પલટી મારીને રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી. એક મહિલાનું ઘટનાસ્થળે મોત, બે ઘાયલ હરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સ્કોર્પિયો કાર રસ્તા પર જ પલટી મારી રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટીનુબેન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલી અન્ય બે મહિલાઓ, હીનાબેન અને સંગીતાબેનને નાની-મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે. 19 વર્ષીય કાર ચાલકની ધરપકડ અકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ 19 વર્ષીય રોશન ચંદુભાઈ માલવિયા તરીકે થઈ છે. રોશન સરથાણાની યોગેશ્વર સોસાયટીમાં રહે છે અને કોસ્મેટિકનો ઓનલાઇન વેપાર કરે છે. ગફલતભરી રીતે ગાડી ચલાવી નિર્દોષ મહિલાનો જીવ લેવા બદલ ઉત્રાણ પોલીસે રોશન વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મૃતક ટીનુબેનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટીનુબેનના પતિનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તેઓ કેટરિંગમાં મજૂરીકામ કરીને ઘર ગુજરાન ચલાવતા હતા. ટીનુબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર ખેત મજૂરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો ત્યારે માતાના અચાનક નિધનથી સંતાનોએ પોતાની છત્રછાયા ગુમાવી છે. રોશન માલવિયા તથા તેમના મિત્રો જય જાદવ, વિવેક ગાબાણી, પ્રિત તળાવિયા અને હેત માલવિયાએ એક દિવસના ભાડે સ્કોપિયો કાર લીધી હતી. પાંચેય મિત્રો અખો દિવસ કારમાં ફર્યા હતા. બાદમાં સાંજના સમયે મિત્રો કાર લઇ મોટા વરાછા આઉટર રીંગરોડ ઉપર ગયા હતા. આ દરમિયાન રોશન કાર ચલાવતો હતો ત્યારે આઉટર રીંગરોડ ઉપર પુરઝડપે કાર ચાલક ચલાવી પગપાળા જતી ત્રણ મહિલાને ટક્કર મારતાં કાર દૂર સુધી ફંગોળાઈ બે-ત્રણ વાર પલટી મારી ગઈ હતી. જેમાં ચાલક રોશનને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય ચાર મિત્રોનો આબાદ બચાવ થયો હતો.
Read Original Article →