સુરત બનશે સ્પોર્ટ્સ અને કલ્ચરલ હબ:જહાંગીરપુરામાં ઓલમ્પિક સાઇઝ પૂલ અને વેસુમાં રાજ્યનું પ્રથમ સીનર્જી અરેના બનશે
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજને શહેરના સર્વાંગી વિકાસ માટે જહાંગીરપુરા અને વેસુ વિસ્તારમાં બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં આયોજિત આ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સવલતો પૂરી પાડવાનો અને નાગરિકોને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અત્યાધુનિક મંચ આપવાનો છે. આ સુવિધાઓ થકી સુરત હવે રમતગમત અને કળાના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે. જહાંગીરપુરામાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
જહાંગીરપુરામાં આશરે 17,000 ચોરસ મીટરના પ્લોટ પર એક ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે. આ સંકુલમાં ઓલમ્પિક માપદંડ મુજબનો સ્વિમિંગ પૂલ અને શિખાઉ લોકો માટે 'લર્નર્સ પૂલ' તૈયાર કરાશે. ઇન્ડોર સુવિધાઓમાં અત્યાધુનિક જિમ, બેડમિન્ટન કોર્ટ અને ટેબલ ટેનિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આજના યુવાનોની પસંદગીને ધ્યાને રાખીને પિકલબોલ, વોલીબોલ અને બોક્સ ક્રિકેટ માટે ખાસ મેદાનો બનાવવામાં આવશે. મુલાકાતીઓ માટે કેફેટેરિયા અને સ્પોર્ટ્સ યુટિલિટી શોપની વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ રહેશે. ગુજરાતનો પ્રથમ 'સીનર્જી અરેના' પ્રોજેક્ટ
વેસુમાં શહીદ સ્મારક પાસે 25,000 ચોરસ મીટરની જગ્યામાં 'સીનર્જી અરેના' આકાર લેશે, જે રાજ્યનો પ્રથમ 'ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ અને આર્ટ્સ ફેસિલિટી' પ્રોજેક્ટ હશે. આ સંકુલમાં 1500 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ અને એક્ઝિબિશન કે સેમિનાર માટે 1200 લોકોની ક્ષમતા ધરાવતો કન્વેન્શન હોલ બનાવવામાં આવશે. સામાજિક પ્રસંગો માટે બેન્ક્વેટ હોલ અને બહારથી આવતા કલાકારો કે મહેમાનોના રોકાણ માટે 15 થી 20 હાઈ-એન્ડ હોટેલ રૂમ્સની સુવિધા પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. PPP મોડલ અને આધુનિક સંચાલન
આ બંને પ્રોજેક્ટ્સનું સંચાલન પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે કરવામાં આવશે, જેથી પાલિકા પર આર્થિક બોજ ઓછો રહે અને ખાનગી એજન્સીઓના અનુભવનો લાભ મળે. કમિશનરે ડિઝાઇનમાં પાર્કિંગ, ફાયર સેફ્ટી અને દિવ્યાંગો માટેની સુવિધાઓ પર ખાસ ભાર મૂક્યો છે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે એન્જિનિયરિંગ વિભાગને ટેન્ડરિંગ પ્રક્રિયા વેગવંતી કરવા સૂચના આપી દેવામાં આવી છે.
Read Original Article →