સગરામપુરાના કોમ્પલેક્સમાં લિફ્ટ અધવચ્ચે ચોંટી જતા વૃદ્ધ દંપતી ફસાયું:બંધ લિફ્ટમાં શ્વાસ રુંધાયો, બૂમાબૂમ થતાં લોકો દોડ્યા; ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢ્યા

Gujarat6/10/2026, 1:58:02 PM
સગરામપુરાના કોમ્પલેક્સમાં લિફ્ટ અધવચ્ચે ચોંટી જતા વૃદ્ધ દંપતી ફસાયું:બંધ લિફ્ટમાં શ્વાસ રુંધાયો, બૂમાબૂમ થતાં લોકો દોડ્યા; ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢ્યા
સુરતના સગરામપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને જીવ અધ્ધર કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં ક્ષેત્રપાળ મંદિરની સામે આવેલા એક કોમ્પલેક્સમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ ત્રીજા માળે અટકી પડી હતી. આ લિફ્ટમાં એક વૃદ્ધ દંપતી સવાર હતું, જે અંદર જ ફસાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ દંપતીને હેમખેમ બહાર કાઢતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અધવચ્ચે જ ચોંટી ગઈ મળતી માહિતી મુજબ, સગરામપુરા ક્ષેત્રપાળ મંદિરની સામે આવેલા રહેણાંક કોમ્પલેક્સમાં આજે રોજિંદી અવરજવર ચાલી રહી હતી. આ દરમિયાન એક વયોવૃદ્ધ દંપતી કામ અર્થે લિફ્ટમાં ઉપર જઈ રહ્યું હતું. લિફ્ટ જ્યારે ત્રીજા માળે પહોંચી ત્યારે અચાનક કોઈ ટેકનિકલ ક્ષતિ અથવા પાવર ફેલ્યોરના કારણે લિફ્ટ અધવચ્ચે જ લોક થઈ ગઈ હતી. દંપતીએ લિફ્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરવાજો ન ખૂલતા તેઓ અંદર જ કેદ થઈ ગયા હતા. બંધ લિફ્ટમાં દંપતીનો શ્વાસ રુંધાયો, બૂમાબૂમ થતાં લોકો દોડ્યા ભરચક અને બંધ લિફ્ટમાં લાંબો સમય રહેવાના કારણે ગભરામણને લીધે વૃદ્ધ દંપતીની તબિયત લથડવા લાગી હતી અને તેમનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. દંપતીએ લિફ્ટની અંદરથી જ મદદ માટે બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. લિફ્ટમાંથી અવાજ આવતા જ કોમ્પલેક્સના અન્ય લોકો અને દુકાનદારો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પોતાના સ્તરે લિફ્ટ ખોલવાના તમામ પ્રયાસો કરી જોયા, પરંતુ સફળતા ન મળતા આખરે તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે સ્પેશિયલ ટૂલ્સની મદદથી રેસ્કયૂ ઓપરેશન પાર પાડ્યું ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે મિનિટોમાં જ પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ સૌપ્રથમ અંદર ફસાયેલા વૃદ્ધ દંપતીને હિંમત આપી હતી જેથી તેઓ ગભરાઈ ન જાય. ત્યારબાદ ફાયર જવાનોએ આધુનિક રેસ્કયૂ ટૂલ્સનો ઉપયોગ કરીને લિફ્ટના દરવાજાને જેક વડે પટકીને ખોલવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત અને સુઝબુઝ બાદ આખરે લિફ્ટનો દરવાજો ખોલવામાં સફળતા મળી હતી. સમયસર રેસ્કયૂ થતાં મોટી દુર્ઘટના ટળી ફાયર બ્રિગેડના જવાનોએ લિફ્ટનો દરવાજો ખોલીને અંદર ફસાયેલા બંને વૃદ્ધોને એક પછી એક સુરક્ષિત અને હેમખેમ બહાર કાઢ્યા હતા. બહાર આવતાની સાથે જ દંપતીના જીવમાં જીવ આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બંનેની તબિયત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. ફાયર ટીમની આ ત્વરિત અને સરાહનીય કામગીરી બદલ ફસાયેલા દંપતી અને ત્યાં હાજર સ્થાનિક લોકોએ ફાયરના જવાનોનો આભાર માન્યો હતો.
Read Original Article →