કતારગામમાં લોહીથી લથબથ નવજાત શિશુનો મૃતદેહ મળ્યો:CCTVના આધારે પાપી વાલીની શોધખોળ શરૂ, સ્થાનિકની નજર પડતા પોલીસને જાણ કરી
સુરત શહેરમાંથી ફરી એકવાર માનવતાને શરમમાં મૂકે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં આવેલા અવધૂત નગર પાસે એક નવજાત શિશુનો ત્યજી દેવાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. લોહીથી લથબથ હાલતમાં પડેલા આ માસૂમ જીવને જોઈને કઠણ હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. નિર્દયતાની તમામ હદો પાર કરતી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. ચોક બજાર પોલીસે CCTVના આધારે પાપી વાલીની શોધખોળ શરૂ કરી છે. રાહદારીઓએ પોલીસને જાણ કરી
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે કતારગામના અવધૂત નગર પાસેથી પસાર થતા કેટલાક સ્થાનિક રાહદારીઓની નજર અચાનક રસ્તા કિનારે પડેલા એક નવજાત શિશુ પર પડી હતી. નજીક જઈને જોતા શિશુ મૃત હાલતમાં હોવાનું માલૂમ પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક આ અંગે ચોક બજાર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ચોક બજાર પોલીસ સ્ટેશનનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. નવજાત શિશુના મૃતદેહને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી
આ કાળજું કંપાવી દેનાર કૃત્ય આચરનાર પાપી સુધી પહોંચવા માટે ચોક બજાર પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે અવધૂત નગર અને તેની આસપાસના રસ્તાઓ પર લાગેલા સરકારી તેમજ ખાનગી દુકાનોના CCTV કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મોડી રાત્રે કે વહેલી સવારે કોણ આ બાળકને અહીં ફેંકી ગયું તેની સઘન તપાસ ચાલી રહી છે. આ સાથે જ આસપાસની હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં તાજેતરમાં થયેલા બાળકોના જન્મના રેકોર્ડ પણ ચકાસવામાં આવી રહ્યા છે.
Read Original Article →