સુરત નવી સિવિલ માટે 49 કરોડની ફાળવણી:અદ્યતન ICU માટે 9 કરોડ ફાળવાયા, દરેક વિભાગોને આધુનિક સાધનોથી સજ્જ કરાશે; આરોગ્ય સુવિધામાં વધારો થશે
રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતની આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા માટે બજેટમાં કુલ રૂ.40 કરોડની ખાસ ગ્રાન્ટ મંજૂર કરી છે. અને અદ્યતન ICU માટે અલગ રૂ.9 કરોડ ફાળવ્યા છે. ગંભીર દર્દીઓ જેવા કે લકવાગ્રસ્ત દર્દીઓ, ઝેર પીધેલા દર્દીઓ અથવા નસ ફાટી જવી (બ્રેઈન હેમરેજ અને સ્ટ્રોક) જેવી જટિલ સ્થિતિમાં સારવાર મેળવતા દર્દીઓ માટે આ ICU આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઉપરાંત નવી સિવિલમાં વિવિધ વિભાગોમાં અદ્યતન સાધનોની ખરીદી માટે રૂ.40 કરોડની ફાળવણી કરાઈ છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના સતત પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ નવી હોસ્પિટલના તમામ વિભાગોને અદ્યતન આરોગ્ય સુવિધાઓ અને સંસાધનોથી સજ્જ કરવા માટે વિશેષ ભાર મૂકાયો છે. ખાનગી હોસ્પિટલોમાં થતા લાખો રૂપિયાના ખર્ચમાંથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને રાહત મળે તેવો સરકારનો મુખ્ય સંકલ્પ છે. દરેક વિભાગને અત્યાધુનિક સાધનોથી સજ્જ કરાશે
આ ગ્રાન્ટનો ઉપયોગ કરતા પહેલા સિવિલના તમામ વિભાગના વડાઓ સાથે પરામર્શ કરવામાં આવશે. દરેક વિભાગ પોતાની જરૂરિયાત મુજબ અદ્યતન સાધનોની દરખાસ્ત રજૂ કરશે. જેમાં આધુનિક સર્જરી માટે લેપ્રોસ્કોપીના સાધનો, ગંભીર અને જટિલ રોગોના સચોટ નિદાન માટે અદ્યતન ડાયગ્નોસ્ટીક લેબોરેટરી, અદ્યતન કેમેરા અને આધુનિક તપાસના સાધનો સાથેનું ઓપરેશન થિયેટર, જનરલ વોર્ડની સુવિધાઓમાં પણ આધુનિકીકરણ કરાશે. આ સુવિધા માત્ર સુરત શહેર જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારના દર્દીઓ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. દર્દીઓને સરકારી હોસ્પિટલમાં જ ખાનગી હોસ્પિટલ જેવી શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવો સરકારનો મક્કમ સંકલ્પ છે. સૌ પ્રથમવાર સિવિલ હોસ્પિટલ માટે આટલી મોટી રકમની ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે સુરતની આરોગ્ય સેવાઓમાં મોટો બદલાવ લાવશે.
Read Original Article →