સુરત ભૂતિયા ડિમોલિશનમાં મોટો ઘટસ્ફોટ:ઉપરથી સૂચના આવી ને મનપાના કર્મચારીએ જ ટોરેન્ટને નાસીરનગરમાં પાવર કટ કરવા ફોન કર્યો, ભાસ્કર સમક્ષ કબૂલાત

Gujarat6/10/2026, 12:46:00 PM
સુરત ભૂતિયા ડિમોલિશનમાં મોટો ઘટસ્ફોટ:ઉપરથી સૂચના આવી ને મનપાના કર્મચારીએ જ ટોરેન્ટને નાસીરનગરમાં પાવર કટ કરવા ફોન કર્યો, ભાસ્કર સમક્ષ કબૂલાત
સુરતના નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન મામલે દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. સ્થાનિક રહીશોના આક્રોશ અને વહીવટી તંત્રના ભેદી મૌન વચ્ચે હવે આ સમગ્ર ષડયંત્રમાં ‘દિવ્ય ભાસ્કર’એ ઇન્વેસ્ટિગેશન કરીને એક સચોટ પુરાવો મેળવ્યો છે, જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓની સીધી સંડોવણી અને મિલિભગત તરફ આંગળી ચીંધે છે. આ પુરાવાએ સાબિત કરી દીધું છે કે જે ડિમોલિશનને ‘અજાણ્યું’ કે ‘અચાનક’ થયેલું બતાવવામાં આવી રહ્યું હતું, તેની પટકથા કલાકો પહેલાં જ ખૂબ જ આયોજનબદ્ધ રીતે ઘડી કાઢવામાં આવી હતી. ગત 30મી મેના રોજ નાસીરનગરમાં જ્યારે JCB સહિતની મશીનરીઓ સાથે ડિમોલિશનની ગેરકાયદેસર કાર્યવાહી શરૂ થવાની હતી, તેના બરાબર પહેલાં જ તંત્રના અમુક માણસો પડદા પાછળ સક્રિય થઈ ગયા હતા.‘દિવ્ય ભાસ્કર’ના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે, 30 મે, 2026ની સવારે બુલડોઝર ફરે તે પહેલાં જ સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના લાઈટ વિભાગના ઈલેક્ટ્રીક સુપરવાઈઝર શૈલેષભાઈ નામના કર્મચારીએ ‘ટોરેન્ટ પાવર’માં સત્તાવાર ફરિયાદ (કમ્પ્લેન) નોંધાવી હતી. આ ફરિયાદ નાસીરનગરમાં વીજ પુરવઠો તાકીદે બંધ કરવા અથવા લાઈનો કાપવા અંગેની હતી. જેથી ડિમોલિશનની કામગીરી વખતે કરંટ લાગવાની કોઈ દુર્ઘટના ન ઘટે અને કોઈ પણ અડચણ વગર ગણતરીની મિનિટોમાં આખું ઓપરેશન પૂરું કરી શકાય. આ સનસનાટીપૂર્ણ પુરાવો મેળવતા જ ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે ગ્રાઉન્ડ લેવલ પર ક્રોસ-વેરિફિકેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત અને આંતરિક સૂત્રોની મદદથી અમારી ટીમે લાઈટ વિભાગના કર્મચારી શૈલેષભાઈનો સત્તાવાર અને વ્યક્તિગત મોબાઈલ નંબર મેળવ્યો હતો. દિવ્ય ભાસ્કરે જ્યારે શૈલેષભાઈ સાથે સીધો સંપર્ક કર્યો અને 30 તારીખે વહેલી સવારે ટોરેન્ટ પાવરમાં નોંધાવેલી કમ્પ્લેન વિશે તીખા સવાલો પૂછ્યા, ત્યારે તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા. તેમણે જણાવ્યું હતું કે નાસીર નગરમાં પાવર કટ કરવાની કમ્પ્લેન તો મે જ કરી હતી. પરંતુ અમને ઉપરથી કમ્પ્લેન આવી હતી એટલે કે નાસીર નગરમાંથી હવે તે ફોન કોણે કર્યો છે તે ખબર નથી અમે નામ પૂછવાનું ભૂલી ગયા છીએ એવો ગોળ ગોળ જવાબ આપ્યો હતો. આ પણ વાંચો: સુરતના ડિમોલિશનનું 'ભૂત' કોણ?, ગૂગલ મેપમાં ખેલ ખૂલ્યો સેન્ટ્રલ ઝોનના ઈલેક્ટ્રીક સુપરવાઇઝર શૈલેષભાઈ સાથે થયેલી વાતચીત દિવ્ય ભાસ્કર: શૈલેષભાઈ? શૈલેષભાઈ: હા. દિવ્ય ભાસ્કર: જયેશ કતપરા વાત કરું છું દિવ્ય ભાસ્કરમાંથી. શૈલેષભાઈ: હા? દિવ્ય ભાસ્કર: સાહેબ, આ 30 તારીખે તમે ટોરેન્ટ પાવરમાં નાસીરનગરમાં પાવર કટ માટે ફોન કર્યો’તો...? શૈલેષભાઈ: હેલ્લો. દિવ્ય ભાસ્કર: હેલ્લો. શૈલેષભાઈ: અમારે ત્યાં કોઈને કોઈ કમ્પ્લેન આવે એટલે અમે કીધું હોય કદાચ. કારણ કે કોઈ જગ્યા પર આવી રીતે હોય ને, તો પેલો અમને એવો મેસેજ આવેલો કે ભાઈ અહીં આવી રીતે કંઈ થાય તોડફોડ... કોઈ જગ્યાએ થાય ને, તો કરંટ લાગે એવું છે,... દિવ્ય ભાસ્કર: બરારબર. શૈલેષભાઈ: તો અમે કોલ કરીએ છીએ દરેક વખતે બધી જગ્યાએ. દિવ્ય ભાસ્કર: તમે... તમે કોણ? કયા વિભાગમાંથી છો? શૈલેષભાઈ: હું લાઈટ વિભાગમાંથી છું. દિવ્ય ભાસ્કર: SMCના? શૈલેષભાઈ: હેલ્લો. દિવ્ય ભાસ્કર: હા. શૈલેષભાઈ: હા, SMCના લાઈટ વિભાગમાં ને? શૈલેષભાઈ: લાઈટ વિભાગમાંથી બોલું, હા. દિવ્ય ભાસ્કર: હા હા, પણ SMCનો જ લાઈટ વિભાગ ને એમ? શૈલેષભાઈ: હા, SMCમાંથી. એટલે અમને શું છે કે કોઈ જગ્યાએ કોલ આવે કે ભાઈ આવી રીતે શોર્ટ સર્કિટ છે, કે કરંટ લાગે એવું છે, તો અમે કહીએ છીએ કે ભાઈ... દિવ્ય ભાસ્કર: એટલે તમને... તમને કોનો કોલ આવ્યો’તો ભાઈ? શૈલેષભાઈ: અમને તો એવી રીતે કોલ આવ્યો હતો... દિવ્ય ભાસ્કર: તમને કોનો કોલ આવ્યો’તો, એનો નંબર આપશો? શૈલેષભાઈ: અમને તો હવે નંબર મારી પાસે તે વખતનો નહીં હોય, એ જોવો પડશે. કારણ કે અમારા લાઈટ વિભાગમાં... દિવ્ય ભાસ્કર: એટલે તમને કોઈ આદેશ આપ્યો’તો કે ઓફિશિયલી કોઈએ કીધું’તું, એવું હતું? શૈલેષભાઈ: ના, ઓફિશિયલી કંઈ નહીં, પણ આવી રીતે એમ મેસેજ આવેલો કે ભાઈ આવી રીતે અહીંયા એ કઈ... દિવ્ય ભાસ્કર: તો એ મેસેજ મોકલો ને સાહેબ મને? શૈલેષભાઈ: એનો તો મેસેજ તો નહીં હોય મારી પાસે, કારણ કે અમારે તો કોલ આવ્યો હોય તો એ એણે મને આપી દીધો હશે. દિવ્ય ભાસ્કર: બરાબર. શૈલેષભાઈ: બરાબર, એટલે ટોરેન્ટવાળાને... લાઈટ ડિપાર્ટમેન્ટના ફોન પર આવ્યો હોય, તો અમે કોઈને અમારા વાયરમેનને અને એને, ટોરેન્ટવાળાને કીધું હોય એમ. દિવ્ય ભાસ્કર: એટલે તમારા નામથી કમ્પ્લેન રજિસ્ટર થઈ છે ટોરેન્ટ પાવરમાં SMCની... શૈલેષભાઈ: હા હા, એટલે હું શું કહું છું... આ કોલ આવ્યો હોય કે ભાઈ આવી રીતે કંઈક પ્રોબ્લેમ છે, તો ભાઈ કોઈને કરંટ નહીં લાગે એટલે જનરલ સેફ્ટીના ધ્યાને લઈને અમે કોલ કરીએ જ છીએ બધી જગ્યા પર, એવું નહીં.તે કોઈ પણ જગ્યાએ મીટરમાં કંઈ ફોલ્ટ થયો હોય તો પણ અમે એમને કોલ... અત્યારે પણ મેં એક કોલ કર્યો કે ભાઈ મચ્છી માર્કેટમાં આવી રીતે છે. દિવ્ય ભાસ્કર: બરાબર. શૈલેષભાઈ: એટલે એ લોકો આવીને કરી જાય. આવી રીતે લોકો કોઈને કરંટ નહીં લાગે એટલે જનરલ સેફ્ટી ધ્યાને લઈને આવું કંઈક હોય, ત્યારે કોલ કરીએ કે ભાઈ આવી રીતે છે એમ. દિવ્ય ભાસ્કર: તમને... તમને કોનો કોલ હતો? તમને... તમને જે નંબરથી કોલ આવ્યો’તો કે અહીંયા સેફ્ટી... શું, શું સેફ્ટી ને શું મેસેજ હતો? શૈલેષભાઈ: સેફ્ટીમાં કે ભાઈ આવી રીતે અહીં તોડફોડ થાય છે, તો અમે મોકલી આપ્યો કે ભાઈ આવી રીતે છે, કોઈને... એટલે અમે ટોરેન્ટવાળાને કહી દીધું એમ. દિવ્ય ભાસ્કર: બરાબર, એટલે તમને કોણે કીધું’તું કે તોડફોડ થાય છે એવું? નંબર આપો ને મને એ નંબર, જે ફોન આવ્યો’તો... શૈલેષભાઈ: અમારા લેન્ડલાઈન પર નંબર આવ્યો હશે. દિવ્ય ભાસ્કર: બરાબર. શૈલેષભાઈ: એટલે ત્યારે અમે ઓફિસ હોઈએ ને, ત્યારે અમે આપી દીધું એમ, ત્યાંથી જ અમે કોલ કરી દઈએ. દિવ્ય ભાસ્કર: બરાબર. તો એની પાસેથી તમે કંઈ નામ, સરનામું એવું બધું નહોતું પૂછ્યું એમને? સીધું જ એવું નાસીરનગરમાં તોડફોડ થાય છે એવું કીધું’તું તમને? શૈલેષભાઈ: નાસીરનગરમાં નહીં કે ભાઈ આવી રીતે આ જગ્યા... અમારે તો કોઈ પણ જગ્યાનું લોકેશન, સેન્ટ્રલ ઝોનની અંદર કોઈ પણ જગ્યા પર હોય ને, કંઈ પણ કંઈ કોલ હોય ને એટલે જનરલ સેફ્ટીને ધ્યાને લઈને અમારે કોલ કરવો પડે. દિવ્ય ભાસ્કર: પણ તમને મેસેજ આવે સાહેબ, તો તમે નામ ના પૂછો કે કોણ છે કે ક્યાંથી છો? શૈલેષભાઈ: અમે ખાલી લોકેશન પૂછી લઈએ, નામનું તો કેટલીક વાર રહી જાય અમારે, ભુલાઈ જાય. દિવ્ય ભાસ્કર: બરાબર. શૈલેષભાઈ: કારણ કે અમારે બીજા ચાર કામ હોય, તો અમારે પેલા શું છે કે કોઈને નામ પૂછવા... ભાઈ કઈ જગ્યા? લોકેશન પૂછી લઈએ એટલે નામ પૂછવાનું ભુલાઈ પણ જાય. દર વખત નામ નથી હોતું, કોઈ વાર રહી જાય એમ. દિવ્ય ભાસ્કર: ઓકે, ઓકે, ઓકે. શૈલેષભાઈ: પૂછીએ પણ ખરા, કઈ જગ્યા છે એમ. ઉચ્ચ અધિકારીઓની એક કમિટી બનાવવી પડે: MLA મોરડીયા આ વિવાદ અંગે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે, જે પ્રકારે તપાસ કમિટી બની છે, એ કોર્પોરેશનના અધિકારીઓ પૂરતી મર્યાદિત રહે અને કાર્યપાલક લેવલના ઈજનેરો આમાં સામેલ હોય, ત્યારે એની ઉપર કાર્યપાલક ઈજનેરો તપાસ કરે એ મને લાગે છે ક્યાંક ખૂટતી કડી છે. ઉચ્ચ અધિકારીઓની એક કમિટી બનાવવી પડે. પરંતુ, ઠીક છે, અત્યારે કમિશનરે જે કમિટી બનાવી છે, પ્રાથમિક તપાસ કરે. પરંતુ, જે પ્રકારે ડિમોલિશન કરવામાં આવ્યું છે, એમાં જે હાજર અધિકારીઓ છે, કાર્યપાલક ઈજનેરો, એણે કોર્પોરેશનને કોઈ પ્રકારની સૂચના નથી આપી. અને કોર્પોરેશનને સૂચના નથી આપી એનો મતલબ એવો થાય કે ઉપસ્થિત હતા એવું જણાય છે. ‘કોર્પોરેશન નથી ગયું તેવું કમિશનરે સ્પષ્ટ કર્યું છે’ વધુમાં જણાવ્યું છે કે રામજીવાલાએ તો એવું કીધું હતું કે હું ત્યાં ગયો જ નથી. એટલે શંકા પાકી જાય છે. એણે કીધું કે હું નહોતો ને ત્યાં હાજર હતા. એટલે જૂઠું બોલે છે અને ગેરમાર્ગે દોરવાવાળી વાત છે. કમિશનરે જવાબ આપ્યો છે કે ડિમોલિશન આપણે કર્યું નહોતું. તો ડિમોલિશન જે કરવાવાળી એજન્સી છે, એ સુરત મહાનગરપાલિકાની જ છે અને એ જ એજન્સીના માણસોને બોલાવવામાં આવ્યા હતા. તો બહારનું કોઈ નથી. અને જે જગ્યા છે એ પ્રાઇવેટ માલિકીની છે, એ લાઇન દોરીની છે. જો લાઇન દોરીનો અમલ કરવા તમારે જવું હોય, તો લાઇન દોરી માટેની તમારે એક કાગળિયાની પ્રોસેસ હોય છે. એને એક નોટિસ આપો, બીજી નોટિસ આપો, સમયાંતરે એને સમય આપો. તો આ કોઈપણ પ્રકારની નોટિસ નથી, એટલે કોર્પોરેશનને કમિશનરે કીધું છે સ્પષ્ટ કે કોર્પોરેશન નથી ગયું. ‘ACB તપાસ પણ થવી જોઈએ’ તો કોણ ગયું? ત્યાં હાજર હતા એની નિગરાનીમાં જ આ થયું છે. તો એટલા માટે આની સામે જે હાજર અત્યારે છે, એની સામે પણ ફોજદારી થવી પડે. કારણ કે, એ આમ ડ્યુટી પર બોલતા હતા અને ત્યાં એ ડિમોલિશનમાં વખતે ત્યાં હાજર છે અને નહીં કહેવા છતાંય માર્ગદર્શન આપતા એટલે સાબિત થાય છે કે ડિમોલિશન કરાવવામાં એ લોકોનો હાથ હોઈ શકે. એટલે મારું માનવું છે કે આને આગળ પણ તપાસ થવી, ફોજદારી તો ખરી, પણ ACB તપાસ પણ થવી જોઈએ. ‘અધિકારીઓની અત્યાર સુધીની કામગીરીની તપાસ થાય’ હાલના તબક્કામાં જ્યાં નોકરી કરે છે એમાં શું ચાલે છે? રામજીવાલા અત્યારે જ્યાં નોકરી કરે છે, તો એના વિસ્તારમાં કેટલા બાંધકામો એની નિગરાનીમાં એના હાથ નીચે ચાલે છે? સુજલ જે ઝોનલમાં નોકરી કરી છે, એના હાથ નીચે કેટલા બાંધકામો થયા? ક્યાં ક્યાં એણે નોટિસો આપીને ક્યાં એણે છોડી દીધા? આ બધી જ પ્રકારની તપાસ, ઝીણવટભરી તપાસ થાય, તો મને લાગે છે કે આની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે. ‘તટસ્થ તપાસ થાય તો સત્ય બહાર આવશે’ સુજલે જે ઝોનના વડા તરીકે કામ કર્યું છે એ ઝોનની તપાસ થાય. હાલમાં રામજીવાલાની નોકરી ચાલુ છે, એની તપાસ થાય એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. સામાન્ય જનતાને પૂછવામાં આવે તો પણ કહેશે. એટલે તપાસ થાય એ બહુ જરૂરી છે. હું ને તમે વાત કરીએ એ ઓફિશિયલી નથી, પરંતુ તપાસ તટસ્થ તપાસ થાય તો જે સત્ય છે તે બહાર આવી જશે અને જે કૃત્ય કર્યું છે એ લોકો જેલના સળિયા પાછળ જાય. હું તો એવું માનું છું કે આ બંને અધિકારીઓને હાલ પૂરતા ફરજ મોકૂફ કરી દેવા જોઈએ. એમની ઉપર તપાસ કરવી જોઇએ.
Read Original Article →