સુરતમાં ભૂતિયા ડિમોલિશન મુદ્દે SMCને તાળા મારવાનો પ્રયાસ:સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ, વિવાદ વકરતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર રજા પર ઉતર્યો

Gujarat6/9/2026, 11:28:16 AM
સુરતમાં ભૂતિયા ડિમોલિશન મુદ્દે SMCને તાળા મારવાનો પ્રયાસ:સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ, વિવાદ વકરતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર રજા પર ઉતર્યો
સુરતના નાસીરનગરમાં વહીવટી તંત્ર દ્વારા કોઇપણ પૂર્વ સૂચના કે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વિના ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કાર્યકરોએ સુરત મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ 'તાપી ભવન' ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર ધરણા પ્રદર્શન કર્યું હતું. આંદોલનકારીઓએ વહીવટી તંત્ર સામે બિલ્ડરોના કથિત લાભ માટે પક્ષપાતી અને માનવતાહીન કાર્યવાહી કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. પીડિતોને તાત્કાલિક વૈકલ્પિક રહેઠાણ આપવા, નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવા અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે તંત્રને રજૂઆત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ તંગદિલી ટાળવા માટે મનપા કચેરી પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. મહાનગરપાલિકાના ગેટ પર ઘર્ષણ અને તાળાબંધીનો પ્રયાસ સુરત મહાનગરપાલિકાના મુખ્ય દ્વાર પર નાસીરનગરના લોકો અને કોંગ્રેસ કાર્યકરો ધરણા પર બેસતા રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ શાંતિપૂર્ણ વિરોધ ત્યારે ઉગ્ર બન્યો જ્યારે મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર વાળા અને કોર્પોરેટર અરશદ ઝરીવાલાને મનપાના ગેટમાં પ્રવેશવા દેવામાં ન આવ્યા. આ પગલાથી રોષે ભરાયેલી પ્રજાએ મહાનગરપાલિકાને તાળા મારવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ ત્રણ ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી મુખ્ય જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈ સામાન્ય અધિકારીને મળશે નહીં અને આ આંદોલન વધુ ઉગ્ર બનાવશે. વિવાદ વકરતાં સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રજા પર નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં કેન્દ્ર સ્થાને રહેલા સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયંગ રામજીવાલા વિવાદ વકરતાં જ અચાનક એક સપ્તાહની રજા પર ઉતરી ગયા છે. ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન માથા પર રૂમાલ બાંધીને ઘટનાસ્થળે હાજર રહેલા જયંગ રામજીવાલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં તેઓની હાલત કફોડી બની છે. છેલ્લા ત્રણ દિવસથી આ સમગ્ર કામગીરી બિલ્ડરના કથિત લાભ માટે જ રચાઈ હોવાની આશંકાઓ વચ્ચે તેમનું અચાનક રજા પર ઉતરી જવું અનેક સવાલો અને શંકાઓ ઊભી કરે છે. ટોરેન્ટ પાવર દ્વારા અરજી વિના જ મીટર કાપી નખાયા તાપી ભવન ખાતે વિરોધ કરી રહેલા સ્થાનિકોએ વહીવટી તંત્રની સાથે ટોરેન્ટ પાવર સામે પણ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. રહીશોના જણાવ્યા મુજબ લોકો રસ્તા પર આવી ગયા હોવા છતાં ટોરેન્ટ પાવર દ્વારા ₹1700 થી ₹2000 સુધીના લાઈટ બિલ પકડાવી દેવાયા છે. વીજ મીટર કાઢવા માટે કોઈએ સત્તાવાર અરજી કરી ન હોવા છતાં, કંપનીના કર્મચારીઓ આવીને નાસીરનગરના મીટર કાપી ગયા હતા. કોના ઈશારે અને કોના કહેવાથી આ મીટર કાપવામાં આવ્યા તે અંગે પણ સ્થાનિકોમાં મોટો સવાલ ઉઠ્યો છે. વહીવટી તંત્રની આ પક્ષપાતી અને કથિત ગેરકાયદેસર ડિમોલિશનની કાર્યવાહી સામે પીડિતો ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ દેખાઈ રહ્યા છે.
Read Original Article →