સુરતના ડિમોલિશનનું 'ભૂત' કોણ?, ગૂગલ મેપમાં ખેલ ખૂલ્યો:ડિમોલિશનમાં સૌરાષ્ટ્રના બે બિલ્ડરનો હાથ હોવાની ચર્ચા,એક નામાંકીત ગ્રુપના પાર્ટનરની પણ શંકાસ્પદ ભૂમિકા
સુરતમાં ગત 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિર નગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. જો કે આ ભૂતિયા ડિમોલિશનનો 'વિલન' કોણ છે તેનો ચહેરો સામે આવવાનો હજુ બાકી છે. હાલ સુરત શહેરમાં સૌથી વધુ ચર્ચાતો જો કોઈ સવાલ હોય તો એ છે કે, શું બે મોટા પ્રોજેક્ટ્સને ફાયદો કરાવવા માટે નાસીર નગરના 100થી વધુ પરિવારોના આશિયાના છીનવી લેવાયા છે? રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને ગેસ એજન્સીની વચ્ચે આવેલા મકાનોને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. જો કે હજુ એક મકાનોની એક લાઇન છે અને તેને પણ ભવિષ્યમાં ખુલ્લી કરવાનો કારસો ઘડાવાની શક્યતા છે. આમ આખો રસ્તો ક્લિયર કરી દેવાની પેરવી છે. દિવ્ય ભાસ્કરે આ ડિમોલિશનને લઈ ગૂગલ મેપ દ્વારા તથા ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં સૌરાષ્ટ્રના બે બિલ્ડર તથા અન્ય એક નામાંકીત ગ્રુપના પાર્ટનરની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની વાત સામે આવી છે. એક તરફ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ પ્રોટેક્શનની કડક હાજરી વચ્ચે નાસીર નગરના મકાનોને તોડી પાડ્યા, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા (SMC)ની ટીમ તમામ જેસીબી અને સાધનો સાથે ડિમોલિશન માટે ઘટનાસ્થળે ખડકી દેવાઈ હતી. નવાઈની વાત એ છે કે, આટલી મોટી કામગીરી થઈ ગઈ હોવા છતાં હવે તંત્ર દ્વારા આ ડિમોલિશનમાં અમારો કોઈ હાથ જ નથી તેવી વાતો કરીને સમગ્ર મામલે હાથ ખંખેરવાનો પ્રયાસ થયો રહ્યો છે. પાલીયા લાઇફ સ્ટાઇલ તથા એલિગન્સ પ્રોજેક્ટ માટે અડચણરૂપ મકાનો પાડ્યા
ગત 30 મેના રોજ નાસીરનગરના રહીશ તસ્લીમ સાદિક શેખે નોર્થ ઝોનના એડિશનલ મ્યુનિ.કમિશનરને કરેલી અરજીમાં લખ્યું છે કે, અમારા વિસ્તારના અંદાજિત 200-250 મકાનના અંદાજે 1000-1200 રહેવાસીઓ વસાહત કરી રહે છે. અમારા મકાનના આગળના ભાગે પાલીયા લાઇફ સ્ટાઇલ તથા એલિગન્સ પ્રોજેક્ટ માટે અડચણરૂપ મકાનોનું ડિમોલિશન પ્રક્રિયા આવી છે. અમને 21 દિવસની સમય મર્યાદા આપવામાં આવે. આ પણ વાંચો: DCP નકુમ-SMCના અધિકારીઓની હાજરીમાં 'ભૂતે' 100 મકાન તોડી પાડ્યા પારસી સમાજની જમીન અને બિલ્ડરોનું કનેક્શન
વિવાદોની વચ્ચે હવે આ વિવાદિત જમીનનો સિટી સર્વેયર રિપોર્ટ સામે આવ્યો છે, જેણે ચર્ચાની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ રિપોર્ટ અનુસાર, જમીનનો કેટલોક હિસ્સો સુરત મહાનગરપાલિકાનો છે, જ્યારે મોટો ભાગ પારસી સમાજનો હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે. આ જમીનની બિલકુલ પાછળ એક મેગા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જે સૌરાષ્ટ્રના એક જાણીતા બિલ્ડર દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યો છે. અગાઉ આ જમીનમાંથી કેટલોક ભાગ પારસી સમાજની બિલ્ડરોએ તે ખરીદી લીધી હોવાની વિગતો મળી રહી છે, જેમાં કોંગ્રેસના એક પૂર્વ કોર્પોરેટર દ્વારા બુકિંગની કામગીરી સંભાળવામાં આવી રહી હોવાની ચર્ચા પણ જોર પકડી રહી છે. નજીકમાં ગેસ એજન્સીની પણ જમીન
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આટલો મોટો પ્રીમિયમ પ્રોજેક્ટ હોવાના કારણે બિલ્ડરોને એવો ડર સતાવી રહ્યો હતો કે આજુબાજુમાં સ્લમ (ઝૂંપડપટ્ટી) વિસ્તાર હોવાને કારણે કોઈ ગ્રાહકો અહીં ખરીદી નહીં કરે. આ જ ડરના કારણે બિલ્ડરો દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. આ વિવાદિત સ્થળથી માત્ર 500 મીટરના અંતરે એક ગેસ એજન્સીની કરોડોની કિંમતની મોટી જમીન પણ આવેલી છે. આ જમીન સાથે સુરતના એક જાણીતા ગ્રુપના પાર્ટનરનો પરિવાર સીધી રીતે જોડાયેલો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. સૌરાષ્ટ્રવાસી બિલ્ડરોના ઈશારે ડિમોલિશનની ચર્ચા
સ્થાનિકો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે, સૌરાષ્ટ્રવાસી બિલ્ડરોના ઈશારે જ સુરત મહાનગરપાલિકા અને એસઓજીએ સાથે મળીને આ આખી રમત રમી છે. સ્થાનિકોનું માનવું છે કે બિલ્ડરોના આર્થિક લાભ માટે જ લાઈન દોરીનું બહાનુ ધરીને રસ્તાનું ડિમોલિશન કરી નાખવામાં આવ્યું, કારણ કે તંત્ર દ્વારા રહેવાસીઓને ઘર ખાલી કરવા માટે એક પણ કાયદેસરની નોટિસ આપવામાં આવી નહોતી. બિલ્ડરો અને સત્તાધીશોની આ મિલિભગત સામે માત્ર નાસીર નગરમાં જ નહીં, પરંતુ રાંદેર વિસ્તારમાં પણ જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. રાંદેર ખાતે આવેલા અશાંતધારા વિસ્તારમાં એક મોટા પ્રોજેક્ટને લઈને જે એજન્સીની જમીન આવેલી છે, તેના ભાગીદાર સામે સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરીને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો બેઘર બન્યા છે અને બીજી તરફ મોટા ગજાના બિલ્ડરોને ફાયદો કરાવવા સરકારી તંત્ર કઠપૂતળી બન્યું હોવાના આક્ષેપોથી સુરતનું રાજકારણ ગરમાયું છે. નાસીરનગરના રહીશ હાઇકોર્ટ પહોંચ્યા
બીજી તરફ નાસીરનગરના શેખ હુસૈન અઝીઝે એડવોકેટ ઝમીર શેખ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં ગુજરાત રાજ્ય, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, SOG ડેપ્યુટી કમિશનરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. FIR દાખલ કરવાની પણ માંગ કરી છે: અરજદારના વકીલ
પિટિશનરના એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું હતું કે,આ ગેરકાયદેસર ડિમોલિશન મામલે પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેની પિટિશન સંપૂર્ણ તૈયાર છે અને આવતીકાલે તેને કોર્ટમાં દાખલ કરવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સની રિસિપ્ટ અને લાઇટ બિલના પૂરાવા
અરજદારે સુરતના વેડ દરવાજા સ્થિત નાસીરનગર વસ્તીમાં છેલ્લા આશરે 35 વર્ષથી તેમના પરિવાર સાથે રહે છે. અરજદારના જન્મ પહેલાં તેમના પિતા પણ આ જ જગ્યા પર રહેતા હતા. તેઓ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતો પ્રોપર્ટી ટેક્સ પણ નિયમિતપણે ભરે છે, જેના પુરાવા તરીકે વર્ષ 1996, 2011 અને 2018ની મિલકત વેરાની રસીદો તેમજ વર્ષ 2006નું ટોરેન્ટ પાવરનું વીજળી બિલ અરજી સાથે સામેલ કરવામાં આવ્યું છે. અરજદારે કહ્યું છે કે તારીખ 29 મે, 2026ના રોજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલાએ કોઈપણ જાતની પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના નાસીરનગર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી દીધી હતી. 02 જૂન, 2026 સુધીમાં ત્યાં આશરે 150 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ધમકી અપાતી હોવાનો આક્ષેપ
અરજદારને ડર છે કે અન્ય મકાનોની જેમ તેમનું મકાન પણ તોડી પાડવામાં આવશે. વધુમાં, પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને એવી ધમકી આપવામાં આવી રહી છે કે જો તેઓ આ ડિમોલિશનની કામગીરીમાં અવરોધ ઊભો કરશે, તો તેમની સામે ગુનાહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાસિરનગરમાં આશરે 250થી વધુ પરિવારો રહે છે અને આ કામગીરીથી તેઓ બેઘર થઈ જશે. અરજદારે જણાવ્યું છે કે ભારતીય બંધારણ મુજબ કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈપણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત કરી શકાય નહીં. નોટિસ કે સાંભળવાની તક ન આપીને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને મૂળભૂત હકોનો ભંગ થયો છે. 10 દિવસનો સમય ફરજિયાત આપવો પડે
જો આ જમીનને સરકારી કે જાહેર જગ્યા ગણવામાં આવે તો પણ ધ ગુજરાત પબ્લિક પ્રીમિસિસ એક્ટ, 1972ની કલમ 04 હેઠળ સક્ષમ અધિકારી દ્વારા રહીશોને લેખિતમાં શો કોઝ નોટિસ આપવી અને ઓછામાં ઓછા 10 દિવસનો સમય આપવો ફરજિયાત છે, જે આ કેસમાં કરવામાં આવ્યું નથી. વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના તોડફોડ કરવી ગેરકાયદે
ધ ગુજરાત સ્લમ એરિયાઝ એક્ટ, 1973' ની કલમ 44 મુજબ પણ કોઈપણ મકાનમાં પ્રવેશતા પહેલાં કબજેદારને ઓછામાં ઓછી 24 કલાકની લેખિત નોટિસ આપવી અનિવાર્ય છે. આ વિવાદિત જમીન સરકારની વર્ષ 2013ની પુનર્વસન નીતિ હેઠળ આવરી લેવાયેલી છે. તેથી વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના આ પ્રકારે તોડફોડ કરવી ગેરકાયદે છે. ડિમોલિશનની કામગીરી પર તાત્કાલિક સ્ટે આપવા માંગ
અરજદારે હાઈકોર્ટ સમક્ષ માંગ કરી છે કે સુરતના નાસીરનગર ખાતે ચાલી રહેલી ગેરકાયદે ડિમોલિશનની કામગીરી પર તાત્કાલિક સ્ટે આપવામાં આવે. સામા પક્ષકારોને ધ ગુજરાત પબ્લિક પ્રીમિસિસ એક્ટ, 1972ની જોગવાઈઓનું કડક પાલન કરવાનો આદેશ આપવામાં આવે. ગુજરાત સરકાર વર્ષ 2013ના ઠરાવ મુજબ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવાનો આદેશ કરવામાં આવે. પોલીસ સત્તાવાળાઓને આવી ગેરકાયદે તોડફોડની કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને પોલીસ પ્રોટેક્શન ન આપવા માટે નિર્દેશ જાહેર કરવામાં આવે. ગરીબ પરિવારો કાળઝાળ ગરમીમાં રહેવા મજબૂર: અસલમ સાયકલવાલા
જ્યારે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજનને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ લેખિત પત્ર પાઠવી વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પત્રમાં આક્ષેપ કરાયો છે કે 30 મે,2026 અને 1 જૂન, 2026ના રોજ વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓની પ્રત્યક્ષ હાજરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે, કોઈપણ કાયદાકીય નોટિસ કે માનવતા રાખ્યા વિના ગેરકાયદે સ્લમ વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ અન્યાયી કાર્યવાહીના કારણે અનેક ગરીબ શ્રમિક પરિવાર એક જ ઝાટકે ઘરવિહોણા થઈ ગયા છે અને કાળઝાળ ગરમીમાં ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર બન્યા છે. ‘કરોડો રૂપિયાની કટકીના જોરે “બિલ્ડર હિતાય, બિલ્ડર સુખાય”ની નીતિ’
પૂર્વ કોર્પોરેટરે પાલિકાના વહીવટી માળખા અને ખાનગી બિલ્ડરો વચ્ચેની મિલિભગત તરફ સીધી આંગળી ચીંધી છે. તેમણે જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાનું સત્તાવાર સૂત્ર “બહુજન હિતાય, બહુજન સુખાય” છે, પરંતુ આ કિસ્સામાં અધિકારીઓએ પોતાના અંગત સ્વાર્થ અને કરોડો રૂપિયાની કટકીના જોરે “બિલ્ડર હિતાય, બિલ્ડર સુખાય”ની નીતિ સાર્થક કરી બતાવી છે. ઓક્ટોબર 2025માં જ આ અંગે આશંકા વ્યક્ત કરાઈ હતી
આશ્ચર્યની વાત એ છે કે, સ્થાનિકો દ્વારા અગાઉ ઓક્ટોબર 2025માં જ આ અંગે આશંકા વ્યક્ત કરતી આગોતરી લેખિત જાણ તંત્રને કરાઈ હતી. તદુપરાંત, ડિમોલિશન ચાલુ હતું તે દરમિયાન 30, 2026ના રોજ બપોરે 1:54 કલાકે અસલમ સાયકલવાલાએ કમિશનરના ઓફિશિયલ ઈ-મેલ પર ત્વરિત રજૂઆત કરી હોવા છતાં સ્થળ પર કોઈ કાર્યવાહી રોકવામાં આવી ન હતી, જે વહીવટી તંત્રની મુક સંમતિ દર્શાવે છે. મનપાના જવાબદાર અધિકારીઓના નામનો પણ ઉલ્લેખ
અસલમ સાયકલવાલાએ પત્રમાં ડિમોલિશનના સ્થળે પ્રત્યક્ષ હાજર રહીને આ સમગ્ર ગેરકાયદેસર પ્રક્રિયાને અંજામ આપનારા સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓના નામોનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. જેમાં સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર જયંગ જીવનરામજીવાલા, આરડીડી(રૂરલ ડિવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ)ના કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી ઈજનેર અર્પણ પરમાર તેમજ સેન્ટ્રલ ઝોન શહેર વિકાસ વિભાગના આસિસ્ટન્ટ ઈજનેર નરેશ ગલચર, મોનિક ગઢીયા, જેનીશ પટેલ અને ઋષિકેશ પટેલનો સમાવેશ થાય છે. 'પાલિકાના કર્મચારીઓએ પીડિત પરિવારોને અપશબ્દો કહી ગેરવર્તન કર્યું'
આ અધિકારીઓ ઉપરાંત તેમની સાથે સ્થળ પર તૈનાત તમામ ટેકનિકલ આસિસ્ટન્ટો અને સુપરવાઈઝરો પણ આ અમાનવીય કૃત્યમાં ભાગીદાર હોવાનું જણાવાયું છે. પત્રમાં આક્ષેપ છે કે આ કર્મચારીઓએ પોલીસની હાજરીનો ફાયદો ઉઠાવી પીડિત પરિવારો સાથે જાહેરમાં અપશબ્દો બોલી ગેરવર્તન કર્યું હતું. હાલમાં આ ભ્રષ્ટ અધિકારીઓ પોતાની ચામડી બચાવવા માટે મીડિયા અને જનપ્રતિનિધિઓ સમક્ષ માત્ર "રોડ માપણી" થઈ રહી હોવાનું જૂઠું રટણ કરીને તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પૂર્વ કોર્પોરેટર સાયકલવાલાએ કમિશનર સમક્ષ નક્કર પુરાવા તરીકે ઘટના સમયના સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયાના વિડીયો રજૂ કર્યા છે, જેમાં આ અધિકારીઓ માત્ર માપણી નહીં પણ પ્રત્યક્ષ ડિમોલિશન કરાવતા સ્પષ્ટ દેખાય છે. ‘હિટલરશાહી વર્તન કરનારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરો’
અસલમ સાયકલવાલાએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે, ગરીબો સાથે હિટલરશાહી વર્તન કરનારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. આ સાથે જ, આ સમગ્ર પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે ત્રણ ઉચ્ચ કક્ષાના સક્ષમ અધિકારીઓની SITની રચના કરી તટસ્થ તપાસ કરાવવામાં આવે અને કસૂરવારોને સેવામાંથી કાયમી ધોરણે ડિસમિસ કરી ગરીબ પરિવારોને ન્યાય આપવામાં આવે. નાસીરનગર સ્લમ નોટીફાઇડ એરિયા
સુરતમાં કુલ 406 નોટિફાઇડ સ્લમ (સૂચિત ઝૂંપડપટ્ટીઓ) છે. હવે આ નોટિફાઇડ સ્લમમાં પણ બે પ્રકાર હોય છે; એક ખાનગી જગ્યા ઉપર બનેલી ઝૂંપડપટ્ટી, તો તેને ખાનગી નોટિફાઇડ સ્લમ કહેવાય અને બીજી સરકારી જમીન ઉપર બનેલી નોટિફાઇડ સ્લમ. આ જે જગ્યા છે, તે હાલના વેરા બિલ જોતાં એવું લાગે છે કે સરકારી છે. પરંતુ સરકારી જગ્યા ઉપર ઝૂંપડપટ્ટી હોય, તો પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તેને સીધી રીતે ખાલી કરાવી શકે નહીં. તેના માટે 1973નો એક કાયદો છે, જેને 'અનઓથોરાઇઝ્ડ ઓક્યુપન્ટ્સ એક્ટ, 1973' (An Unauthorized Occupants Act, 1973) કહેવાય છે. આ કાયદા અનુસાર, જો સરકારી જમીન પર કોઈનું ગેરકાયદેસર દબાણ હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશન તેને ખાલી કરાવવા માંગતું હોય, તો તેમણે ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખવો પડે છે. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર કાયદાકીય પ્રક્રિયા શરૂ કરે છે અને તમામ પક્ષોને સાંભળે છે, કારણ કે જમીનની ખરી માલિકીની ખબર રેવન્યુ રેકોર્ડ (મહેસૂલી દસ્તાવેજો) પરથી જ પડે છે.
Read Original Article →