'રોહન' બનીને રહીમે મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી:ઓફિસમાં જ માંગમાં સિંદૂર ભર્યું, અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા, અંતે અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા
સુરતમાં રહીમ શેખ નામના વકીલે પોતાની ઓળખ છુપાવીને એક મહિલા વકીલ સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. રહીમ શેખ નામના વકીલે પોતાની ઓળખ રોહન તરીકે આપી એક મહિલા વકીલને પ્રેમ સંબંધ બાંધ્યા હતા. આરોપી રહીમ શેખે મહિલા વકીલની માંગમાં સિંદૂર પણ પૂર્યું હતું અને અવારનવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. જ્યારે મહિલા વકીલે લગ્ન માટે વાત કરી ત્યારે રહીમનો ભાંડો ફૂટી ગયો હતો. તેને અન્ય એક યુવતી સાથે નિકાહ કરી લીધાનું બહાર આવ્યું છે. મહિલા વકીલ દ્વારા રહીમ શેખ સામે દુષ્કર્મ, છેતરપિંડી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રોહન બનીને જાળ બિછાવી, ઓફિસમાં પણ ખોટી ઓળખ આપી
મળતી માહિતી મુજબ, આરોપી વકીલ રહીમ રઝાક ઉર્ફે રહીમ શેખે મહિલા વકીલ સાથે પરિચય કેળવ્યો હતો. રહીમે પોતાની ઓળખ 'રોહન' તરીકે આપી હતી. આ સાથે હિન્દુ ધર્મને બહુ પ્રેમ કરતો હોવાનું પણ જણાવતો હતો. એટલું જ નહીં, તે પોતાની ઓફિસમાં પણ સહકર્મીઓ અને અન્ય લોકો સામે પોતાની ઓળખ રોહન તરીકે જ આપતો હતો. જેથી પીડિતા તેની વાતોમાં આવી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. વિશ્વાસ જીતવા સત્યનારાયણની પૂજા કરી, ઓફિસમાં માંગમાં સિંદૂર ભર્યું
આરોપી રહીમ શેખ પીડિતાનો વિશ્વાસ જીતવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હતો. તે મહિલા વકીલ સાથે ગણપતિ પૂજા અને સત્યનારાયણ ભગવાનની પૂજામાં પણ બેસતો હતો, જેથી પીડિતાને તે હિન્દુ પ્રત્યેના પ્રેમ અંગે ભરોસો થઈ જાય. પ્રેમ સંબંધ આગળ વધતા આરોપી રહીમે પીડિતાની ઓફિસમાં જ તેની માંગમાં સિંદૂર ભર્યું હતું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું. રહીમે પીડિતાને વાયદો કર્યો હતો કે, આપણે બાદમાં ધામધૂમથી લગ્ન કરી લઈશું. આ વિશ્વાસ આપી તેણે પીડિતા સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. ભાંડો ફૂટતા જ્ઞાતિસૂચક અપશબ્દો બોલી માર માર્યો
લાંબો સમય સુધી શારીરિક શોષણ કર્યા બાદ જ્યારે પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે રહીમે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન પીડિતાને ખબર પડી કે રહીમ શેખે અન્ય યુવતી સાથે નિકાહ પણ કરી લીધા છે. પીડિતાએ જ્યારે આ અંગે વિરોધ કર્યો ત્યારે આરોપી રહીમે પોતાની અસલિયત બતાવી દીધી હતી. તેણે પીડિતાને અવારનવાર ઢોર માર માર્યો હતો અને તેની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણીઓ કરી, ગાળો ભાંડીને જાતિ વિષયક અપમાનિત કરી હતી. ACP કક્ષાના અધિકારી દ્વારા તપાસ શરૂ
અંતે આ મામલે પીડિતાએ હિંમત ભેગી કરીને ચોક બજાર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પીડિતાની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે આરોપી રહીમ રઝાક મુસલમાન (શેખ) વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડી અને એટ્રોસિટી એક્ટ (SC-ST Act) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની ગંભીરતાને જોતા સમગ્ર મામલાની તપાસ SC-ST સેલના ACP મુકેશ ઉપાધ્યાય ચલાવી રહ્યા છે.
Read Original Article →