સુરત મનપાના નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર સામે ACBની મોટી કાર્યવાહી:આવક કરતા 70% વધુ અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ

Gujarat6/6/2026, 10:55:27 AM
સુરત મનપાના નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર સામે ACBની મોટી કાર્યવાહી:આવક કરતા 70% વધુ અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ
ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. સુરત મહાનગરપાલિકાના એક નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર સામે એસીબીએ મોટી કાર્યવાહી કરીને અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) નો ગુનો દાખલ કર્યો છે. વર્ગ-3ના આ નિવૃત્ત અધિકારીએ પોતાની નોકરી દરમિયાન કાયદેસરની આવક કરતાં 70.13% જેટલી વધુ પ્રોપર્ટી વસાવી હોવાનું એસીબીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 9 વર્ષના સર્વિસ ગાળાની તપાસમાં ભ્રષ્ટાચાર ખૂલ્યો મળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર (વર્ગ-3) તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ નિવૃત્ત રસિકભાઈ મગનભાઈ પટેલ વિરૂદ્ધ આ ગુનો દાખલ થયો છે. રસિક પટેલે પોતાની ફરજ દરમિયાન તારીખ 01-01-2011થી લઈને 31-03-2020 સુધીના આશરે 9 વર્ષના સમયગાળામાં અલગ-અલગ રીતરસમો અપનાવીને ગેરકાયદેસર આર્થિક કમાણી કરી હતી. એસીબીના સર્ચ અને વિસ્તૃત આંકડાકીય મોનિટરિંગ દરમિયાન સામે આવ્યું કે, આ ચેકિંગના સમયગાળામાં તેમની કાયદેસરની કુલ સત્તાવાર આવકની સરખામણીમાં ₹68,98,490 રૂપિયાની મિલકત વધુ વસાવેલી માલૂમ પડી હતી. આ અપ્રમાણસર મિલકત તેમની કુલ કાયદેસરની આવક કરતા 70.13% જેટલી વધુ થવા જાય છે. ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો દાખલ રાજ્યસેવક (Public Servant) તરીકે ગુનાહિત ગેરવર્તણૂક કરીને વ્યક્તિગત આર્થિક ફાયદા મેળવનાર રસિક પટેલ વિરૂદ્ધ એસીબીએ કાયદાનો સિંકજો કસ્યો છે. સરકાર તરફથી સુરત શહેર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધડુકે આ મામલે સત્તાવાર ફરિયાદ આપી છે. એસીબીની કડક કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ સુરત મહાનગરપાલિકાના કમાણીવાળા ગણાતા ટેકનિકલ વિભાગમાં લાંબો સમય સુધી ફરજ બજાવી ચૂકેલા એન્જિનિયર સામે એસીબીએ ગાળિયો કસતા અન્ય ભ્રષ્ટ કર્મચારીઓમાં પણ ફફડાટ મચી ગયો છે. એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આરોપીની અસ્કયામતો, બેંક લોકર, બેંક ખાતાઓ તેમજ તેમના પરિવારના નામે ખરીદાયેલી અન્ય બેનામી મિલકતોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, જેમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.
Read Original Article →