મહાનગરપાલિકાની ઘોર બેદરકારી:અઢી વર્ષ પહેલા નિવૃત્ત મહિલા કર્મચારીને પરીક્ષાનો કોલ લેટર મળ્યો, કાર્યવાહી કરવા મનપા કમિશનરને રજૂઆત

Gujarat4/9/2026, 3:31:27 PM
મહાનગરપાલિકાની ઘોર બેદરકારી:અઢી વર્ષ પહેલા નિવૃત્ત મહિલા કર્મચારીને પરીક્ષાનો કોલ લેટર મળ્યો, કાર્યવાહી કરવા મનપા કમિશનરને રજૂઆત
સ્માર્ટ સિટી અને કાર્યક્ષમ વહીવટના દાવાઓ કરતી સુરત મહાનગરપાલિકા હાલમાં ગંભીર વહીવટી છબરડાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની. 2,200 જેટલા પદો માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં તંત્રએ એક એવી ભૂલ કરી છે જેણે પાલિકાના ડિજિટલ ડેટા મેનેજમેન્ટ સામે મોટા સવાલો ઊભા કર્યા છે. અઢી વર્ષ પહેલાં સન્માનપૂર્વક નિવૃત્ત થઈ ચૂકેલા એક મહિલા કર્મચારીને જ્યારે મેનેજરની પોસ્ટ માટેની પરીક્ષાનો કોલ લેટર મળ્યો, ત્યારે માત્ર તે મહિલા જ નહીં પરંતુ સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન અચંબામાં પડી ગયું હતું. 2200 જગ્યાની ભરતી બહાર પડી હતી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે માસથી વહીવટી માળખાને મજબૂત કરવા અને ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બઢતી, બદલી અને નવી ભરતીની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ કવાયત અંતર્ગત વિવિધ કેડરની અંદાજે 2200 જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં મેનેજર જેવી ઉચ્ચ કક્ષાની પોસ્ટનો પણ સમાવેશ થાય છે. પૂર્વ મહિલા કર્મચારીને પરીક્ષાનો કોલલેટર મળ્યો આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે લાયક ઉમેદવારોને પરીક્ષાના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. મનપામાં પ્રથમ શ્રેણીના ક્લાર્ક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને અંદાજે 30 મહિના એટલે કે અઢી વર્ષ પૂર્વે નિવૃત્ત થઈ ગયેલા એક મહિલા કર્મચારીના ઘરે ટપાલ દ્વારા પરીક્ષાનો કોલ લેટર પહોંચ્યો હતો. આ પત્રમાં તેમને મેનેજરની પોસ્ટ માટેની લેખિત પરીક્ષામાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ સ્ટાફ યુનિયનના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં આજે જ્યારે 30,000માંથી 8,000 જગ્યાઓ ખાલી છે, એ ખાલી જગ્યાઓ ભરવા માટે અમારા યુનિયન તરફથી ઘણા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને એના અનુસંધાનમાં અત્યારે 2,200 જેટલી જગ્યાઓ ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેને અમે આવકારીએ છીએ. નોકરીની ફરજ દરમિયાન ફોર્મ ભર્યું હતું પરંતુ આ કાર્યવાહી દરમિયાન એક આશ્ચર્યજનક કિસ્સો અમારા ધ્યાન પર આવ્યો છે. એ કિસ્સામાં એક મહિલા કર્મચારી કે જેઓ દિવ્યાંગ છે અને અઠવા ઝોન ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને 31-10-2023ના રોજ પોતાની ફરજમાંથી નિવૃત્ત થયા. એમની ચાલુ નોકરી દરમિયાન જ્યારે મેનેજરની જગ્યાની જાહેરાત પડી ત્યારે એમણે એ માટેનું ફોર્મ પણ ભર્યું અને આ મેનેજરની જે પરીક્ષા છે એ આગામી રવિવારે 14મી તારીખે લેવાનાર છે. મ્યુનિસિપિલ કમિશનરને રજૂઆત કરી તેનો કોલ લેટર આ મહિલા કર્મચારીને મળ્યો ત્યારે એમને પણ ખૂબ આશ્ચર્ય થયું. એમના પરિવારને પણ ખૂબ આશ્ચર્ય થયું. જ્યારે નિવૃત્ત થઈ ગયા કર્મચારી, એમની 58 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો પછી આ કોલ લેટર કેવી રીતે નીકળી શકે? એ બાબતે કોઈપણ અધિકારીનું ધ્યાન જ ન ગયું. તો આ પ્રકારે જે કંઈ બેદરકારી થઈ છે, એ બેદરકારીની સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે માટે અમારા યુનિયન તરફથી રજૂઆત કરવામાં આવી છે.
Read Original Article →