સુરત મનપા BJPના ઉમેદવારોનું લિસ્ટ જુઓ, કોણ કપાયા કોણ રિપિટ!:પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું પત્તું કપાયું, અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યાને વોર્ડ નં. 3માંથી ટિકિટ
સુરત મનપાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખરે 107 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં અનેક દિગ્ગજ અને નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં ખાસ કરીને પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલને વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપીને ભાજપે મોટું રાજકીય સમીકરણ સાધ્યું છે. આ ઉપરાંત, શહેરના પૂર્વ મેયર દક્ષેશ માવાણી પર ફરી એકવાર વિશ્વાસ મૂકી તેમને પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના આ લિસ્ટમાં જૂના જોગીઓ અને યુવા લોહીનું મિશ્રણ જોવા મળી રહ્યું છે, જેના કારણે સુરતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વોર્ડ નંબર 4, 23, અને 24ના ઉમેદવારોની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જાહેર કરાયેલી યાદીમાં માત્ર 36 જેટલા જૂના ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની બેઠકો પર નવા અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપી 'એન્ટી-ઈન્કમ્બન્સી' ખાળવાનો પ્રયાસ કરાયો છે. જોકે, વોર્ડ નંબર 9 (રાંદેર-જહાંગીરાબાદ-પાલનપુર) માં હજુ પણ એક બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી રાખતા સ્થાનિક રાજકારણમાં કુતૂહલ સર્જાયું છે. પક્ષપલટુઓ અને પૂર્વ મેયરની ટિકિટ કપાઈ
આપમાંથી આવેલા 12 પૂર્વ કોર્પોરેટરોને ભાજપે ડાબેરી દેખાડ્યા. વર્ષ 2021ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નિશાન પરથી જીત્યા બાદ કેસરીયો ધારણ કરનારા 12 પૂર્વ કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટીએ આંચકો આપ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી 120 ઉમેદવારોની પ્રથમ યાદીમાં આ પક્ષપલટુ પૂર્વ કોર્પોરેટરો પૈકી એક પણ નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પક્ષે જૂના અને વફાદાર કાર્યકરો પર પસંદગી ઉતારીને પક્ષ પલટો કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હોય તેમ જણાય છે. પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું પત્તું કપાયું, રાજકારણમાં ગરમાવો
ભાજપની આ પ્રથમ યાદીમાં સૌથી મોટું આશ્ચર્ય પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાની ટિકિટ કપાતા જોવા મળ્યું છે. શહેરના પ્રથમ નાગરિક રહી ચૂકેલા બોઘાવાલાને આ વખતે પડતા મૂકવામાં આવ્યા છે. ઈતિહાસમાં પ્રથમવાર પૂર્વ મેયરને ફરી મળી ટિકિટ: દક્ષેશ માવાણી પર પક્ષનો ભરોસો
સુરત મહાનગરપાલિકાના રાજકીય ઈતિહાસમાં એક અભૂતપૂર્વ નિર્ણય લેતા પક્ષે પૂર્વ મેયર દક્ષેશ માવાણીને ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સામાન્ય રીતે મેયર પદ ભોગવ્યા બાદ નેતાઓને સંગઠનમાં અથવા અન્ય જવાબદારી સોંપવામાં આવતી હોય છે, પરંતુ દક્ષેશ માવાણીને ફરીથી ઉમેદવાર બનાવી ભાજપે સુરતના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ મેયરને રિપીટ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમના શાસનકાળ દરમિયાનના કાર્યો અને પક્ષમાં તેમની મજબૂત પકડને આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. વિવાદિત ચહેરો બનેલા પૂર્વ કોર્પોરેટર વિક્રમ પાટીલના પુત્રવધૂ સુષ્મા પાટીલને ટિકિટ
આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નેન્સી શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મનીષાબેન આહીર, દિનેશ રાજપુરોહિત, બ્રિજેશ ઉનડકટ, હિમાંશુ રાહુલજી, અમિત રાજપુત, નરેન્દ્ર પાટીલ, ભાઈદાસ પાટીલ અને સુધા પાંડે સહિતના અગ્રણીઓને પાર્ટીએ રિપીટ કર્યા છે. બીજી તરફ, એસ.આઈ.આર. (SIR) ની કામગીરીમાં વિવાદિત ચહેરો બનેલા પૂર્વ કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલના પુત્રવધૂ સુષ્મા પાટીલને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. શશી ત્રિપાઠી અને દિનેશ જોધાની સહિતના દિગ્ગજો પત્તા નેતાઓના કપાયા
આ વખતે ભાજપે ટિકિટ ફાળવણીમાં અત્યંત કડક વલણ અપનાવતા અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કાપી નાખ્યા છે. શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાની, દીપેન દેસાઈ, નરેન્દ્ર પાંડવ અને ધર્મેન્દ્ર વાડીયાવાલા જેવા પ્રભાવશાળી નેતાઓને આ વખતે ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા છે. પક્ષના આ આકરા નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વર્ષોથી સુરતના રાજકારણમાં સક્રિય રહેલા આ નેતાઓની બાદબાકી નવી પેઢીના નેતાઓ માટે માર્ગ મોકળો કરશે કે પક્ષમાં આંતરિક ખેંચતાણ વધારશે, તે હવે જોવાનું રહેશે.
ધારાસભ્ય મુકેશ પટેલનના PAને ટિકિટ
ધારાસભ્યોના અંગત સચિવોને ટિકિટ અપાવવાની રાજકીય રેસમાં આ વખતે મિશ્ર ચિત્ર જોવા મળ્યું છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના પીએ વિજય ભાટીયા પક્ષનો વિશ્વાસ સંપાદન કરી ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે. બીજી તરફ, સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ તેમના બે પીએ માટે ભારે જોર લગાવ્યું હોવા છતાં સંગઠને તેમના નામ પર કાતર ફેરવી દીધી છે. આ જ રીતે, કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાના પીએ ચિમન પટેલને પણ આ વખતે ટિકિટથી વંચિત રહેવું પડ્યું છે. કતારગામ સ્કૂલ વિવાદ અને જ્ઞાતિના સમીકરણો નડ્યા
કતારગામ વિસ્તારના વોર્ડ નંબર 7 અને 8 માં તાજેતરમાં થયેલા સ્કૂલ વિવાદે પક્ષની છબીને નુકસાન પહોંચાડ્યું હતું, જેની સીધી અસર ટિકિટ ફાળવણી પર જોવા મળી છે. ધારાસભ્ય વિનુ મોરડિયાના પીએ અને પ્રજાપતિ સમાજના અગ્રણી પૂર્વ કોર્પોરેટર ચિમન પટેલની ટિકિટ કપાઈ છે. આ સાથે જ નરેન્દ્ર પાંડવની ટિકિટ કાપીને પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે વિવાદિત બાબતો કે નબળી કામગીરીને સાંખી લેવામાં આવશે નહીં. 8 ઉમેદવારોના નામ હોલ્ડ પર
ઉધના વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય મનુ ફોગવા અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ વચ્ચે પોતાના સમર્થકોને ગોઠવવા મુદ્દે ભારે ખેંચતાણ સર્જાઈ છે. ઉધના ઉત્તર અને દક્ષિણ બંને વોર્ડમાં ઉમેદવારો નક્કી કરવામાં પેચ ફસાયો હોવાથી પક્ષે વચલો રસ્તો અપનાવ્યો છે. હાલ પૂરતા આ 8 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. શક્યતા છે કે મોડી રાત્રે અથવા શનિવારે સવારે સીધા જ મેન્ડેટ મોકલીને આ મડાગાંઠ ઉકેલવામાં આવશે. પશ્ચિમમાં પૂર્ણેશ મોદીનો દબદબો, વરાછામાં કાનાણી
પશ્ચિમ વિધાનસભામાં સાંસદ મુકેશ દલાલ અને ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદી વચ્ચેની ટક્કરમાં અંતે મોદીનું પલડું ભારે રહ્યું છે અને તેઓ પોતાના સમર્થકોને ટિકિટ અપાવવામાં સફળ રહ્યા છે. જ્યારે વરાછા બેઠક પર ધારાસભ્ય કુમાર કાનાણીનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો. પાસ (PAAS) ના અગ્રણી ધાર્મિક માલવીયાની ટિકિટ સામે કાનાણીએ મક્કમ વિરોધ નોંધાવતા અંતે માલવીયાનું નામ યાદીમાંથી બાકાત કરી દેવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
Read Original Article →