જનતાના ટેક્સના પૈસા પાણીમાં:સુરત પાલિકાના વિભાગો વચ્ચે સંકલનનો ઘોર અભાવ, રોડ રી-કાર્પેટ થયાના 45 દિવસે તંત્રને ડ્રેનેજ લાઇન યાદ આવતા રોડ તોડ્યો
સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના દાવાઓ કરે છે, પરંતુ વહીવટી તંત્રના આંતરિક વિભાગો વચ્ચે પરસ્પર સંકલનનો કેવો ગંભીર અભાવ છે તેનો જીવતોજાગતો કિસ્સો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. પાલિકાના જુદા જુદા વિભાગો વચ્ચે યોગ્ય તાલમેલ ન હોવાને કારણે જનતાએ વસૂલાત સ્વરૂપે ચૂકવેલા પરસેવાના પૈસાનો બેફામ ધુમાડો થઈ રહ્યો છે. વિકાસ કાર્યોના નામે થતો આ આયોજન વગરનો ખર્ચ હવે જનતા માટે આક્રોશનો વિષય બન્યો છે. તાજેતરમાં જ રાંદેર ઝોન વિસ્તારમાંથી સરકારી નાણાંના બગાડનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે પાલિકાની કાર્યપદ્ધતિ સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. 45 દિવસ પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે નવોનક્કોર રોડ બનાવવામાં આવ્યો હતો
મળતી વિગતો અનુસાર, સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન અંતર્ગત આવતા પાલ વિસ્તારમાં પાલ વોકવેની સામે એક જાણીતી રહેણાંક સોસાયટી 'સ્તુતિ રેસિડેન્સી' આવેલી છે. આ સ્તુતિ રેસિડેન્સીની ગલીમાં પાલિકા તંત્ર દ્વારા આશરે 45 દિવસ પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે નવોનક્કોર રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડનું રી-કાર્પેટિંગનું કામ ખૂબ જ ઝડપી પૂરું કરવામાં આવ્યું હતું, જેથી ત્યાંના રહીશોને અવરજવરમાં સુવિધા રહે. આ રોડના નિર્માણ પાછળ અંદાજે રૂપિયા 5 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. લાખોના ખર્ચે બનેલા રોડને આડેધડ ખોદવાનું શરૂ કરી દીધું
પરંતુ નવાઈની વાત એ છે કે, સ્થાનિક લોકો આ નવા બનેલા રોડનો સરખી રીતે ઉપયોગ કરે તે પહેલાં જ, એટલે કે રોડ બન્યાના માત્ર 45 જ દિવસમાં પાલિકા તંત્રને અચાનક યાદ આવ્યું કે, આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી તો હજુ બાકી રહી ગઈ છે! રોડ બની ગયા પછી ડ્રેનેજનું કામ યાદ આવતાં જ વહીવટી તંત્રએ જરાય સમય ગુમાવ્યા વિના ત્યાં બુલડોઝર અને જેસીબી જેવાં મશીનો ખડકી દીધાં અને લાખોના ખર્ચે બનેલા રોડને આડેધડ ખોદવાનું શરૂ કરી દીધું. ડ્રેનેજ લાઇનના કામ માટે આખા રોડના ચીરેચીરા કરી નાખવામાં આવતા જ સ્થાનિક રહીશો સ્તબ્ધ થઈ ગયા હતા. તંત્રને રોડ બન્યા પછી યાદ આવ્યું કે ડ્રેનેજ કામ બાકી છે
આ સમગ્ર ઘટના વહીવટી તંત્રની અણઆવડત અને આયોજન વગરની નીતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. નિયમ પ્રમાણે, કોઈપણ વિસ્તારમાં જ્યારે પાકો રોડ કે સીસી રોડ બનાવવાનો હોય, તે પહેલાં પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ લાઇન અથવા ગેસ લાઇન જેવી તમામ ભૂગર્ભ સુવિધાઓનું કામ પૂર્ણ કરી લેવાનું હોય છે. આ એક સામાન્ય વહીવટી પ્રક્રિયા છે. પરંતુ પાલ વિસ્તારની સ્તુતિ રેસિડેન્સીના કિસ્સામાં પાલિકાના જવાબદાર અધિકારીઓએ આ પ્રાથમિક નિયમને જ નેવે મૂકી દીધો હોય તેમ જણાય છે. પહેલાં 5 લાખ રૂપિયા વાપરીને આખો રોડ ચકાચક રી-કાર્પેટ કરી દેવાયો અને ત્યારબાદ એ જ રોડને તોડવા માટે મશીનરી ઉતારી દેવાઈ. અધિકારીઓની આ પ્રકારની ઘોર બેદરકારી અને આળસુ નીતિને કારણે રોડ ખોદાતાં જ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે જ્યારે રોડ બનાવવાનો હતો, ત્યારે જે-તે વિભાગના ઇજનેરો અને અધિકારીઓએ ડ્રેનેજ લાઇનના બાકી કામ અંગે તપાસ કેમ ન કરી? લોકોની ટેક્સની કમાણીનો સદંતર વેડફાટ
એક તરફ સુરત મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી હોવાના મોટા-મોટા દાવાઓ કરે છે, જ્યારે બીજી તરફ વાસ્તવિકતા એ છે કે પાલિકાનો એક વિભાગ જે કામગીરી કરે છે, તેને બીજો વિભાગ થોડા જ દિવસોમાં તોડી પાડે છે. આ પ્રકારની આંધળી કાર્યપદ્ધતિ માત્ર સામાન્ય વહીવટી અવ્યવસ્થા જ નથી દર્શાવતી, પરંતુ પ્રજાના ટેક્સના પૈસા પ્રત્યેની ગંભીર અને ગુનાહિત બેદરકારી પણ છતી કરે છે. સરકારી તિજોરીમાં જમા થતા પૈસા લોકો પોતાની મહેનતની કમાણીમાંથી ટેક્સ રૂપે આપે છે, જેનો આ પ્રકારે વેડફાટ સદંતર અસ્વીકાર્ય છે.
Read Original Article →