સુરતને 28મેએ મળશે નવા મેયર:પ્રથમ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની પણ વરણી કરાશે

Gujarat5/19/2026, 4:48:12 PM
સુરતને 28મેએ મળશે નવા મેયર:પ્રથમ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની પણ વરણી કરાશે
સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, મનપાના પદાધિકારીઓની વરણી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. ગત 28 એપ્રિલના રોજ મનપાની 120 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે અન્ય કોઈ પણ મહત્વની કમિટીઓની રચના કરવામાં આવી નથી. આ લાંબા વિલંબને કારણે શહેરના રાજકીય વર્તુળો અને વહીવટી તંત્રમાં ભારે ઉત્સુકતા અને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આગામી 28 મેના રોજ યોજાનારી સંભવિત પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં સુરતના નવા મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત સંભવ છે. ભાજપે 115 બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો 28 એપ્રિલે પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ 120માંથી 115 બેઠક પર ઐતિહાસિક અને પ્રચંડ વિજય મેળવ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીને 4 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. સામાન્ય રીતે વિરોધ પક્ષ નબળો હોય અને શાસક પક્ષ પાસે આટલી મોટી બહુમતી હોય ત્યારે સરકાર કે બોર્ડની રચના ઝડપથી થતી હોય છે. પરંતુ સુરત મનપાના કિસ્સામાં આ પ્રચંડ બહુમતી જ વિલંબનું મુખ્ય કારણ બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 115 કોર્પોરેટર જીતીને આવ્યા હોવાથી પક્ષમાં સિનિયર અને પ્રભાવશાળી દાવેદારોની સંખ્યા ખૂબ મોટી છે. પક્ષના મોવડીમંડળ સમક્ષ અત્યારે જ્ઞાતિગત સમીકરણો, ભૌગોલિક ઝોન (જેમ કે વરાછા, કતારગામ, રાંદેર, અઠવા કે ઉધના-લિંબાયત વિસ્તારો) અને શૈક્ષણિક લાયકાતની સાથે સિનિયોરિટીનું સંતુલન જાળવવાનો મોટો પડકાર છે. લોકસભાની ચૂંટણીઓ બાદ પક્ષ કોઈ પણ વિસ્તાર કે જ્ઞાતિમાં નારાજગી વહોરવા માંગતો નથી, જેથી દરેક નામ પર ખૂબ જ ઝીણવટપૂર્વક મંથન ચાલી રહ્યું છે. હોદ્દેદારો માટે મે મહિનાની શરૂઆતમાં સેન્સ લેવાઈ હતી મેયર, ડેપ્યુટી મેયર અને ખાસ કરીને આર્થિક બાબતોની ધુરા સંભાળતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પક્ષ દ્વારા મે મહિનાની શરૂઆતમાં જ 'સેન્સ' લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી. પ્રદેશ નિરીક્ષકોએ સુરત આવીને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા કોર્પોરેટરોનો અભિપ્રાય લીધો હતો. આ પ્રક્રિયા દરમિયાન પક્ષના મોવડીમંડળે સંકેત આપ્યા છે કે આ વખતે પણ 'નો-રિપીટ ફોર્મ્યુલા' મહદઅંશે લાગુ રહી શકે છે, જેનો અર્થ એ થાય કે ભૂતકાળમાં મનપામાં મોટા હોદ્દા ભોગવી ચૂકેલા સિનિયરોને બદલે સંગઠનનિષ્ઠ અને બિલકુલ નવા, ભણેલા-ગણેલા ચહેરાઓને મોખરે લાવવામાં આવી શકે છે. આ આખી યાદી તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ ગાંધીનગર કમલમ ખાતે મોકલી આપવામાં આવી છે, જ્યાંથી આખરી મંજૂરીની રાહ જોવાઈ રહી છે. 28 મેના રોજ આ પ્રથમ જનરલ બોર્ડની બેઠક ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટની જોગવાઈઓ મુજબ, સામાન્ય ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જનરલ બોર્ડ (સામાન્ય સભા)ની પ્રથમ બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકની અધ્યક્ષતા નિયમ મુજબ મ્યુનિસિપલ કમિશનર પોતે કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્ર દ્વારા આગામી 28 મેના રોજ આ પ્રથમ જનરલ બોર્ડની બેઠક બોલાવવાની આંતરિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા જ નવા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવાનો હોય છે. પક્ષના નિયમ મુજબ, બેઠક શરૂ થવાના થોડા કલાકો પહેલા ગાંધીનગરથી 'મેન્ડેટ' બંધ કવરમાં સુરત સંગઠનના પ્રમુખ પાસે આવશે, જે બોર્ડ મિટિંગ દરમિયાન જાહેર કરવામાં આવશે. 10થી વધુ સમિતિઓની રચના પણ આ બોર્ડ બાદ જ ક્રમશઃ થશે મનપામાં માત્ર મેયર પદ જ નહીં, પરંતુ સ્ટેન્ડિંગ કમિટી (સ્થાયી સમિતિ)ના ચેરમેન અને તેના 12 સભ્યોની વરણી પણ એટલી જ મહત્વની હોય છે. સુરત જેવા કરોડો રૂપિયાનું બજેટ ધરાવતા મહાનગરના વિકાસ કાર્યો, ડ્રેનેજ, રોડ-રસ્તા, બ્રિજ પ્રોજેક્ટ્સ અને પાણી પુરવઠાના ટેન્ડરો મંજૂર કરવાની આખરી સત્તા સ્ટેન્ડિંગ કમિટી પાસે હોય છે. આ ઉપરાંત હેલ્થ કમિટી, ટાઉન પ્લાનિંગ કમિટી, લો કમિટી અને પબ્લિક વર્ક્સ કમિટી જેવી અન્ય 10થી વધુ સમિતિઓની રચના પણ આ બોર્ડ બાદ જ ક્રમશઃ કરવામાં આવશે. જ્યાં સુધી આ કમિટીઓ કાર્યરત ન થાય ત્યાં સુધી મનપાના વહીવટી નિર્ણયો અને કરોડોના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અટકેલા રહે છે, જેની સીધી અસર શહેરના વિકાસ પર પડે છે. સુરતની સાથે રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ આ જ પ્રકારે હોદ્દેદારોની નિમણૂક બાકી હોવાથી, હાઈકમાન્ડ તમામ શહેરોની યાદી એકસાથે જાહેર કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. સુરત મનપાની વહીવટી મુદત માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ વહીવટદાર શાસન હેઠળ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. હવે જ્યારે જનતાએ સ્પષ્ટ અને મોટો જનાદેશ આપ્યો છે, ત્યારે વહેલી તકે લોકશાહી બોર્ડ કાર્યરત થાય તે શહેરના હિતમાં છે.
Read Original Article →