મિત્રએ જ મિત્રને લાકડાના ફટકા મારી પતાવી દીધો:મોબાઈલની બોલાચાલીમાં લાકડાના ફટકાથી કરપીણ હત્યા, આરોપીની કરતૂતનો વીડિયો જ પુરાવો બન્યો

Gujarat5/21/2026, 3:21:35 PM
મિત્રએ જ મિત્રને લાકડાના ફટકા મારી પતાવી દીધો:મોબાઈલની બોલાચાલીમાં લાકડાના ફટકાથી કરપીણ હત્યા, આરોપીની કરતૂતનો વીડિયો જ પુરાવો બન્યો
સુરતના અમરોલી વિસ્તારમાં થયેલી હીરાલાલ ગરાસીયાની હત્યાના બનાવમાં એક વીડિયો સૌથી મહત્વનો પુરાવો બનીને સામે આવ્યો છે. સામાન્ય રીતે ગુનેગારો ગુનો છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ આ કેસમાં આરોપીએ પોતે જ બનાવેલો વીડિયો મૃતકના પરિવાર સુધી પહોંચી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી પરિવારના હાથમાં આવતા જ સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો હતો અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પરિવારમાં ચકચાર અને પોલીસ ફરિયાદ મૃતકના પરિવારજનોને શરૂઆતમાં હીરાલાલના મોત અંગે કોઈ ચોક્કસ માહિતી મળી રહી નહોતી અને ભારે અસમંજસની સ્થિતિ હતી. આ દરમિયાન ફરિયાદીના મોટા ભાઈના દીકરાએ પરિવારને એક વીડિયો બતાવ્યો, જેમાં હીરાલાલનો ફોટો હતો અને આરોપી રમેશ ઉર્ફે પાયલટ પારસીંગ ગરાસીયા પોતે બોલી રહ્યો હતો કે, “હીરાલાલ મારો ભાઈ છે અને મેં તેને માર માર્યો છે.’’ આ કબૂલાત સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારે આ વીડિયો અને ફોટોના આધારે તાત્કાલિક અમરોલી પોલીસનો સંપર્ક કર્યો, જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોબાઈલની બોલાચાલીમાં લાકડાના ફટકાથી હત્યા મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના જીરાકોટ ગામના રહેવાસી અને હાલ અમરોલી ઓવરબ્રિજ નીચે ભગુનગર-2 સોસાયટી સામે રહેતા 35 વર્ષીય હીરાલાલ ચંપા ગરાસીયા પર ગત 15 મેના રોજ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હીરાલાલને માથા, પગ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ આખા ઘટનાક્રમની પાછળ માત્ર એક મોબાઈલ ફોનની સામાન્ય બોલાચાલી જવાબદાર હતી, જે આટલી હિંસક સાબિત થઈ અને હીરાલાલનું મોત નીપજ્યું હતું. એસીપી મિલન મોદીનો ખુલાસો આ સમગ્ર મામલે એસીપી મિલન મોદીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 16 મે 2026 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં એક એ.ડી. (અકસ્માત મોત) દાખલ કરવામાં આવી હતી. 15 તારીખની બપોરે અમરોલી બ્રિજ નીચેથી હીરાલાલની ડેડ બોડી મળી આવી હતી. પોલીસને આ મામલો શંકાસ્પદ જણાતા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટમાં ડોક્ટરે સ્પષ્ટ કર્યું કે મરણ જનારના માથાના ભાગે ગંભીર ઇન્જરી (ઇજા) થઈ છે, જેના કારણે તેનું મોત થયું છે. ટેકનિકલ એનાલિસિસથી આરોપી જેલભેગો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાની આશંકા દ્રઢ થતાં અમરોલી પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદ લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. શંકાના આધારે પોલીસે રમેશ ઉર્ફે પાઇલટ પાર્સિંગ ગરાસીયાની અટકાયત કરી હતી. પોલીસની કડક શબ્દોમાં પૂછપરછ સામે આરોપી વધુ સમય ટકી શક્યો નહીં અને પોતે જ મોબાઈલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં લાકડાનો ફટકો મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. બંને વતની અને છૂટક મજૂર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રમેશ ઉર્ફે પાઇલટ પણ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માંડલી ચોટી (તા. સજ્જનગઢ)નો રહેવાસી છે. મરણ જનાર હીરાલાલ અને આરોપી બંને એક જ જિલ્લાના હોવાથી એકબીજાને પહેલેથી સારી રીતે ઓળખતા હતા અને સુરતમાં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનો અત્યાર સુધીનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી અને આ તેનો પ્રથમ ગુનો છે. હાલ અમરોલી પોલીસ આગળની કાયદાકીય કાર્યવાહી ચલાવી રહી છે.
Read Original Article →