'વરાછામાં મકાન બાંધવાના અધિકારી 25-25 લાખ લે છે':સુરતમાં સંકલન બેઠક સમયે જ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ધડાકો કર્યો, બેઠક તોફાની બની
ચોમાસાની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની મળેલી સંકલન બેઠક ભારે તોફાની અને ઉગ્ર બની હતી. બેઠકમાં હાજર સુરતના મોટાભાગના ધારાસભ્યોએ વહીવટી તંત્ર અને અધિકારીઓની કાર્યશૈલી સામે આક્રોશ ઠાલવ્યો હતો. જનપ્રતિનિધિઓએ અધિકારીઓ પર સીધા અને ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તંત્રની બેદરકારીના કારણે પ્રી-મોન્સૂન કામગીરી હજુ સુધી અધૂરી છે, જેના કારણે ચોમાસામાં સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. આ ઉપરાંત, શહેરમાં ચાલી રહેલા બાંધકામોમાં ઝોનલ અધિકારીઓ દ્વારા આચરાતા કરોડોના ભ્રષ્ટાચારનો મુદ્દો પણ આ બેઠકમાં જોરશોરથી ગૂંજ્યો હતો. "કાગળ પર કામ બતાવવાનું બંધ કરો"
બેઠકની શરૂઆતથી જ ધારાસભ્યોએ સુરત શહેરમાં ચાલી રહેલી ચોમાસા પહેલાની કામગીરીની ધીમી ગતિ પર સવાલો ઉઠાવ્યા હતા. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ આ મુદ્દે વહીવટી તંત્રને આડે હાથ લીધું હતું. ધારાસભ્યોએ આક્રોશ સાથે જણાવ્યું કે, દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, પરંતુ ધરાતલ પર પરિસ્થિતિ જસની તસ જ રહે છે. લાઈનોની સફાઈ, ડ્રેનેજ નેટવર્કનું સમારકામ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે જે આયોજન થવું જોઈતું હતું, તેમાં અધિકારીઓએ ભારે આળસ દાખવી છે. સંદીપ દેસાઈએ ચીમકીભર્યા સ્વરે જણાવ્યું હતું કે, જો પ્રથમ વરસાદમાં જ શહેરના રાજમાર્ગો કે સોસાયટીઓમાં પાણી ભરાશે, તો તેની સીધી જવાબદારી સંબંધિત ઝોનના વડા અને એન્જિનિયરોની રહેશે. બેઠકમાં તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે કાગળ પર કામ બતાવવાનું બંધ કરી, બાકી રહેલી તમામ કામગીરી યુદ્ધના ધોરણે અને ગુણવત્તાયુક્ત રીતે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. "લાંચ ન આપો તો ગરીબો પર હથોડી, બિલ્ડરો સામે આંખ આડા કાન": કુમાર કાનાણી
આ સંકલન બેઠકનો સૌથી મોટો અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે વરાછા, પુણા અને નાના વરાછા જેવા વિસ્તારોમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સનો મુદ્દો ચર્ચાયો હતો. ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ સુરત મહાનગરપાલિકાના ઝોનલ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના અત્યંત ગંભીર અને સણસણતા આક્ષેપો કર્યા હતા. તેઓએ આક્ષેપ કરતાં કહ્યું કે,"અધિકારીઓ ખુલ્લેઆમ રૂપિયા લઈને ગેરકાયદે બાંધકામો કરાવી રહ્યા છે. ભ્રષ્ટાચારની સીમા એટલી હદે વટાવી દેવામાં આવી છે કે સામાન્ય વિસ્તારમાં એક સામાન્ય મકાન બાંધવા માટે પણ અધિકારીઓ ૨૫-૨૫ લાખ રૂપિયા સુધીની લાંચ માંગે છે." તેમણે તંત્રની પક્ષપાતી અને અન્યાયી નીતિ પર પ્રહારો કરતા ઉમેર્યું કે, જો કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો વ્યક્તિ બાંધકામ કરતી વખતે અધિકારીઓ દ્વારા માંગવામાં આવતી રકમ ન આપે, તો વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવી જાય છે અને તેના મકાન કે દુકાન પર ડિમોલિશનની હથોડી ચલાવી દેવામાં આવે છે. બીજી તરફ, જે મોટા બિલ્ડરો કે વગદાર લોકો અધિકારીઓના ખિસ્સા ગરમ કરી દે છે, તેમના ગેરકાયદે કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે અધિકારીઓ જાણીજોઈને આંખ આડા કાન કરે છે. આ પ્રકારની વ્હાલા-દવલાની નીતિ વાળો ભ્રષ્ટાચાર હવે કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે. વરાછા અને પુણા વિસ્તારમાં નિયમોના ધજાગરા ઉડ્યા, તપાસની માંગ
ખાસ કરીને પૂર્વ ઝોન હેઠળ આવતા વરાછા, પુણા અને નાના વરાછા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ પ્રોપર્ટી અને હાઈરાઈઝ બિલ્ડિંગોના બાંધકામમાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ધારાસભ્યોએ બેઠકમાં પુરાવા સાથે રજૂઆત કરી હતી કે, પાર્કિંગની જગ્યા ન હોવા છતાં, ઓક્યુપન્સી સર્ટિફિકેટ (BU Permission) વગર જ મોટા-મોટા કોમ્પ્લેક્સ ધમધમી રહ્યા છે. આ પ્રકારના બેદરકાર બાંધકામોના કારણે ભવિષ્યમાં ટ્રાફિક અને સુરક્ષાની મોટી સમસ્યાઓ સર્જાશે. ધારાસભ્યોએ કડક માંગ કરી છે કે આવા તમામ શંકાસ્પદ બાંધકામોની તટસ્થ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ કડક ખાતાકીય પગલાં લેવામાં આવે. જનપ્રતિનિધિઓના આ આક્રમક વલણ અને ખુલ્લેઆમ લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે સંકલન બેઠકમાં હાજર અધિકારીઓના હોશ ઉડી ગયા હતા. સત્તાધારી પક્ષના જ ધારાસભ્યો જ્યારે પોતાની જ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે આટલા આકરા પ્રહારો કરે, ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. બેઠક પૂર્ણ થયા બાદ મનપાની વહીવટી પાંખમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →