સુરતમાં 17 વર્ષીય સગીરાનો એસિડ પી આપઘાત:બહેનપણી સાથે રહેવાની ઇચ્છા અને દૂર થવાના ડરથી સગીરાએ જીવન ટૂંકાવ્યું, બંનેએ સાથે ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો
સુરતના અમરોલી વિસ્તારમાં બે બહેનપણીઓનાં પ્રેમ સંબંધનો એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે બહેનપણીઓ વચ્ચેના અતૂટ સંબંધોને કારણે એક સગીરાએ જીવલેણ પગલું ભર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોતાની ખાસ બહેનપણી સાથે રહેવા ઈચ્છતી અને તેનાથી દૂર થવાના ડરે સગીરાએ એસિડ પી લેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. 'મને ગભરામણ થયા છે, ઠંડું લઈ આવો કહી ભાઈને મોકલ્યો'
મળતી માહિતી પ્રમાણે, અમરોલી વિસ્તારમાં 17 વર્ષીય સગીરા તેના ભાઈ સાથે રહેતી હતી. માતા-પિતા અને અન્ય એક ભાઈ વતન યુપીમાં રહે છે. જ્યારે સુરતમાં રહેતો ભાઈ એમ્બ્રોડરીમાં કામ કરે છે, જ્યારે લક્ષ્મી પણ એમ્બ્રોડરી ખાતામાં કામ કરતી હતી. સમગ્ર ઘટના અંગે વિગત આપતા સગીરાના ભાઈના જણાવ્યા અનુસાર, બહેન કહેતી હતી કે ભાઈ મને બહુ જ ગભરામણ થયા છે, કંઈક ઠંડુ પીવાની ઇચ્છા છે, તમે મારા માટે લઈ આવો. બહેનની વાત માનીને ભાઈ ઠંડુ લેવા માટે બજારમાં ગયો હતો. ભાઈ પરત ફર્યો ત્યારે બહેન બેભાન અવસ્થામાં મળી
ભાઈ જ્યારે ઠંડુ લઈને ઘરે પરત ફર્યો ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. સગીરા ઘરમાં શંકાસ્પદ હાલતમાં બેભાન પડી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે, ભાઈની ગેરહાજરીમાં તેણે એસિડ પી લીધો હતો. ભાઈએ તુરંત જ બૂમાબૂમ કરી આસપાસના લોકોને એકઠા કર્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોકોની મદદથી સગીરાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સગીરા અને તેની બહેનપણી વચ્ચે અતૂટ મિત્રતા હતી
આ આત્મઘાતી પગલાં પાછળનું કારણ જણાવતા ભાઈએ જણાવ્યું હતું કે, તેની બહેન અને તેની બહેનપણી વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ હતો. બંને એકબીજા વગર રહી શકતા નહોતા. ભાઈના જણાવ્યા અનુસાર, તેની બહેનપણીને કંઈ તકલીફ થતા અથવા તેનાથી દૂર થવાના ડરથી તેની બહેને આ પગલું ભર્યું હોઈ શકે છે. તેણે આશંકા વ્યક્ત કરી છે કે, તેની બહેનને લાગ્યું હશે કે તેની બહેનપણીને કંઈ થશે તો તે પોતે પણ જીવી શકશે નહીં. બંનેએ સાથે ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સગીરા અને તેની બહેનપણી થોડા દિવસ પહેલા બંનેએ સાથે રહેવાની ઇચ્છા સાથે ઘરેથી ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બંને ભાગીને સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. જ્યારે પોલીસની શી ટીમ દ્વારા બંનેને પકડી પાડવામાં આવી હતી અને તેમના બંનેના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે પરિવારજનોને બંને વચ્ચેના ગાઢ પ્રેમ અંગેની જાણ થઈ હતી. જે તે સમયે બંનેને સમજાવીને પરિવાર સાથે મોકલવામાં આવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સગીરાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બીજી તરફ, હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે પરિવારજનોના નિવેદન લઈને સગીરાએ ખરેખર કયા કારણોસર એસિડ પીધું તે દિશામાં તપાસ શરૂ કરી છે. મિત્રતામાં આ પ્રકારનું આત્યંતિક પગલું ભરવાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર જગાવી છે.
Read Original Article →