છાતીમાં છરી ને દર્દમાં કણસતો સગીર, VIDEO:માતાની નજર સામે જ સગીર આરોપીએ સગીર મિત્રને પતાવી દીધો, પરિવારજનોનું હૈયાફાટ રૂદન, સુરતમાં ચોંકાવનારી ઘટના
સુરતના પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા ધોરણ 10ની પરીક્ષા પાસ કરનાર 16 વર્ષીય કિશોર દેવા ગુપ્તાની તેના જ એક ખાસ મિત્રએ ઘાતકી હત્યા કરી દીધી છે. આ સમગ્ર મામલાની સૌથી ભયાનક બાબત એ છે કે, આ લોહિયાળ ખેલ કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપી બાળ કિશોરે પોતાની માતાની નજર સામે જ અંજામ આપ્યો હતો. સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે એક મિત્રએ જ બીજા મિત્રને પતાવી દીધો. પૈસાની લેતી-દેતીમાં ચાલતો હતો ખટરાગ
પોલીસના પ્રાથમિક તપાસ અને સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃતક દેવા ગુપ્તા અને હત્યા કરનાર સગીર વયનો કિશોર લાંબા સમયથી પાકા મિત્રો હતા. બંને અલગ-અલગ શાળાઓમાં અભ્યાસ કરતા હોવા છતાં તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. જો કે, છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે પૈસાની લેતી-દેતીને મામલે ગંભીર અણબણાવ અને ખટરાગ ચાલી રહ્યો હતો. આ વિવાદમાં દેવા ગુપ્તા પોતાના અન્ય ચારથી પાંચ મિત્રોને સાથે રાખીને આરોપી મિત્રના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેઓ આ મુદ્દે સામસામે બેસી વાતચીત કરવા માંગતા હતા. માતા સમક્ષ ફરિયાદ કરતા જ આરોપી ઉશ્કેરાયો
દેવા અને તેના મિત્રો જ્યારે આરોપીના ઘરે પહોંચ્યા ત્યારે તેની માતા પણ ઘરમાં હાજર હતી. દેવા અને તેની સાથે આવેલા અન્ય મિત્રોએ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની કરતૂતો અને પૈસાની મામલે તેની માતા સામે જ ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ આરોપીની માતાને તેના પુત્ર વિશે બધી વિગતો કહી રહ્યા હતા, જે બાબત આરોપી કિશોર સહન કરી શક્યો નહોતો. માતા સામે જ આરોપીએ મિત્રને ચપ્પુ ઝીકી દીધું
પોતાની માતા સામે જ પોલ ખૂલી જતાં તે જોતજોતામાં ઉશ્કેરાઈ ગયો હતો અને દેવા સાથે જોરદાર ઝઘડો અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ ઝપાઝપી દરમિયાન આવેશમાં આવીને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે ઘરમાં પડેલું તિક્ષ્ણ ચપ્પુ ઉઠાવ્યું હતું અને પોતાની માતાની નજર સામે જ દેવાની છાતીના ભાગે ઘાતકી વાર કરી દીધા હતા. દર્દથી કણસતા કિશોરનો વીડિયો વાયરલ
તીક્ષ્ણ ચપ્પુના ઉપરાઉપરી ઘા વાગતા જ 16 વર્ષીય દેવા ગુપ્તા લોહીથી લથપથ થઈને જમીન પર ઢળી પડ્યો હતો. મિત્રને આ રીતે લોહીના ખાબોચિયામાં જોઈ તેની સાથે આવેલા અન્ય મિત્રોના હોશ ઊડી ગયા હતા. આરોપી કિશોર ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. ગભરાયેલા મિત્રોએ સમય બગાડ્યા વિના દેવાને તાત્કાલિક બાઇક પર વચ્ચે બેસાડીને હોસ્પિટલ તરફ દોડ લગાવી હતી. આ ભયાનક ઘટનાની છેલ્લી ઘડીઓનો એક અત્યંત દર્દનાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત દેવા ગુપ્તા મોતના મુખમાં સરકતા પહેલા દર્દથી અસહ્ય રીતે કણસી રહ્યો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. વેકેશનમાં સાડીની દુકાને હેલ્પરનું કામ કરતો હતો
મૃતક દેવા ગુપ્તા અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને તે ભણવામાં પણ હોશિયાર હતો. હમણાં જ ધોરણ 10ની પરીક્ષા આપી હોવાથી વેકેશનનો સદુપયોગ કરવા અને પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે તે હીરાનગર વિસ્તારમાં સાડીની એક દુકાનમાં હેલ્પર તરીકે કામ કરતો હતો અને ત્યાં કામ શીખી રહ્યો હતો. મૃતકના મામા ઉમેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આ ઘટના છે. દેવાનો તે છોકરા સાથે કોઈ સીધો ઝઘડો નહોતો, તે તો માત્ર તેના અન્ય દોસ્તના કહેવાથી સમજાવવા માટે સાથે ગયો હતો અને ત્યાં તેની કરપીણ હત્યા કરી દેવાઈ. અમારો આખો પરિવાર આઘાતમાં છે. અમને માત્ર ને માત્ર ઇન્સાફ જોઈએ. જેણે પણ આ જઘન્ય અપરાધ કર્યો છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ માસૂમ સાથે આવું ન થાય. ટૂંકી સારવાર બાદ તબીબોએ મૃત જાહેર કર્યો
ગંભીર રીતે ઘવાયેલા દેવા ગુપ્તાને તેના મિત્રો અને પરિજનો દ્વારા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જો કે, ત્યાંથી તેને વધુ સારવાર માટે તાત્કાલિક યુનિક હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. યુનિક હોસ્પિટલના અતિ આધુનિક ICU વોર્ડમાં તબીબોની ટીમ દ્વારા તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ લોહી વધુ વહી ગયું હોવાથી અને ફેફસા-છાતીના ભાગે ગંભીર ઈજાઓ હોવાના કારણે ટૂંકી સારવાર દરમિયાન જ તબીબોએ દેવા ગુપ્તાને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતા જ હોસ્પિટલ પરિસરમાં જ પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું. આ પણ વાંચો: સગીરે ચોટીલાથી છરો ખરીદી અમદાવાદમાં યુવકની હત્યા નિપજાવી:ઘરના ઓટલા પર બેસવા બાબતે મૃતકે ઠપકો આપ્યાનો ખાર રાખી ખૂની ખેલ ખેલ્યો, બે આરોપીની ધરપકડ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં હિમેશ પરમાર નામના યુવકની થયેલી હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે. થોડા દિવસ પહેલા હિમેશ પરમારે પોતાના ઘરના ઓટલા પર બેસવા બાબતે સગીરને ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખી સગીરે તેના મિત્ર સાથે મળી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. હત્યાને અંજામ આપવા માટે સગીરે ચોટીલાથી છરાની ખરીદી કરી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →