સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ બે મહિને ઝડપાયો:આરોપી સગીરાને લઈને મધ્યપ્રદેશ નાસી જવાની ફિરાકમાં હતો, પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી દબોચ્યો

Gujarat4/6/2026, 12:47:30 PM
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ બે મહિને ઝડપાયો:આરોપી સગીરાને લઈને મધ્યપ્રદેશ નાસી જવાની ફિરાકમાં હતો, પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી દબોચ્યો
સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બે મહિનાની સઘન તપાસ બાદ, વેડ રોડ વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર 19 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને મધ્યપ્રદેશ ભગાડી જવાની પેરવીમાં હતો, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે પંડોળ ફુલવાડી વિસ્તારમાંથી તેને દબોચી લીધો હતો. શું છે સમગ્ર મામલો? ગત 28 જાન્યુઆરી, 2026ના રોજ વેડ રોડ પર આવેલી ત્રિલોક સોસાયટીમાંથી એક 15 વર્ષીય સગીરા અચાનક ગુમ થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પી.આઈ. એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના અંદાજે 50 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ એનાલિસિસની મદદથી પોલીસને શંકાસ્પદ શખ્સનું નામ 'ગુરુ' હોવાનું અને તેનું લોકેશન બારડોલીથી સુરતના પંડોળ ફુલવાડી વિસ્તાર તરફ હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્મી ઢબે ઓપરેશન અને ધરપકડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ગુરુ તેના મિત્ર પાસે પૈસા લેવા માટે ફુલવાડી વિસ્તારમાં આવવાનો છે અને ત્યાંથી સગીરાને લઈને મધ્યપ્રદેશ નાસી જવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે જીલાની બ્રીજ પાસે વોચ ગોઠવી હતી અને આરોપી ત્યાં પહોંચતા જ તેને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ ગુરુકુમાર ગોવિંદ શાહ (ઉ.વ. 19) તરીકે થઈ છે. તે મૂળ બિહારના શિવાન જિલ્લાનો રહેવાસી છે અને સુરતમાં છાપરાભાઠા રોડ પર મજૂરી કામ કરતો હતો. પૂછપરછમાં તેણે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી છે. આરોપીને પોક્સો એક્ટ હેઠળ જેલભેગો કર્યો ચોકબજાર પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 65(2), 64 તેમજ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો છે. આ સફળ ઓપરેશનમાં પી.એસ.આઈ. વી.ટી. ડોડીયા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
Read Original Article →