સુરતમાં ‘ભોલુ’ નામથી ફસાવનાર આરોપીને આજીવન કેદની સજા:15 વર્ષની કિશોરીને ઓળખ છુપાવી મિત્રતા કેળવી બિહાર ભગાડી ગયો'તો, કોર્ટે 10.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો

Gujarat4/10/2026, 4:06:28 PM
સુરતમાં ‘ભોલુ’ નામથી ફસાવનાર આરોપીને આજીવન કેદની સજા:15 વર્ષની કિશોરીને ઓળખ છુપાવી મિત્રતા કેળવી બિહાર ભગાડી ગયો'તો, કોર્ટે 10.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો
સુરતના પૂણા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટનામાં સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આરોપી જબીઉલ્લાહ આલમે પોતાની સાચી ઓળખ છુપાવી ‘ભોલુ’ નામ ધારણ કરી પડોશમાં રહેતી 15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. હિન્દુ નામ ધારણ કરી કિશોરી સાથે મિત્રતા કેળવ્યા બાદ આરોપીએ તેણીનું જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં સરકારી વકીલ યોગેશ પાટીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે. ગાર્ડનમાં દુષ્કર્મ ગુજારી બિહાર ભગાડી ગયો હતો કેસની વિગતો મુજબ આરોપી જબીઉલ્લાહ 19 વર્ષની ઉંમરનો હતો, ત્યારે તેણે સગીરાને લલચાવી ફોસલાવી હતી. જૂન 2025 પહેલા તે સગીરાને મહાનગરપાલિકાના ગાર્ડનમાં મળવા બોલાવતો હતો અને ત્યાં જ અનેકવાર તેની સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધ્યા હતા. ફક્ત એટલું જ નહીં, આરોપી આ કિશોરીનું અપહરણ કરીને તેને બિહાર લઈ ગયો હતો, જ્યાં પણ તેણે સગીરા પર સતત અત્યાચાર ગુજાર્યો હતો. નામ બદલીને છેતરપિંડી કરવી ગંભીર બાબત સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે અત્યંત આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું કે, "આરોપીએ ભોગ બનનાર સાથે સંબંધ કેળવવા માટે પોતાનું ખોટું નામ ધારણ કર્યું અને બાદમાં તેણીનું અપહરણ કર્યું, આ કૃત્ય અત્યંત ધૃણાસ્પદ છે." ખાસ કરીને ઓળખ છુપાવીને કરવામાં આવતા આવા ગુનાઓને સમાજ માટે જોખમી ગણાવી કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા ગંભીર અપકૃત્યને કોઈપણ સંજોગોમાં હળવાશથી લઈ શકાય નહીં. આરોપીને આજીવન કેદ અને 10.50 લાખનું વળતર ચૂકવવા હુકમ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી જબીઉલ્લાહ આલમને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. સજાની સાથે સાથે પીડિતાના પુનર્વસન માટે કોર્ટે આરોપીને રૂ. 10.50 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ ચુકાદો એવા તત્વો માટે લાલબત્તી સમાન છે જેઓ ખોટી ઓળખ આપી સગીર વયની બાળકીઓને શિકાર બનાવે છે. સરકારી વકીલની દલીલો નિર્ણાયક સાબિત થઈ આ સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી યોગેશ પાટીલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપીએ સોશિયલ એન્જિનિયરિંગ અને ઓળખની છેતરપિંડી દ્વારા એક માસૂમ કિશોરીનું જીવન બરબાદ કર્યું છે. કોર્ટે તમામ પુરાવા અને સંજોગોને ધ્યાને રાખીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેતો ન્યાયી ચુકાદો આપ્યો છે.
Read Original Article →