ઉત્રાણ પોલીસની સરાહનીય કામગીરી:ઘરેથી ભાગી ગયેલા 13 વર્ષના સગીરને 48 કલાકમાં શોધી કાઢ્યો, માતા-પિતા સાથે મિલાપ કરાવતા ભાવુક દૃશ્યો સર્જાયા
સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારનો 13 વર્ષનો પુત્ર 4 એપ્રિલના રોજ રાત્રે ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉત્રાણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં સગીરને કોસાડની એક નિર્માણાધીન સાઈટ પરથી સહી-સલામત શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પરિવારે શોધખોળ કરી છતાં દીકરાનો પત્તો ન લાગ્યો
ઉત્રાણ ગામના રાજપૂત ફળિયામાં રહેતા વિક્રમભાઇ મુનિયાનો 13 વર્ષ અને 8 મહિનાનો પુત્ર ગત 4 એપ્રિલના રોજ રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે અચાનક ગુમ થયો હતો. પરિવારે આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં પુત્રનો કોઈ પત્તો ન લાગતા આખરે ઉત્રાણ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-137(2) મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે CCTV ચેક કરી સગીરના લોકેશનની માહિતી મેળવી
બાળક ગુમ થવાની ઘટનાને પગલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને ઝોન-5 DCP લખધીરસિંહ ઝાલાની સૂચનાથી પીઆઈ એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા સગીરના ચોક્કસ લોકેશન અંગેની માહિતી મળી હતી. આ તપાસના આધારે પોલીસ ટીમ કોસાડ ગામમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝની નવી બનતી સાઇટ પર પહોંચી હતી, જ્યાંથી ગુમ થયેલા બાળક મળી આવ્યો હતો. પોલીસે સગીરનું પરિવાર સાથે મિલન કરાવ્યું
સહી-સલામત મળી આવેલા બાળકનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યા બાદ પોલીસે તેને તેના માતા-પિતાને સોંપ્યો હતો. આ કામગીરીમાં પીઆઈ એન.જી. પટેલ, પીએસઆઈ આર.ડી. ધાધલ, પીએસઆઈ ડી.ડી. રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાનો લાડકવાયો પરત મળતા શ્રમિક પરિવારે સુરત પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
Read Original Article →