સુરતમાં NDPSના કેસોમાં ચિંતાજનક ઉછાળો:પોલીસના મેગા ઓપરેશનમાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાંથી લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું, મુંબઈના રીઢા ગુનેગાર સહિત ચાર પેડલરો ઝડપાયા

Gujarat6/9/2026, 3:04:21 PM
સુરતમાં NDPSના કેસોમાં ચિંતાજનક ઉછાળો:પોલીસના મેગા ઓપરેશનમાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાંથી લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું, મુંબઈના રીઢા ગુનેગાર સહિત ચાર પેડલરો ઝડપાયા
સુરત શહેરમાં પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ડ્રગ્સના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન અંતર્ગત સુરત શહેરના ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે આ દરોડા દરમિયાન ડ્રગ પેડલરોને રંગેહાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશન: 3..83 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું ઉત્રાણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇસમ માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈને કઠોરગામ નેશનલ હાઇવે પર આવેલા માનસરોવર રેસીડન્સીના ગેટ પાસે મોડી રાત્રે વેચાણ કરવા માટે આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી, સરકારી પંચોને સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવીને રેઇડ કરી હતી. પોલીસે સ્થળ પરથી મોહમંદ અલી સુલેમાન મન્સુરી (ઉં.વ. 38, રહે. ભીંડીબજાર, મુંબઈ; મૂળ વતન: નાગેશ્રી ગામ, તા. રાજુલા, જી. અમરેલી) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ઝડતી લેતા તેની પાસેથી 38.37 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 3,83,700 થાય છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી 3,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન અને 1400ની રોકડ રકમ મળીને કુલ 3,88,100નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલો આરોપી મોહમંદ અલી સુલેમાન મન્સુરી ભૂતકાળમાં પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં ડોંગરી પોલીસ સ્ટેશન, સર જે.જે. માર્ગ પોલીસ સ્ટેશન તેમજ જુહુ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ અને આઈ.પી.સી. (IPC) મુજબ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ સિવાય દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના નાની દમણ પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર થયેલો છે. ઉત્રાણ પોલીસે આ મામલે NDPSનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન: જાહેર રોડ પરથી બે ડ્રગ પેડલરો રંગેહાથ પકડાયા બીજી કાર્યવાહી સલાબતપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. પોલીસ માણસો જ્યારે વિસ્તારમાં નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન સ્ટાફના માણસોને ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત મળી હતી કે માનદરવાજા હળપતી કોલોનીની જલારામ શેરીમાં રોડ ઉપર બે ઇસમો નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડીને ઘટનાસ્થળેથી બે ઇસમોને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં (૧) સાજીદ ઉર્ફે ડેની મજીદ શેખ (ઉં.વ. 27) અને સાજીદ ઉર્ફે સજુ નજીમુદ્દીન શેખ (ઉં.વ. 27) નો સમાવેશ થાય છે, જે બંને મહાલક્ષ્મી શેરી, માનદરવાજા, સલાબતપુરાના રહેવાસી છે. પોલીસે આ બંને આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી 11.71 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 1,17,000 આંકવામાં આવી છે. ડ્રગ્સના આ જથ્થા સાથે પોલીસે 1,600ની રોકડ રકમ અને 20,000ની કિંમતના બે મોબાઈલ ફોન મળીને કુલ 1,38,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર અન્ય એક ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. લાલગેટ પોલીસ સ્ટેશન: ઘરમાંથી ડ્રગ્સ અને વજનકાંટો મળ્યો ત્રીજી મોટી કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી છે. શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાના ભાગરૂપે લાલગેટ પોલીસ દ્વારા ખાસ 'ડે કોમ્બીંગ' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને શંકાસ્પદ વિસ્તારો અને મકાનો ચેક કરવામાં આવી રહ્યા હતા. આ કોમ્બીંગ દરમિયાન પોલીસની એક ટીમે તાંતવાડા શાહપોર વિસ્તારમાં પટની હોલની સામેની ગલીમાં આવેલા ઘર નંબર 12/1650 ના પહેલા માળે તપાસ હાથ ધરી હતી. મકાનની તલાશી લેતા ત્યાં હાજર આરોપી મોહંમદ ઉમર અહમદ મીયા બારડોલીવાળાના કબ્જા ભોગવટાવાળા ઓરડામાંથી મસમોટો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 30.680 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કર્યું હતું, જેની બજાર કિંમત 92.040 થાય છે. આ સિવાય ડ્રગ્સ જોખવા માટે રાખવામાં આવેલો એક ઇલેક્ટ્રિક વજનકાંટો, પાંચ ખાલી પુશલોગ પ્લાસ્ટિક બેગ અને એક મોબાઈલ ફોન મળીને કુલ 98.040નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસે આ અંગે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી મોહંમદ ઉમર અહમદ મીયા બારડોલીવાળાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે પકડાયેલો ડ્રગ્સનો જથ્થો લાવનાર તેનો પુત્ર મોહંમદ આબીદ મોહંમદ ઉમર બારડોલીવાલા (ઉં.વ. 25) છે, જેને હાલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →