ક્લાસ-2 અધિકારીનો 1.17 લાખ પગાર છતાં 45,000ની લાંચ માગી:સુરત મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયરને ACBએ ઝડપી પાડ્યા, વર્ષ 2021માં રાંદેર ઝોનમાં 15,000 લેતા પકડાયા હતા

Gujarat6/3/2026, 3:44:49 PM
ક્લાસ-2 અધિકારીનો 1.17 લાખ પગાર છતાં 45,000ની લાંચ માગી:સુરત મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયરને ACBએ ઝડપી પાડ્યા, વર્ષ 2021માં રાંદેર ઝોનમાં 15,000 લેતા પકડાયા હતા
સુરત મનપાના ક્લાસ-2 આસિસ્ટન્ટ એન્જિનિયર પોતાની જ સરકારી કચેરીના દરવાજે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ઉધના ઝોનમાં ફરજ બજાવતા જિજ્ઞેશ નટવરલાલ મોદી (ઉ.વ. 55) દર મહિને સરકાર તરફથી 1.17 લાખ રૂપિયા પગાર અને 2 વર્ષ બાદ રિટાયરમેન્ટ હોવા છતાં તેઓ પોતાની કૂટેવથી બાજ ન આવ્યા. મનપાના ગેટ પાસે જ માત્ર 45 હજારની લાંચ લેતા ACBના સકંજામાં આવી ગયા હતા. ફાઈલ આગળ વધારવા રૂપિયા 50 હજારની લાંચ માગી આ કેસની વિગત એવી છે કે, એક જાગૃત નાગરીકે સુરત મનપાના ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઈન નાખવાનું સરકારી કામ રાખ્યું હતું. આ કામ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર એટલે કે ફરિયાદીના બિલના નાણાં મંજૂર કરવાની ફાઈલ આગળ વધારવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર જિજ્ઞેશ મોદીએ અવેજ પેટે રૂપિયા 50 હજારની લાંચની માંગી હતી. રકઝકના અંતે 45 હજાર આપવા નક્કી થયા હતા ફરિયાદી આ ભ્રષ્ટ અધિકારીને પૈસા આપવા માંગતો ન હોવાથી તેણે રકઝક કરી જેના અંતે મામલો 45 હજાર રૂપિયા આપવાના નક્કી થયા હતા. જોકે, ફરિયાદી ભ્રષ્ટાચાર સામે લડવા મક્કમ હોવાથી તેમણે તાત્કાલિક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)નો સંપર્ક સાધીને આ એન્જિનિયર વિરૂદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ACBએ ઓફિસના ગેટ પાસે જ અધિકારી દબોચાયો ફરિયાદીની વિગતોના આધારે એસીબીની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ ઉધના સાઉથ ઝોનની ઓફિસ નજીક લાંચના છટકાનું આયોજન કર્યું હતું. યોજના મુજબ, ફરિયાદી લાંચની રકમ આપવા ઓફિસ પહોંચ્યો ત્યારે અધિકારી જિજ્ઞેશ મોદીએ હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચના નાણાંની ખાતરી કરી હતી. મનપાની કચેરીના મુખ્ય ગેટની બહાર, જમણી બાજુએ રોડની સાઇડમાં આરોપીએ 45,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારી, કે તરત જ ACBની ટીમે ત્રાટકીને તેને સ્થળ પર જ દબોચી લીધો હતો. આરોપીના કબજામાંથી પૂરેપૂરી લાંચની રકમ જપ્ત કરી હતી. નિવૃત્તિના માત્ર બે વર્ષ બાકી છતાં લાંચની આદત ન છૂટી આરોપી એન્જિનિયર જિજ્ઞેશ મોદીની ઉંમર હાલમાં 55 વર્ષ છે. એટલે કે સરકારી નિયમોનુસાર તેમની પ્રતિષ્ઠિત નોકરીના અને નિવૃત્તિના માત્ર બે વર્ષ જ બાકી રહ્યા છે. 2 વર્ષ પછી લાખો રૂપિયાના નિવૃત્તિના લાભો અને પેન્શન મળવાના હતા, પરંતુ સત્તાના નશા અને પૈસાની અંધ લાલચે તેમની આખી જિંદગીની કમાણી અને આબરૂ પર પાણી ફેરવી દીધું છે. બીજી વખત લાંચના કેસમાં પકડાવાને કારણે હવે તેમને નોકરીમાંથી બરતરફી સહિતની કડક અદાલતી કાર્યવાહીનો સામનો કરવો પડશે. આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ છે એસીબીના અધિકારીઓએ જણાવ્યું છે કે, આરોપી જિજ્ઞેશ મોદી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીએ જનતાને પણ અપીલ કરી છે કે કોઈ પણ સરકારી કચેરીમાં કામ માટે લાંચ માંગવામાં આવે તો તુરંત જ એસીબીનો સંપર્ક કરવો. વર્ષ 2021માં રાંદેર ઝોનમાં પણ 15,000 લાંચ લેતા પકડાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, આસિસ્ટન્ટ એન્જિનિયર જિજ્ઞેશ મોદી અગાઉ પણ લાંચ કેસમાં પકડાઈ ચૂક્યા હતા. વર્ષ 2021માં જ્યારે તેઓ રાંદેર ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જ ફરજ બજાવતા હતા, ત્યારે ડ્રેનેજ કનેક્શનની મંજૂરી આપવાની કામગીરીના અવેજમાં રૂપિયા 15 હજારની લાંચ લેતા સુરત ACB પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
Read Original Article →