ટિકિટ ફાઈનલ થાય તે પહેલાં શૌચાલયના દાખલા માટે પડાપડી:સુરત મનપાની 120 બેઠકો સામે 686 દાવેદારો મેદાનમાં, વરાછા ઝોન-એ 143 પ્રમાણપત્રો સાથે મોખરે

Gujarat4/9/2026, 9:56:20 AM
ટિકિટ ફાઈનલ થાય તે પહેલાં શૌચાલયના દાખલા માટે પડાપડી:સુરત મનપાની 120 બેઠકો સામે 686 દાવેદારો મેદાનમાં, વરાછા ઝોન-એ 143 પ્રમાણપત્રો સાથે મોખરે
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ટિકિટ વાંચ્છુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે સૌથી વધુ ચર્ચા શૌચાલય હયાતીના પ્રમાણપત્રની થઈ રહી છે. રસપ્રદ બાબત એ છે કે, હજુ અનેક બેઠકો પર રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ નક્કી નથી કર્યા છતાં ચૂંટણી લડવા ઈચ્છતા મુરતિયાઓએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 120 બેઠકોની સામે અનેકગણા લોકોએ આ દસ્તાવેજ મેળવી લીધો છેલ્લામાત્ર ત્રણ જ દિવસમાં સુરત મનપા દ્વારા કુલ 686 દાવેદારોને શૌચાલય હયાતીના પ્રમાણપત્રો ઈશ્યુ કરવામાં આવ્યા છે. આ આંકડા જોઈને આશ્ચર્યચકિત કરનારા છે કારણ કે, કુલ 120 બેઠકોની સામે અનેકગણા લોકોએ આ દસ્તાવેજ મેળવી લીધો છે. પ્રમાણપત્રો મેળવવામાં વરાછા ઝોન-એ સૌથી મોખરે રહ્યો છે, જ્યાં સૌથી વધુ 143 દાવેદારોએ પ્રમાણપત્ર મેળવ્યા છે. આ સિવાય કતારગામ ઝોનમાં 134 અને લિંબાયત ઝોનમાં 122 ઉમેદવારોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી છે. અપક્ષ ઉમેદવારો વધુ પડતા ઊતરે એવી સંભાવના અન્ય ઝોનની વાત કરીએ તો ઉધના ઝોન-એમાં 94, રાંદેર ઝોનમાં 71, વરાછા ઝોન-બીમાં 61 અને સેન્ટ્રલ ઝોનમાં 30 પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. જ્યારે ઉધના ઝોન-બીમાં 18 અને સૌથી ઓછા અઠવા ઝોનમાં માત્ર 13 પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં ચૂંટણી લડવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે અને ત્યાંથી મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરે એવી શક્યતા જણાઈ રહી છે. ટિકિટ મામલે હજુ પણ રાજકીય પક્ષોમાં અસમંજસ રાજકીય પક્ષોની તૈયારીઓ પર નજર કરીએ તો, આગામી 11મી એપ્રિલના રોજ નામાંકન ભરવાની અંતિમ તારીખ છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ અલગ-અલગ વોર્ડ માટે 78 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ પૂર્વે 26 દાવેદારોની પસંદગી કરવામાં આવી હતી. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મોડી રાત સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં તો સ્થિતિ એવી છે કે, રાજકીય પક્ષો કોને ટિકિટ આપશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ચૂંટણી લડવાના અભરખા રાખતા લોકોએ વહીવટી પ્રક્રિયામાં કોઈ કચાશ ન રહે તે માટે 'શૌચાલયના પ્રમાણપત્રો' મેળવવા દોડધામ મચાવી દીધી છે.
Read Original Article →