'અમે ડિમોલિશન નથી કર્યું, કાર્યવાહી સાથે અમારે કોઈ લેવાદેવા નથી':સુરત મનપાની જાણ બહાર જ નાસિરનગરમાં વગર નોટિસે મકાનો તોડ્યા; સુપ્રીમની ગાઈડલાઈનનું ઊલ્લંઘન
સુરત શહેરના કતારગામ ઝોન અંતર્ગત આવતા વેડ દરવાજા સ્થિત નાસિર નગરમાં તાજેતરમાં થયેલા હાઈપ્રોફાઈલ ડિમોલિશન મામલે એક ચોંકાવનારી અને વહીવટી તંત્રને હચમચાવી મૂકે એવી ગંભીર બાબત સામે આવી છે. વર્ષોથી આ વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમવર્ગીય સ્થાનિકોના કાચા-પાકા મકાનો જ્યારે તંત્રના નામે મોટા પાયે તોડી પાડવામાં આવ્યા. રોડ પહોળો કરવાના બહાને આ કાયદેસરની કાર્યવાહી થઈ હોવાનું જણાવાયું હતું. આ ઘરવિહોણા બનેલા ગરીબ પરિવારો હજુ પોતાના આશિયાના ઉજ્જડ થવાના આઘાતમાંથી બહાર આવ્યા નહોતા ત્યાં આ મામલે કોંગ્રેસ અગ્રણીઓ અને અસરગ્રસ્તો દ્વારા સુરત મહાનગરપાલિકાની ઓફિસ ખાતે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવતા પાલિકાના જવાબથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. "આ કાર્યવાહી સાથે અમારે કોઈ લેવાદેવા નથી"
જ્યારે કોંગ્રેસના નેતાઓ અને અસરગ્રસ્તોએ આ ડિમોલિશન અંગે અને સ્થાનિકોને થયેલા ભારે આર્થિક નુકસાન અંગે પાલિકાના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆત કરી ત્યારે પાલિકાએ જે સત્તાવાર ઉત્તર આપ્યો તે સાંભળીને અરજદારોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પાલિકાએ લેખિત અને મૌખિક સુરક્ષિત અંતર જાળવતા જવાબ આપ્યો કે, "નાસિર નગરમાં અમે કોઈ ડિમોલિશન કર્યું જ નથી અને આ કાર્યવાહી સાથે અમારે કોઈ લેવાદેવા નથી." પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે દિવસે આ ડિમોલિશનની આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તે કરનાર ટીમમાં પાલિકાનો કોઈ પણ કર્મચારી કે ઝોનનો માણસ ઘટનાસ્થળે હાજર નહોતો. 'નકલી તંત્ર'ને પોલીસ પ્રોટેક્શન કોણે પૂરું પાડ્યું?
બીજી તરફ અસરગ્રસ્ત સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પ્રોટેક્શન પણ સત્તાવાર રીતે હાજર હતું. લોકોએ પોતાની આંખે સ્પષ્ટ જોયું હતું કે, પોલીસ જવાનો અને વાદળી શર્ટ પહેરેલા મનપાના અધિકારીઓ ઘટનાસ્થળે તૈનાત રહીને જેસીબી મશીનો દ્વારા મકાનો જમીનદોસ્ત કરાવી રહ્યા હતા. હવે જ્યારે પાલિકા પોતે જ આ કાર્યવાહીથી તદ્દન અજાણ હોવાનો દાવો કરી રહી છે ત્યારે સૌથી મોટો અને કાયદાકીય સવાલ એ થાય છે કે, પોલીસ બંદોબસ્ત સાથે તંત્રના નામે આટલી મોટી ગેરકાયદેસર કાર્યવાહી કરવાની હિંમત સુરત શહેરમાં કોણે કરી? ચોકબજાર પી.આઈ. રાઠવાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશને બંદોબસ્ત માંગ્યો હોવાથી પોલીસ ત્યાં હાજર હતી, જે તંત્ર વચ્ચેના આંતરિક વિરોધાભાસને છતો કરે છે. બિલ્ડર લોબીની આર્થિક સાંઠગાંઠ હોવાની પ્રબળ આશંકા
આ આખી ઘટના પાછળ કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અને બિલ્ડર લોબીની આર્થિક સાંઠગાંઠ હોવાની વિગતો પણ સપાટી પર આવી રહી છે. જે જગ્યાએ આ વિવાદાસ્પદ ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાં બાજુમાં જ એક મોટા માથા ગણાતા બિલ્ડરનો આલીશાન નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બિલ્ડરના પ્રોજેક્ટને મોટો રોડ ફ્રન્ટેજ આપવા અને જમીનની કિંમત રાતોરાત વધારવા માટે આખી ગોઠવણ થઈ હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે જોર પકડી રહી છે. કોંગ્રેસ પ્રમુખનો કમિશનર અને કલેક્ટરને પત્ર
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ સુરત મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટરને સંબોધીને આકરા પત્રો લખ્યા છે. 29 મે, 2026ના રોજ પાલિકાની સેન્ટ્રલ ઝોનની ટીમે કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના વેડરોડની નાસિર નગર ઝૂંપડપટ્ટીના આશરે 100થી 150 જેટલા મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડ્યા છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ડિમોલિશન પહેલા 15 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં સરેઆમ ઉલ્લંઘન થયું છે. શનિવાર અને રવિવારની રજાના દિવસોમાં સાદા કપડાંમાં આવેલા અસામાજિક તત્વોની મદદથી 50-60 વર્ષ જૂના રહેવાસીઓનો કિંમતી સામાન લૂંટી લેવાયો હોવાનો પણ આક્ષેપ છે. કોંગ્રેસે 4 દિવસમાં પીડિતોને મુખ્યમંત્રી આવાસમાં વૈકલ્પિક વસવાટ આપવા અને જવાબદાર અધિકારીઓ સામે એન્ટી કરપ્શન હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવા માંગ કરી છે, અન્યથા હાઇકોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી આપી છે. 60 વર્ષ જૂની વસાહતના ઉખાડી ફેંકાયેલા પરિવારો માટે ન્યાયની ગુહાર
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, વેડ દરવાજા પાસે આવેલી આ સ્લમ વસાહત 60 વર્ષ જૂની છે, જેના વેરા બિલ પર સ્પષ્ટપણે 'કતારગામ ઝોન' અને જમીન માલિક તરીકે 'સુરત મહાનગરપાલિકા' લખેલું છે. આ વસાહતમાં આજે ચોથી પેઢી વસવાટ કરી રહી છે, તેને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા વિના ઘરવિહોણી કરી દેવાઈ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, "આ વિસ્તાર કતારગામ ઝોનમાં આવે છે છતાં તોડફોડ માટે સેન્ટ્રલ ઝોનની ટીમ કેમ કાર્યરત હતી? ગરીબ મુસ્લિમ શ્રમિક પરિવારો પર લઘુમતી વિરોધી માનસિકતા સાથે આ અમાનવીય અત્યાચાર કરાયો છે. અમે આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર બલરામ મીણાજીને પણ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે." મીડિયાના સવાલોથી ભાગતા વહીવટી અધિકારીઓ
આ ગંભીર અને વિવાદાસ્પદ બાબતે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક એન્જિનિયર જીવન રામજીવાલાનો દિવ્ય ભાસ્કર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, તેઓ આ વિષય પર કોઈ ચોક્કસ સ્પષ્ટતા આપવાને બદલે સતત ગોળ-ગોળ જવાબો આપી રહ્યા છે અને મીડિયા સાથે વાત કરવાથી દૂર ભાગી રહ્યા છે. આખો દિવસ ફોન પણ રિસીવ ન કરતા હોવાને કારણે હવે સુરત મહાનગરપાલિકાની પારદર્શિતા અને ભૂમિકા સામે અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.
Read Original Article →