'સામાન્ય વ્યક્તિ પીવે તો પોલીસ હાલત બગાડે, તમે સરકારી અધિકારી...':સુરત મનપાના કર્મચારીએ 5 ગાડીને અડફેટે લીધી, સ્થાનિકોએ જાહેરમાં ખખડાવ્યા; પાલ પોલીસે તપાસ શરૂ કરી
સુરતના પાલનપોર કેનાલ રોડ પર મહાનગરપાલિકાના એક ઓન ડ્યૂટી અધિકારીએ અકસ્માત સર્જ્યાનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં લોકોએ ભારે આક્રોશ સાથે અધિકારી દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં એક વ્યક્તિ ગુસ્સામાં અધિકારીને કહે છે કે, 'જો કોઈ સામાન્ય માણસ પીધેલી હાલતમાં પકડાય તો પોલીસ તેની હાલત બગાડી નાખે છે, જ્યારે તમે ઓન ડ્યૂટી સરકારી કર્મચારી છો!' લોકોએ ઉગ્ર આક્ષેપ કર્યો છે કે, નશાખોર અધિકારીએ પોતાની ફોર-વ્હીલર આખી અંદર ઘૂસાડી દઈને એક કાર અને ત્રણ બાઈક સહિત ચાર વાહનોને જોરદાર ટક્કર મારી હતી. જોકે, આ ઘટનામાં કોઈ વ્યક્તિ હાજર હોત તો તેનું કરૂણ મોત નીપજ્યું હોત. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને કાયદો હાથમાં લેતા સરકારી બાબુને લોકોએ ઘેરી ઉગ્ર સવાલો પૂછ્યા હતા. SMCના અધિકારીએ ચાર વાહનોને અડફેટે લીધા હતા
શહેરના પાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પાલનપોર કેનાલ વિસ્તારમાંથી સરકારી તંત્રને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના એક જવાબદાર કર્મચારીએ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવીને કેનાલ પાસે ઉભેલી એક કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધી હતી. આ ભયાનક અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બુધવાર સવારથી ઘટનાનો વીડિયો સો.મીડિયામાં વાઈરલ
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર ચાલકની સ્થિતિ જોતા જ તે ભારે નશામાં હોવાનું જણાતું હતું. જેના કારણે લોકોમાં તંત્ર વિરૂદ્ધ બારે રોષ ફાટી નીકળ્યો હતો. સોશિયલ મીડિયા પર બુધવાર સવારથી જ આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં કેદ ઉગ્ર દલીલોના અંશો સ્થાનિક યુવાન: 'અકસ્માતમાં ચાર-પાંચ માણસો માંડ-માંડ બચી ગયા છે. જો કોઈ સામાન્ય માણસ પીધેલી હાલતમાં પકડાય તો પોલીસ તેની હાલત બગાડી નાખે છે, જ્યારે તમે તો ઓન-ડ્યુટી સરકારી કર્મચારી છો!'
SMC કર્મચારી: 'અરે એવું કોણ...' (લોકો તેને આગળ બોલતા અટકાવે છે)
SMC કર્મચારી: 'કંઈ નહીં, ઉતારો વીડિયો યાર...'
સ્થાનિક યુવાન: 'વીડિયો ઉતારવાનો સવાલ જ નથી, તમે આ ગાડી લઈને જ અંદર આવ્યા છો ને!'
SMC કર્મચારી: 'અરે ભાઈ, એવું નથી...'
એકત્રિત ટોળું: 'તો પછી શું છે તે કહો! પોલીસમાં ફોન કરો અને આગળ આવીને વાત કરો.'
અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ: 'પાંચ ગાડીઓ થઈ ગઈ, ફોર-વ્હીલર આ છે. આવી રીતે આગળ ફોરવ્હીલ પડેલી છે આખી, બધી ભટકાડી છે તમે.'
SMC કર્મચારી: 'અરે મેં ક્યાં ઠોકી યાર. કંઈ વાંધો નહીં, એમાં હું શું કરું.'
બીજો એક વ્યક્તિ (ફોન પર): 'હમણાં અરેસ્ટ જ કરાવું છું, ચાલ.' શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના વધતા કેસોથી ચિંતા
આ વીડિયો વાઇરલ થયા બાદ સુરત શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓ પર ભારે ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, હજી એક દિવસ પહેલા જ સરથાણા જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં ધુત એક આર્કિટેક્ટે પોતાની ઈલેક્ટ્રિક કાર (EV) વડે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો, જેમાં બે સગા ભાઈઓ સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અમે સામેથી તેમનો સંપર્ક કરીને તપાસ હાથ ધરી: PI
આ સમગ્ર મામલે કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરતા પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બિજુર ભટે જણાવ્યું હતું કે, આ અકસ્માતનો વાઇરલ વીડિયો અમારા સુધી પહોંચ્યો હતો. વીડિયોના આધારે અમે તાત્કાલિક ગાડીના નંબર મેળવીને બંને પક્ષોનો સંપર્ક સાધ્યો હતો. અકસ્માત બાદ કદાચ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમાધાન થઈ ગયું હોવાથી તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવ્યા ન હતા. પરંતુ, ઘટનાની ગંભીરતાને જોતા અમે સામેથી તેમનો સંપર્ક કરીને તપાસ હાથ ધરી છે.
Read Original Article →