મનપા ચૂંટણી માટે 120 બેઠકો માટે 800થી વધુ ફોર્મ ભરાયા:ભાજપ-કોંગ્રેસની પૂરેપૂરી પેનલ સામે 'આપ'ના 114 સૈનિકો મેદાનમાં, કચેરીઓમાં ટોકન પદ્ધતિ અમલી કરવી પડી
ગતરોજ સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે 800થી વધુ ફોર્મ ભરાતા ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ ભારે ટ્રાફિક સર્જાયો હતો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તમામ 120 બેઠકો પર પોતાના ઉમેદવારોની પેનલો ઉતારી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 114 બેઠકો પર દાવેદારી નોંધાવી છે. જે રીતે ફોર્મનો ભરાવો થયો છે તે જોતા સ્પષ્ટ જણાય છે કે, એક-એક બેઠક જીતવા માટે આ વખતે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવું પડશે. આંકડાકીય રીતે જોઈએ તો સરેરાશ એક બેઠક દીઠ 6થી 7 ઉમેદવારો મેદાનમાં હોવાનું દેખાઈ રહ્યું છે. કચેરીઓ બહાર લાંબી કતારો અને ટોકન પદ્ધતિ
ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વહેલી સવારથી જ સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલી 10 અલગ-અલગ ચૂંટણી અધિકારીઓની કચેરીઓ બહાર ઉત્સાહ અને અફરાતફરીનો માહોલ હતો. સવારે 10 વાગ્યાથી જ ઉમેદવારો પોતાના સમર્થકો અને ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. ભીડ એટલી પ્રચંડ હતી કે ચૂંટણી તંત્રને વ્યવસ્થા જાળવવા માટે બપોર બાદ 'ટોકન પદ્ધતિ' દાખલ કરવી પડી હતી. નિર્ધારિત સમય મર્યાદા એટલે કે બપોરે 3 વાગ્યા સુધી જે ઉમેદવારો કચેરી સંકુલમાં પ્રવેશી ચૂક્યા હતા, તેમને ટોકન આપીને મોડી સાંજ સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. ભાજપ-કોંગ્રેસની ફૂલ પેનલ અને ‘આપ’નો પડકાર
રાજકીય પક્ષોના સમીકરણોની વાત કરીએ તો, ભાજપ અને કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી રણનીતિ ઘડીને તમામ 120 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. સુરતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટીએ પણ 114 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉભા રાખીને મનપાના જંગને ત્રિપાંખિયો બનાવ્યો છે. આ વખતે માત્ર પક્ષો જ નહીં, પરંતુ અપક્ષ ઉમેદવારોની સંખ્યા પણ નોંધપાત્ર રહી છે. દરેક વોર્ડમાં સ્થાનિક પ્રશ્નોને લઈને નારાજ થયેલા જૂથો અથવા મહત્વાકાંક્ષી કાર્યકરોએ અપક્ષ તરીકે ઝંપલાવતા મુખ્ય પક્ષોના મતોના સમીકરણો બગડવાની ભીતિ સેવાઈ રહી છે. ડમી ઉમેદવારો અને ફોર્મની ટેકનિકલ પ્રક્રિયા
ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોર્મની સંખ્યા 800 વટાવી જવાનું એક મુખ્ય કારણ 'ડમી ઉમેદવારો' પણ છે. ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષોએ ટેકનિકલ ક્ષતિને કારણે મેઈન ઉમેદવારનું ફોર્મ રદ ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે ડમી ઉમેદવારોના ફોર્મ ભરાવ્યા છે. આ ઉપરાંત, કેટલાક ઉત્સાહી ઉમેદવારોએ એક કરતા વધુ વોર્ડમાં અથવા એક જ વોર્ડની અલગ-અલગ બેઠકો માટે ફોર્મ ભરતા આંકડો મોટો દેખાઈ રહ્યો છે. ગત રાત્રે 9 વાગ્યા સુધી ઓનલાઈન પોર્ટલ પર ડેટા એન્ટ્રીનું કામ ચાલતું રહ્યું હતું, જેમાં સોગંદનામા અપલોડ કરવામાં ટેકનિકલ વિલંબ પણ જોવા મળ્યો હતો. વોર્ડ નં. 1થી 30 માં રસાકસીના એંધાણ
આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી (સ્ક્રુટિની) હાથ ધરવામાં આવશે, જેમાં કેટલા ફોર્મ માન્ય રહે છે તેના પર સૌની નજર રહેશે. ખાસ કરીને વરાછા, કતારગામ અને રાંદેર જેવા વિસ્તારોમાં ઉમેદવારોનો ધસારો સૌથી વધુ રહ્યો હતો. સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે, આટલી મોટી સંખ્યામાં ફોર્મ ભરાવા પાછળનું કારણ જનતામાં જાગૃતિ અને સત્તાધારી પક્ષ સામેનો એન્ટિ-ઈન્કમ્બન્સી ફેક્ટર અથવા નવા ઉભરી રહેલા પક્ષોનો પ્રભાવ હોઈ શકે છે. હવે આગામી દિવસોમાં ફોર્મ ખેંચવાની મુદત બાદ જ સુરત મહાનગરપાલિકાના જંગનું અસલી ચિત્ર સ્પષ્ટ થશે.
Read Original Article →