ડિમોલીશન સમયે હાજર હોવાની ના પાડનારા અધિકારીનો વીડિયો જાહેર:અસલમ સાયકલવાળાએ કહ્યું- 'મેં કમિશનરને 50 વીડિયો આપ્યા', સવાલ કરતા જ અધિકારી ભાગ્યા
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાસીર નગર ખાતે તાજેતરમાં થયેલું કથિત 'ભુતિયા ડિમોલેશન' હવે વહીવટી તંત્ર અને શાસકો માટે ગળાની ફાંસ બની ચૂક્યું છે. અત્યાર સુધી આ સમગ્ર મામલે અજાણ હોવાનો સ્વાંગ રચી રહેલા સેન્ટ્રલ ઝોનના ઉચ્ચ અધિકારીઓ વીડિયો પુરાવા સામે આવતા જ હવે સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ મીડિયા સમક્ષ આ ડિમોલેશન વખતના વીડિયો પુરાવા રજૂ કર્યા છે, જેણે પાલિકાની સમગ્ર વહીવટી પાંખને હચમચાવી મૂકી છે. ડિમોલીશન સમયે ચીફ ઈજનેર ઘટનાસ્થળે હાજર હોવાનો વીડિયો જાહેર
નાસીર નગરમાં જ્યારે ગેરકાયદેસર અને કોઈ પણ સત્તાવાર ઓર્ડર વગર 'ભુતિયા ડિમોલેશન'ની આખી પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે સેન્ટ્રલ ઝોનના ચીફ ઇજનેર જયંગ રામજીવાલા પોતે ત્યાં હાજર રહીને સમગ્ર કામગીરીનું સુપરવિઝન કરી રહ્યા હતા. આ પૂર્વે જ્યારે પણ સ્થાનિકો કે વિપક્ષ દ્વારા ચીફ ઇજનેરને આ ડિમોલેશન બાબતે સવાલો પૂછવામાં આવતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, આ ડિમોલીશન અમારા દ્વારા કરવામાં આવ્યું નથી અને હું ત્યાં હાજર પણ નહોતો. ચીફ ઇજનેરના આ ખુલ્લા પડકારને ઝીલીને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ મીડિયા સમક્ષ એક ચોંકાવનારો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જયંગરામજીવાલા ડિમોલેશનના સ્થળે હાજર દેખાઈ રહ્યા છે અને તેમની દેખરેખ હેઠળ જ આખી તોડફોડની પ્રક્રિયા થઈ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. જયંગ રામજીવાલા મીડિયાના કેમેરા જોઈને ભાગ્યા
આ સનસનાટીભર્યા વીડિયો પુરાવા હાથમાં આવ્યા બાદ, જ્યારે દિવ્ય ભાસ્કરની મીડિયા ટીમ ચીફ ઇજનેર જયંગ રામજીવાલાનો પક્ષ જાણવા અને તેમને સવાલો પૂછવા માટે સેન્ટ્રલ ઝોનની ઓફિસે પહોંચી, ત્યારે તો ત્યાં હાજર ન હતા અને ત્યાર પછી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપીભવનમા આવેલ આશિષ નાયક ઝોનલ ચીફની ઓફિસમાં રામજી વાલા હાજર હતા ત્યાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મીડિયાના કેમેરા અને તીખા સવાલો જોઈને ચીફ ઇજનેરના હોશ ઉડી ગયા હતા. તેઓ પોતાના પદની ગરિમા ભૂલીને મીડિયાના સવાલોના જવાબ આપવાને બદલે ઓફિસના કોરિડોરમાં ભાગવા લાગ્યા હતા. જયંગ રામજીવાલા મીડિયાથી બચવા માટે દોડતા દોડતા સીધા મ્યુનિસિપલ કમિશનરની કેબિન તરફ ભાગ્યા હતા અને અંદર ભરાઈ ગયા હતા. મીડિયા ટીમે તેમની પાછળ જઈને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ કોઈ પણ સવાલનો જવાબ આપવા માટે તૈયાર નહોતા. આ આખી ઘટના બાદ પાલિકાના રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. અસલમ સાયકલવાળા અને સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે કે, ચીફ ઇજનેર ભલે પોતાની જાતને બચાવવા માટે કમિશનરની કેબિનની શરણમાં પહોંચી ગયા હોય, પરંતુ ડિમોલેશનના નામે જે પાપ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે હવે છૂપી શકવાનો નથી. જો આ તોડફોડ કાયદેસરની જ હતી, તો પછી ચીફ ઇજનેરે પોતાની હાજરી કેમ છુપાવવી પડી? અને વિડીયો પુરાવા સામે આવ્યા બાદ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરવાને બદલે ભાગવું કેમ પડ્યું? આ તમામ સવાલો શંકાની સોય સીધી અધિકારી તરફ ચીંધે છે.
Read Original Article →