સુરતની મોડલને 13 વર્ષ સુધી પોતાનો શિકાર બનાવી:વરાછાના યુવકે લગ્નની લાલચ આપી વારંવાર હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું, ધંધાના નામે 79 લાખ પડાવ્યા
સુરતના પોશ અઠવા વિસ્તારમાં રહેતી એક મોડલને લગ્નની ખોટી લાલચ આપી 13 વર્ષ સુધી યૌન શોષણ અને ₹79.40 લાખની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછાના સંજય ભીંગરાડિયાએ પોતાની અસલી ઓળખ અને લગ્ન જીવન છુપાવી યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા, જે બાબતે ભોગ બનનારે અઠવા પોલીસ મથકમાં આરોપી અને તેના પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ યુવતીને ફેક્ટરી માલિકની ઓળખ આપી
ઘટનાની વિગતો મુજબ, વ્યવસાયે મોડલ એવી યુવતી વર્ષ 2013માં મિત્રો મારફતે સંજય કુમાર ધરમશીભાઈ ભીંગરાડિયાના સંપર્કમાં આવી હતી. સંજયે પોતાની ઓળખ કોપર વાયરની ફેક્ટરીના માલિક તરીકે આપી હતી અને પોતે કુંવારો હોવાનું કહી યુવતીને લગ્નના વિશ્વાસમાં લીધી હતી. આ સમયગાળા દરમિયાન સંજય યુવતીને સુરતની વિવિધ હોટલોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધતો હતો. પીડિતા પાસેથી 79.40 લાખની મત્તા પડાવી
છેતરપિંડીના આ જાળમાં સંજયના માતા-પિતા પણ સામેલ હતા, જેમણે પોતાના પુત્રના અગાઉ લગ્ન થઈ ગયા હોવાની હકીકત છુપાવી રાખીને યુવતી સાથે મુલાકાત કરી હતી. શારીરિક શોષણની સાથે સંજયે ધંધામાં મદદના બહાને યુવતી પાસેથી રોકડ અને બેંક ટ્રાન્સફર દ્વારા લાખો રૂપિયા મેળવ્યા હતા. આ ઉપરાંત સોનાના દાગીના, આઈફોન, એપલ વોચ, લેપટોપ, કેમેરા અને વિદેશી કરન્સી (યુરો) મળી કુલ ₹79.40 લાખની મત્તા પડાવી લીધી હતી. યુવતીએ આરોપી યુવક સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી
જ્યારે પણ યુવતી લગ્ન માટે દબાણ કરતી ત્યારે સંજય બહાના કાઢીને વાત ટાળતો હતો. અંતે યુવતીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સંજય પહેલેથી જ પરિણીત છે. આ સત્ય બહાર આવતા યુવતીએ અઠવા પોલીસમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે સંજય ભીંગરાડિયા, તેની પત્ની અને માતા-પિતા સહિત કુલ પાંચ લોકો સામે બળાત્કાર અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →