ખટોદરામાં 37 વર્ષીય યુવકનું રહસ્યમય મોત:7 વર્ષના પુત્રે કહ્યું '1 હજાર રૂપિયા ભાડું બાકી હોવાથી મકાનમાલિકે દંડાથી માર મારી ઘરની બહાર કાઢી મૂક્યા'; હત્યાનો પરિવારનો આક્ષેપ
સુરત શહેરમાંથી અવારનવાર ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે શહેરના ખટોદરા વિસ્તારમાં એક યુવકના રહસ્યમય મોતને લઈને ચકચાર મચી ગઈ છે. ખોડિયાર નગરમાં ભાડાના મકાનમાં રહેતા 37 વર્ષીય રણજીત મુખિયા નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારે મકાનમાલિક પર હત્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. ભાડું બાકી હોવાથી સામાન સાથે બહાર કાઢી મૂક્યાનો આરોપ
મળતી માહિતી મુજબ, મૃતક રણજીત મુખ્યા પોતાના પરિવાર સાથે ખટોદરાના ખોડિયાર નગરમાં ભાડાના મકાનમાં વસવાટ કરતા હતા. આર્થિક સંકળામણના કારણે તેમનું માત્ર એક જ મહિનાનું 1 હજાર રૂપિયા મકાન ભાડું ચૂકવવાનું બાકી હતું. મૃતકના પુત્રના જણાવ્યા અનુસાર, માત્ર એક મહિનાના ભાડાની વસૂલાત માટે મકાનમાલિક ક્રૂરતા પર ઉતરી આવ્યો હતો અને તેણે રણજીતના પરિવારને ઘર ખાલી કરવા માટે મજબૂર કર્યો હતો. એટલું જ નહીં, મકાનમાલિકે ઘરમાંથી તમામ સામાન રસ્તા પર ફેંકી દઈને આખા પરિવારને ઘરની બહાર હાંકી કાઢ્યો હતો. મકાનમાલિકના મારને કારણે મોત થયું હોવાનો આક્ષેપ
પીડિત પરિવારે મકાનમાલિક પર અત્યાચાર ગુજારવાનો અને મારપીટ કરવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. મૃતકના પુત્રે જણાવ્યું કે, મકાનમાલિકે પરિવાર સાથે બોલાચાલી કરીને રણજીતને બેરહેમીથી દંડાથી માર માર્યો હતો. મકાનના માલિક દ્વારા કરવામાં આવેલા આ હુમલા અને મારપીટના કારણે જ રણજીતનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે મૃતદેહને ફોરેન્સિક PM માટે મોકલ્યો
ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈને મામલાની ગંભીરતાને જોતાં મૃતક રણજીતના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. મોતનું ચોક્કસ કારણ જાણી શકાય તે માટે પોલીસે મૃતદેહને તાત્કાલિક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. PM રિપોર્ટ બાદ જ ગુનાનો ભેદ ઉકેલાશે
હાલના તબક્કે ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. જો પીએમ રિપોર્ટમાં માર મારવાને કારણે અથવા ઇજાના લીધે મોત થયું હોવાનું સામે આવશે, તો મકાનમાલિક સામે હત્યા અથવા સાપરાધ મનુષ્યવધ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →