યુવકનો 35 ફૂટ ઊંચા પોલ પર ચઢી હાઈવોલ્ટેજ ડ્રામા, VIDEO:CCTV તોડવાનો પ્રયાસ કરી બીડી ફૂંકી, લોકો વીડિયો ઉતારવામાં મશગૂલ ને 1 કિમીનો ટ્રાફિકજામ
સુરત શહેરના અત્યંત ભરચક અને પ્રખ્યાત પાલ-ઉમરા બ્રિજ પહેલા સત કેવલ ચોક વિસ્તારમાં 22મેએ રાત્રિના સમયે એક ચોંકાવનારી અને શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના સામે આવી છે. એક અસ્થિર મગજનો યુવક અચાનક રસ્તાની વચ્ચે આવેલા હાઈ-ટેક CCTV કેમેરાના થાંભલા પર ચઢી ગયો હતો. રાતના સમયે જાહેર રોડ પર યુવકને આ રીતે ઊંચા થાંભલા પર ચઢેલો જોઈને સ્થાનિકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોતજોતામાં આસપાસના લોકો અને રાહદારીઓનું મોટું ટોળું ઘટનાસ્થળે જમા થઈ ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 35 ફૂટ ઊંચા પોલ પર કેમેરા તોડવાનો પ્રયાસ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અસ્થિર મગજનો યુવક હાથમાં એક થેલો લઈને આશરે 35 ફૂટ ઊંચા સીસીટીવી થાંભલા પર કોઈ પણ ડર વગર આરામથી ચઢી ગયો હતો. આ થાંભલા પર ચારેય બાજુ સુરક્ષા માટે મોંઘા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. યુવકે ઉપર પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. રાતના અંધારામાં પણ તે ક્યારેક થાંભલા પર લાગેલા સીસીટીવી કેમેરાને ખેંચીને કાઢવાનો કે તોડવાનો પ્રયત્ન કરતો હતો, તો ક્યારેક ખિસ્સામાંથી બીડી કાઢીને આરામથી ફૂંકતો નજરે પડ્યો હતો. યુવકનું આ જોખમી વર્તન જોઈને નીચે ઊભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા કે ક્યાંક તે ઉપરથી નીચે ન પડી જાય. લોકો જીવ બચાવવાને બદલે વીડિયો ઉતારવામાં મશગૂલ
એક તરફ થાંભલા પર યુવક મોતની રમત રમી રહ્યો હતો અને ગમે ત્યારે મોટી દુર્ઘટના ઘટી શકે તેમ હતી, ત્યારે બીજી તરફ રાત્રિના સમયે પણ રસ્તા પર એકત્રિત થયેલી ભીડ પોતાના મોબાઈલ ફોન કાઢીને યુવકના લાઈવ વીડિયો બનાવવામાં અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં મશગૂલ નજરે પડ્યા હતા. આ તમાશા અને લોકોની ભીડને કારણે પાલ-ઉમરા રોડ પર રાતના સમયે પણ વાહનોના પૈડાં થંભી ગયા હતા. જેના કારણે રોડ પર અંદાજે 1 કિલોમીટર સુધી લાંબો ભયાનક ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસની સમજાવટ નિષ્ફળ, ફાયર બ્રિગેડને બોલાવવી પડી
આ હાઈવોલ્ટેજ ડ્રામાની જાણ થતાં જ ઉમરા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાતના સમયે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે યુવકને નીચે ઉતારવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક પોલીસ અધિકારીઓએ યુવકને ઘણી બૂમો પાડીને અને અલગ-અલગ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અસ્થિર મગજનો આ યુવક પોલીસની એક પણ વાત માનવા તૈયાર નહોતો અને તેણે નીચે ઉતરવાની સાફ ના પાડી દીધી હતી. પોલીસના તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં, અંતે મામલાની ગંભીરતા જોઈને તાત્કાલિક સુરત ફાયર વિભાગને કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરવામાં આવી હતી. દોઢ કલાકના અંતે યુવકને સહીસલામત નીચે ઉતાર્યો
ફાયર બ્રિગેડની ટીમ ઘટનાની ગંભીરતા સમજીને રાત્રિના સમયે મિનિટોમાં જ સત કેવલ ચોક ખાતે પહોંચી ગઈ હતી. ફાયરના જાંબાઝ જવાનોએ સૌપ્રથમ યુવકનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. જવાનોએ ખૂબ જ શાંતિથી અને ચતુરાઈપૂર્વક યુવક સાથે વાતચીત કરી તેને સમજાવ્યો હતો. ફાયર જવાનોની આ સ્માર્ટ સમજાવટ રંગ લાવી હતી અને આખરે રાતના અંધારામાં દોઢ કલાક લાંબા ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામાનો સુખદ અંત આવ્યો હતો. યુવકને થાંભલા પરથી સહીસલામત નીચે ઉતારી લેવાતા પોલીસે અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ પોલીસે ટ્રાફિક હળવો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.
Read Original Article →