મચ્છરોનો આતંક અટકાવવા અમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટી મેદાને:તાપમાન-ભેજના આધારે બનશે ભારતનું પહેલું 'મેલેરિયા પ્રિડિક્શન મોડેલ', 4000 ઘરોના સર્વે બાદ SMC લાવશે નવી ટેકનોલોજી

Gujarat5/21/2026, 2:04:44 PM
મચ્છરોનો આતંક અટકાવવા અમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટી મેદાને:તાપમાન-ભેજના આધારે બનશે ભારતનું પહેલું 'મેલેરિયા પ્રિડિક્શન મોડેલ', 4000 ઘરોના સર્વે બાદ SMC લાવશે નવી ટેકનોલોજી
વેક્ટર બોર્ન ડિસીઝ એટલે કે મચ્છરજન્ય રોગો જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા દર વર્ષે ચોમાસા અને શિયાળાની શરૂઆતમાં સુરત જેવા દરિયાકાંઠાના શહેરોમાં હાહાકાર મચાવે છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે અમેરિકાની પ્રતિષ્ઠિત ન્યૂયોર્ક યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ઓકલાહોમા અને 'વન હેલ્થ ટ્રસ્ટ' જેવી વૈશ્વિક સંસ્થાઓ સુરત મહાનગરપાલિકા સાથે જોડાઈ છે. આ આંતરરાષ્ટ્રીય રિસર્ચ ટીમ "અર્બન મેલેરિયા ટ્રાન્સમિશન ઇન કન્ટેક્સ્ટ ઓફ હ્યુમિડિટી એન્ડ ટેમ્પરેચર" એટલે કે તાપમાન અને વાતાવરણના ભેજના સંદર્ભમાં શહેરી મેલેરિયાના ફેલાવા પર એક અત્યાધુનિક સંશોધન કરી રહી છે. આ રિસર્ચનો મુખ્ય હેતુ સુરતમાં મચ્છરોની ઉત્પત્તિ, તેમની કરડવાની ક્ષમતા અને વાતાવરણમાં આવતા બદલાવો વચ્ચેનો વૈજ્ઞાનિક સંબંધ શોધી કાઢવાનો છે, જેથી ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલાં જ તેને ડામી શકાય. સુરતનું ભૌગોલિક સ્થાન અને મચ્છરો માટે સાનુકૂળ વાતાવરણ સુરત શહેર ભૌગોલિક દ્રષ્ટિએ કોસ્ટલ રીજન એટલે કે દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલું છે. આ જ કારણે સુરતમાં હંમેશા હવામાં ભેજનું પ્રમાણ (હ્યુમિડિટી) ખૂબ ઊંચું રહે છે, જે મેલેરિયાના કેસો વધવા માટેનું મુખ્ય કારણ બને છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અત્યાર સુધી પરંપરાગત ભૌતિક માપદંડોના આધારે કામ કરતું હતું. મચ્છરોની ઘનતા (વેક્ટર ડેન્સિટી) ક્યાં વધારે છે, કયા વિસ્તારમાં બાંધકામ (કન્સ્ટ્રક્શન સાઇટ્સ) ચાલુ છે, કયા વિસ્તારો ખાડી કે નદીના કિનારે આવેલા છે અને કયા લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ નબળી છે તે જોઈને દવા છંટકાવની કામગીરી થતી હતી. પરંતુ, મચ્છરની ઉત્પત્તિને વાતાવરણના તાપમાન અને ભેજ સાથે સીધો સંબંધ છે, જેને સમજવા માટે હવે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. વૈશ્વિક સંસ્થાઓ અને ભારતની ICMR વચ્ચે જોડાણ આ વૈશ્વિક કક્ષાના પ્રોજેક્ટમાં માત્ર અમેરિકાની યુનિવર્સિટીઓ જ નહીં, પરંતુ ભારતની સર્વોચ્ચ તબીબી સંશોધન સંસ્થા ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) પણ સક્રિય રીતે જોડાઈ છે. સુરત મહાનગરપાલિકા અને આ તમામ સંસ્થાઓ છેલ્લા 3 થી 4 વર્ષથી આ સંયુક્ત પ્રોજેક્ટ પર ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી હતી. આ સંશોધન દ્વારા ભારતમાં ખાસ કરીને ગુજરાતના બે મોટા શહેરોમાં મચ્છરોના વર્તન અને ક્લાઇમેટ ચેન્જની તેમની પર થતી અસરોનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે, જે દેશભરમાં મચ્છર નિયંત્રણ માટે એક નવો માર્ગ મોકળો કરશે. 'ડેટા લોગર' ટેકનોલોજી દ્વારા તાપમાન-ભેજનું 24 કલાક મોનિટરિંગ આ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત સુરતના જુદા જુદા ભૌગોલિક અને સામાજિક વિસ્તારોમાં અત્યાધુનિક 'ડેટા લોગર' મશીનો મૂકવામાં આવ્યા હતા. આ મશીનોની ગોઠવણ ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવામાં આવી હતી. એક ડેટા લોગર જે-તે પસંદ કરાયેલા ઘરની અંદર, બીજું મશીન ઘરની બરાબર બહાર અને ત્રીજું કમ્પોનન્ટ કન્સ્ટ્રક્શન સાઇટ અથવા જ્યાં અંધારું અને ભેજવાળો છાંયો (ડાર્ક શેડ્સ) હોય તેવી જગ્યાએ લગાવવામાં આવ્યું હતું. આ ડેટા લોગર મશીનો દ્વારા 24 કલાક વાતાવરણના તાપમાન અને હ્યુમિડિટીના આંકડા સતત રેકોર્ડ કરવામાં આવતા હતા, જેથી ઘરની અંદર અને બહારના વાતાવરણનો તફાવત સમજી શકાય. મચ્છરોના કલેક્શન અને પેરાસાઇટિક લોડની વૈજ્ઞાનિક તપાસ માત્ર ડેટા એકત્રિત કરવા પૂરતું આ સંશોધન મર્યાદિત નહોતું. જે ઘરોમાં ડેટા લોગર મશીનો લગાવવામાં આવ્યા હતા, તે ઘરોમાંથી અને તેની આજુબાજુના પરિસરમાંથી સંશોધકો દ્વારા જીવતા મચ્છરો (ઇન્સેક્ટ કલેક્શન) પકડવામાં આવ્યા હતા. આ પકડાયેલા મચ્છરોને લેબોરેટરીમાં તપાસવામાં આવ્યા કે તેમની અંદર મેલેરિયા ફેલાવતા પેરાસાઇટ (પરજીવી) નો લોડ કેટલો છે. આ ઉપરાંત, મચ્છરોની કરડવાની ફ્રીક્વન્સી એટલે કે તેઓ ચોક્કસ તાપમાને કેટલી ઝડપથી અને કેટલી વાર માણસને કરડી શકે છે, તેની ક્ષમતાનું પણ વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 4,000 થી વધુ ઘરોનો સોશિયો-ઇકોનોમિક સર્વે આ પ્રોજેક્ટનો એક મહત્વનો હિસ્સો સામાજિક અને આર્થિક પાસાઓનો અભ્યાસ કરવાનો હતો. આ માટે ખાસ સોશિયો ઇકોનોમિસ્ટ (સામાજિક અર્થશાસ્ત્રીઓ) ની ટીમે સુરતના 4,000 થી વધારે ઘરોની રૂબરૂ મુલાકાત લઈને વિગતવાર સર્વે કર્યો હતો. આ સર્વેમાં નાગરિકો પાસેથી ચોંકાવનારી વિગતો મેળવવામાં આવી હતી, જેમ કે- તેમને કયા સમયે મચ્છરો વધુ કરડે છે, પરિવારમાં છેલ્લે ક્યારે કોને મેલેરિયા થયો હતો, અને આ બીમારીના કારણે સારવાર પાછળ કેટલો ખર્ચ થયો તેમજ નોકરી-ધંધા પર ન જઈ શકવાને લીધે કેટલું આર્થિક નુકસાન વેઠવું પડ્યું. આ તમામ વિગતો સાથેનો એક સચોટ સંયુક્ત અહેવાલ તૈયાર કરાયો છે. કોરોના જેવું 'પ્રેડિક્શન મોડેલ' મચ્છરજન્ય રોગો અટકાવશે: ડો. પ્રદીપ ઉમરીગર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે આ પ્રોજેક્ટ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, "જેમ કોરોના મહામારી દરમિયાન આપણે ડેટાના આધારે એડવાન્સ પ્રેડિક્શન (આગાહી) કરતા હતા કે કયા વિસ્તારમાં સંક્રમણ વધી શકે છે, બરાબર એ જ રીતે આ સંશોધનથી આપણને મેલેરિયા માટેનું એક સચોટ 'પ્રેડિક્શન મોડેલ' મળશે." આ મોડેલની મદદથી આરોગ્ય વિભાગને અગાઉથી જ ખબર પડી જશે કે આગામી દિવસોમાં બદલાતા તાપમાન અને ભેજ વચ્ચે કયા ચોક્કસ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધશે અને ક્યાં પેરાસાઇટિક લોડ વધુ છે, જેથી ત્યાં એડવાન્સમાં જ કંટ્રોલિંગ કરી શકાય. હવે પર્ટીક્યુલર લોકેશન એનાલિસિસથી કામ થશે હાલના સમયમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખા શહેરમાં એક સમાન રીતે અથવા તો ગયા વર્ષે જ્યાં વધુ કેસ નોંધાયા હોય ત્યાં મચ્છર વિરોધી કામગીરી કરવામાં આવે છે. પરંતુ નવી ટેકનોલોજી અને પ્રેડિક્શન મોડેલ આવ્યા પછી આ પદ્ધતિ બદલાશે. હવે જે-તે પર્ટીક્યુલર લોકેશનનું ડિજિટલ એનાલિસિસ થશે. જો કોઈ ચોક્કસ સોસાયટી કે ઝોનમાં ભેજ અને તાપમાન મચ્છરોને પ્રજનન માટે સાનુકૂળ હશે, તો ત્યાં કેસ નોંધાય તે પહેલાં જ ફિઝિકલ એક્ટિવિટી અને ફોગિંગ કરીને મેલેરિયાના ફેલાવાને શૂન્ય સ્તરે લાવી શકાશે, જેનાથી શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા બમણી થશે. સુરત-અમદાવાદ વચ્ચેનો મોટો તફાવત: ભેજ કેમ બને છે વિલન? આ નેશનલ રિસર્ચ પ્રોજેક્ટ માટે ભારતના બે અગ્રણી શહેરો - સુરત અને અમદાવાદની પસંદગી કરવામાં આવી હતી. આ બંને શહેરોના વાતાવરણમાં મોટો વૈજ્ઞાનિક તફાવત જોવા મળ્યો છે. અમદાવાદમાં મુખ્યત્વે માત્ર ઊંચું તાપમાન રહે છે, ત્યાં હવામાં હ્યુમિડિટી (ભેજ) હોતી નથી. જ્યારે સુરતમાં ટેમ્પરેચર અને હ્યુમિડિટી બંને ભેગા મળીને કામ કરે છે. ઉદાહરણ તરીકે, ઉનાળાના દિવસોમાં જો અમદાવાદ અને સુરત બંને જગ્યાએ તાપમાન 40 ડિગ્રી હોય, તો પણ સુરતમાં 60 ટકાથી વધુ ભેજના કારણે આપણને 42 ડિગ્રી જેવો અસહ્ય ઉકળાટ (હીટ ઇન્ડેક્સ) અનુભવાય છે. આવું જ ભેજવાળું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ અને તેમના લાંબા આયુષ્ય માટે સૌથી વધુ ફેવરેબલ (સાનુકૂળ) સાબિત થાય છે, જેના કારણે સુરતમાં મચ્છરો વધુ શક્તિશાળી બને છે. ક્લાઇમેટ ચેન્જના ખતરા સામે કમિશનરનું નવું આહ્વાન સુરતમાં યોજાયેલા હાઇ-લેવલ વર્કશોપમાં અમેરિકા અને ભારતની આખી રિસર્ચ ટીમ હાજર રહી હતી. આ પ્રસંગે સુરત મ્યુનિસિપલ કમિશનરે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વાતાવરણમાં થતા બદલાવોની સીધી અસર માત્ર મચ્છરો પર જ નહીં, પરંતુ અન્ય અનેક જીવલેણ રોગો પર પણ થઈ રહી છે. કમિશનરએ આંતરરાષ્ટ્રીય ટીમને આહ્વાન કર્યું છે કે, ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જના કારણે માનવ જીવન અને લોકોની રોજીરોટી (લાઇવલીહુડ) ને નુકસાન ન થાય તે માટે અન્ય રોગો પર પણ આવા જ ઊંડા સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે. આ રિસર્ચ છેલ્લા 3 વર્ષથી ચાલતું હતું અને હાલમાં તેનું આખરી એનાલિસિસ થઈ રહ્યું છે, જેનું ડિજિટલ મોડેલ ટૂંક સમયમાં સુરતના નાગરિકોની સેવામાં મૂકાશે.
Read Original Article →