ખ્યાતનામ હોસ્પિટલમાં કરોડોની છેતરપિંડી અને શેર ટ્રાન્સફરનું કૌભાંડ:સુરતની લાઈફ લાઈન હોસ્પિટલના સંચાલનમાં કરોડોની ઉચાપત, ચાર સામે ગુનો દાખલ

Gujarat6/7/2026, 3:51:19 PM
ખ્યાતનામ હોસ્પિટલમાં કરોડોની છેતરપિંડી અને શેર ટ્રાન્સફરનું કૌભાંડ:સુરતની લાઈફ લાઈન હોસ્પિટલના સંચાલનમાં કરોડોની ઉચાપત, ચાર સામે ગુનો દાખલ
સુરત શહેરના રાંદેર રોડ પર આવેલી જાણીતી લાઈફ લાઈન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના સંચાલનમાં મોટા પાયે છેતરપિંડી, વિશ્વાસઘાત અને કરોડો રૂપિયાની ઉચાપતનું એક સનસનાટીભર્યું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હોસ્પિટલના મુખ્ય ડિરેક્ટર પૈકીના એક ડો. નૈનેશ ભાનુભાઈ પટેલે આર્થિક ગુના નિવારણ શાખામાં અન્ય ડિરેક્ટર હિરેન વિપીનચંદ્ર શાહ અને તેમના પરિવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીનિયર ડોક્ટરે જ વિશ્વાસઘાત કર્યો ફરિયાદની વિગત મુજબ, વર્ષ 2013માં સીનિયર ડોક્ટર હિરેન શાહે અન્ય સાથી ડોક્ટરો (ડો. નૈનેશ પટેલ, ડો. રાજીવ પંડ્યા, ડો. અંકુર ચૌધરી વગેરે) નો સંપર્ક કરી રાંદેર વિસ્તારમાં મોટી હોસ્પિટલ શરૂ કરવાની યોજના બનાવી હતી. તમામ પાર્ટનરોએ સરખે હિસ્સે આશરે 13 થી 14 લાખની મૂડી કાઢી અડાજણ હેલ્થ કેર પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની બનાવી હોસ્પિટલ શરૂ કરી હતી. જેમાં તમામના 14.29% શેર નક્કી કરાયા હતા. હિરેન શાહ સીનિયર હોવાથી હોસ્પિટલના એકાઉન્ટ, મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન અને ફાર્મસીની તમામ સત્તાઓ તેમણે પોતાની પાસે રાખી હતી. પ્રાઈવેટમાંથી પબ્લિક લિમિટેડ કંપની બનાવી પત્તા ફેરવ્યા વર્ષ 2017માં આરોપી હિરેન શાહે સરકારી સ્કીમનો લાભ લેવાના બહાને કંપનીને પ્રાઈવેટ લિમિટેડમાંથી પબ્લિક લિમિટેડમાં તબદીલ કરવા તમામ ડિરેક્ટરોને રાજી કર્યા હતા. તે માટે 1 કરોડનું ભંડોળ (પેઈડ અપ કેપિટલ) ભેગું કરવામાં આવ્યું અને સરળતા ખાતર સંચાલનની તમામ ઓથોરીટી પોતાના હસ્તક લઈ લીધી હતી. વર્ષ 2018માં એક ડિરેક્ટરે રાજીનામું આપતા બાકીના 6 ડિરેક્ટરોના શેર 16.66% થયા હતા. શેર ટ્રાન્સફરના નામે ખેલાયો મોટો ખેલ વર્ષ 2021માં અન્ય બે ડિરેક્ટરો રામચંદ્ર પટેલ અને અરવિંદકુમાર પટેલે પણ રાજીનામા આપ્યા હતા. કંપનીના નિયમો મુજબ આ શેર બાકીના ચાલુ ડિરેક્ટરો વચ્ચે સરખે હિસ્સે વહેંચવાના હતા. તે માટે રાજીનામું આપનાર ડિરેક્ટરોને ચુકવવાની થતી રકમ પેટે ડો. નૈનેશ, ડો. રાજીવ અને ડો. અંકુરે મળીને કુલ 16,92,000/- (પ્રતિ ડિરેક્ટર 5,64,000/-) બેંક મારફતે ચુકવી પણ આપ્યા હતા. હિરેન શાહે આ શેર ટ્રાન્સફરનું રીઝોલ્યુશન કરાવી લીધું હોવાનો ડોક્ટરોને વિશ્વાસ આપ્યો હતો. સગા-સંબંધીઓના ડિમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરી દીધા વર્ષ 2025માં જ્યારે ફરિયાદી ડોક્ટરે તપાસ કરાવી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે, રાજીનામું આપેલા ડિરેક્ટરોના શેર ફરિયાદીઓના નામે ટ્રાન્સફર કરવાને બદલે હિરેન શાહે ગુનાહિત કાવતરું રચીને પોતાની પત્ની પીનલ શાહ અને બહેન શ્વેતા શાહના ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. એટલું જ નહીં, તેમાંથી અમુક શેર અન્ય સગાઓના નામે પણ ટ્રાન્સફર કરી દેવાયા હતા. આ અંગે જ્યારે સીએસ (CS) પુર્વેશ ચોક્સી પાસે દસ્તાવેજો માંગવામાં આવ્યા, ત્યારે તેમણે પણ કોઈ દસ્તાવેજો આપ્યા ન હતા. ફાર્મસી-ડાયાલીસીસમાં ઉચાપત અને બેંકમાંથી 55 લાખની રોકડ ઉપાડ તપાસમાં વધુ એ પણ સામે આવ્યું છે કે, હોસ્પિટલની ફાર્મસી અને ડાયાલિસીસ સેન્ટરમાં કોઈપણ ડિરેક્ટરના સગાને પાર્ટનર ન રાખવાના નિયમની વિરૂદ્ધ જઈને હિરેન શાહે પોતાની માતા સુરેખાબેનને ભાગીદાર રાખી હોસ્પિટલ સાથે વર્ષ 2018થી 2025 દરમિયાન મોટી આર્થિક ઉચાપત કરી છે. આ ઉપરાંત, હોસ્પિટલના પાર્ટનરશિપ એકાઉન્ટમાંથી કોઈ પણ હિસાબ આપ્યા વગર 55,00,000 ની રોકડ રકમ પણ હિરેન શાહની સહીથી ઉપાડી લેવાઈ હોવાનું ઓડિટમાં બહાર આવ્યું છે. હોસ્પિટલને નુકસાન પહોંચાડવા સ્ટાફને મેસેજ કર્યા જ્યારે ફરિયાદી ડોક્ટરોએ આ કૌભાંડ પકડી પાડીને ફાર્મસીનો કોન્ટ્રાક્ટ અન્ય વ્યક્તિને આપી દીધો, ત્યારે આરોપી હિરેન શાહે હોસ્પિટલની બરાબર બાજુમાં જ પોતાની ભત્રીજી/ભાણેજ પાસે 'મેડીસીના' નામે દવાની દુકાન શરૂ કરાવી દીધી હતી. એટલું જ નહીં, હોસ્પિટલના સ્ટાફને મેસેજ મોકલી ત્યાંથી દવા ખરીદવા પર 20% ડિસ્કાઉન્ટ આપવાની લાલચ આપી હોસ્પિટલને જ આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો પોલીસે ફરિયાદી ડો. નૈનેશ પટેલની ફરિયાદના આધારે ચાર મુખ્ય આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં હિરેન વિપીનચંદ્ર શાહ (ડિરેક્ટર), રામચંદ્ર નગીનદાસ પટેલ (ભૂતપૂર્વ ડિરેક્ટર - જેણે જાણવા છતાં શેર ટ્રાન્સફર ફોર્મનો દુરુપયોગ કર્યો), શ્વેતાબેન વિપીનચંદ્ર શાહ (હિરેન શાહની બહેન) અને પીનલ હિરેનકુમાર શાહ (હિરેન શાહની પત્ની)નો સમાવેશ થાય છે. હાલ આર્થિક ગુના નિવારણ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. બારીયા આ સમગ્ર હાઈપ્રોફાઈલ મેડિકલ કૌભાંડની ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યા છે.
Read Original Article →