સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં ભારે હંગામો:લો લાયબ્રેરીના મુદ્દે વકીલો આમને-સામને આવ્યા, વાતાવરણ તંગ બન્યું; પાંચ એજન્ડા પૈકી બીજા મુદ્દે જ વિવાદ વકર્યો
સુરત સિવિલ કોર્ટના વેકેશન દરમિયાન સુરત જિલ્લા વકીલ મંડળની સામાન્ય સભા મળી હતી. આ સભામાં લો લાઇબ્રેરીના નવા હોદ્દેદારોની નિમણૂક કરવાના મુદ્દે અને તેમની ટર્મ એક વર્ષથી વધારીને બે વર્ષ કરવા બાબતે વકીલો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. સભાની શરૂઆતમાં જ વકીલો આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું અને ભારે હંગામો શરૂ થઈ ગયો હતો. પાંચ એજન્ડા પૈકી બીજા મુદ્દે જ હોબાળો
આ સામાન્ય સભામાં ચર્ચા કરવા માટે કુલ પાંચ એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ એજન્ડા પછી જેવી બીજા એજન્ડા પર વાત શરૂ થઈ, કે તરત જ લાઇબ્રેરીના વહીવટના મુદ્દે વકીલોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ બીજા મુદ્દા પર ઉગ્ર ચર્ચા થવાને કારણે સભામાં મોટો હોબાળો થયો હતો અને બાકીના એજન્ડા પર શાંતિથી ચર્ચા કરવાનું અશક્ય બન્યું હતું. લાયબ્રેરીમાં ચૂંટણી કરાવવાની ઉગ્ર માગ
સભામાં હાજર વકીલોએ આક્ષેપ કર્યો હતો કે લો લાઇબ્રેરીમાં છેલ્લા દસ વર્ષથી એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે. આ શાસનનો અંત લાવીને ત્યાં લોકશાહી ઢબે નવી ચૂંટણી યોજવાની માંગ તમામ સભ્યોએ કરી હતી. વકીલોના ભારે દબાણ અને આક્રોશને જોતા અંતે સર્વસંમતિથી લાયબ્રેરીની ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સિનિયર વકીલોની મધ્યસ્થી અને ઠરાવો મંજૂર
લાઈબ્રેરી સેક્રેટરી પર ગંભીર આક્ષેપો થતાં જ સભામાં તોફાની દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે સ્થિતિને થાળે પાડવા માટે સિનિયર વકીલોએ વચ્ચે પડીને સભા પૂર્ણ કરવાની દરખાસ્ત મૂકી હતી. વકીલ મંડળના પ્રમુખ ઉદયભાઈ પટેલ, સેક્રેટરી મુકુન્દભાઈ રામાણી અને અન્ય હોદ્દેદારોએ આ દરખાસ્તને ટેકો આપતા તમામ ઠરાવો સુખદ રીતે મંજૂર કરવામાં આવ્યા હતા. સેક્રેટરીનો વિરોધ અને સ્વાયત્તતાનો દાવો
બીજી તરફ, લાયબ્રેરીના સેક્રેટરી વિરલ મહેતાએ વકીલ મંડળની આ પ્રક્રિયા સામે લેખિતમાં સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે લો લાયબ્રેરી એક સ્વાયત્ત એટલે કે સ્વતંત્ર સંસ્થા છે, તેથી વકીલ મંડળને તેના વહીવટમાં દખલ કરવાની કોઈ સત્તા નથી. સેક્રેટરીના આ વલણને કારણે આગામી દિવસોમાં આ વિવાદ વધુ તોફાની બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.
Read Original Article →