'ભાજપ નેતાના પરિવારને ન્યાય આપો':સુરતમાં કથળતી કાયદો-વ્યવસ્થા સામે AAPએ ઉઠાવ્યો અવાજ, ન્યાયની માગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર
સુરત શહેર અત્યારે જાણે ગુનાખોરીના ભરડામાં આવી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલા, જૂથ અથડામણો અને હત્યાના બનાવોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. છેલ્લા માત્ર 12 દિવસમાં સુરત શહેરમાં અલગ-અલગ 8 જેટલી ઘાતકી હત્યાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેને લઇ સુરત આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી સુરતમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ કરી છે. સાથે જ ભાજપ પરિવારને ન્યાય મળે તેની પણ માંગ કરી છે. 'ભાજપ નેતાના પરિવારને ન્યાય આપો'
આ ગંભીર અને કથળતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને સુરત રાજકારણ તેમજ સામાજિક ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટી આ મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળી છે. સુરત શહેર ‘આપ’ ના પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ધસી ગયા હતાં. ત્યાં તેમણે પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી કમિશનરને રૂબરૂ મળીને એક સખત શબ્દોમાં લખાયેલું આવેદનપત્ર સુપરત કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ "ભાજપ નેતાના પરિવારને ન્યાય આપો" અને "બેફામ હત્યાનો સિલસિલો અટકાવો" જેવા બેનરો દર્શાવ્યા હતા. 'સૂર્યપુત્રી નગરી સુરત હવે ગુનાખોરીનું હબ બની'
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, અત્યંત દુઃખ અને આઘાત સાથે અમારે કહેવું પડે છે કે સૂર્યપુત્રી નગરી સુરત હવે ગુનાખોરીનું હબ બની રહી છે. 12 દિવસમાં 8 હત્યાઓ કોઈ સામાન્ય બાબત નથી. આ આંકડો જ સાબિતી આપે છે કે સુરતમાં ગુનેગારોના મનમાંથી કાયદાનો કે ખાખીનો કોઈ પણ પ્રકારનો ડર સદંતર નાબૂદ થઈ ગયો છે. 'ગૃહમંત્રીના શહેરમાં જ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય...તો'
તેમણે વધુમાં ઉમેર્યું કે, સૌથી મોટી અને શરમજનક બાબત એ છે કે સુરત એ રાજ્યના ગૃહમંત્રીનું હોમ ટાઉન (ગૃહ નગર) છે. જો ગૃહમંત્રીના પોતાના જ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના આટલા ધજાગરા ઉડતા હોય, તો સામાન્ય પ્રજાએ સુરક્ષા માટે કોના ભરોસે રહેવું? આ ઘટનાઓ સીધેસીધી સુરક્ષા વિભાગ અને ગૃહ વિભાગની સદંતર નિષ્ફળતા દર્શાવે છે. ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે અને પોલીસ તંત્ર માત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. માફિયાઓ ખુલ્લેઆમ પોતાનો કાળો કારોબાર ચલાવતા હોવાનો આક્ષેપ
આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, સુરતના અનેક વિસ્તારોમાં દારૂ માફિયાઓ અને ડ્રગ્સના પેડલરો ખુલ્લેઆમ પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને તેના કારણે જ નાની ઉંમરના છોકરાઓ ગંભીર ગુનાઓ તરફ વળી રહ્યા છે. આવેદનપત્રમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસના અમુક સ્તરના અધિકારીઓની પણ સંડોવણી અથવા રહેમનજર હોઈ શકે છે, જેના કારણે આ માફિયાઓ બેફામ બન્યા છે. 'પોલીસને વિપક્ષી નેતાઓ પર નજર રાખવામાં આવ્યા'
ધર્મેશ ભંડેરીએ પોલીસની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, આજે પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) જેવી સંસ્થાઓનું મૂળ કામ કાયદો-વ્યવસ્થા જાળવવાનું અને ગુનાખોરી અટકાવવાનું છે. પરંતુ કમનસીબી એ છે કે ભાજપ સરકાર દ્વારા પોલીસ તંત્રનો સદુપયોગ પ્રજાના રક્ષણ માટે કરવાને બદલે વિપક્ષી નેતાઓ પર નજર રાખવા, તેમનો અવાજ દબાવવા અને રાજકીય કાવાદાવાઓ પાર પાડવા માટે થઈ રહ્યો છે. જો આ જ પોલીસ તંત્ર અને આઈ.બી.ને ગુનેગારોની પાછળ લગાડવામાં આવે, તો સુરત શહેરમાંથી ગુનાખોરી એક ઝાટકે નાબૂદ થઈ શકે છે. પરંતુ અહીં સત્તાનો દુરુપયોગ ચરમસીમાએ છે. 'શાસક પક્ષના કાર્યકર્તાઓ કે તેમના પરિવારો જ સુરક્ષિત નથી'
તાજેતરમાં ભાજપના જ એક યુવા કાર્યકર્તાની જાહેરમાં સરેઆમ હત્યા કરી દેવાની બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા આપ નેતાઓએ જણાવ્યું કે, જ્યારે શાસક પક્ષના પોતાના કાર્યકર્તાઓ કે તેમના પરિવારો જ સુરક્ષિત ન હોય, ત્યારે આ શહેર સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો કે શ્રમિકો માટે કેટલું અસલામત છે તેની કલ્પના કરવી પણ ધ્રુજારી પેદા કરે તેવી છે. વિસ્તારના 'ભાઈ' હોય તેવું સાબિત કરવાની હોડ જામી
આવેદનપત્રમાં સુરતની એક નવી અને અત્યંત ચિંતાજનક ક્ષિતિજ તરફ પણ આંગળી ચીંધવામાં આવી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર હથિયારો સાથે રીલ્સ બનાવવાનો અને નાની નાની વાતોમાં ચપ્પુ, છરા કે દેશી તમંચા જેવા ઘાતક હથિયારો કાઢી લેવાનો ટ્રેન્ડ (વેપન કલ્ચર) નાના યુવાનો અને સગીરોમાં ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. સામાન્ય બોલાચાલી કે અદાવતમાં પણ સીધા જીવલેણ હુમલા કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ભયનું વાતાવરણ ઊભું કરીને પોતે વિસ્તારના 'ભાઈ' હોય તેવું સાબિત કરવાની હોડ જામી છે, જે સુરતના સામાજિક સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે.
Read Original Article →