જુઓ કેવી રીતે પળવારમાં થાય છે મોબાઈલ ગાયબ, LIVE ડેમો:PI પોતે 'સ્નેચર' બની રસ્તા પર ઉતર્યા; પોલીસ જવાનોએ જ સ્નેચર બનીને લોકોની બેદરકારીનો પર્દાફાશ કર્યો

Gujarat5/14/2026, 7:59:13 AM
જુઓ કેવી રીતે પળવારમાં થાય છે મોબાઈલ ગાયબ, LIVE ડેમો:PI પોતે 'સ્નેચર' બની રસ્તા પર ઉતર્યા; પોલીસ જવાનોએ જ સ્નેચર બનીને લોકોની બેદરકારીનો પર્દાફાશ કર્યો
સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે પોલીસ ગુનેગારોને પકડતી હોય છે, પરંતુ અહીં પોલીસ પોતે જ 'સ્નેચર' બનીને રસ્તા પર ઉતરી હતી. લોકોમાં જાગૃતિ લાવવા અને પોલીસ સ્ટાફને તાલીમબદ્ધ કરવા માટે PI મીનાબા ઝાલાની આગેવાનીમાં મોબાઈલ સ્નેચિંગનો લાઈવ ડેમો યોજવામાં આવ્યો હતો. પોલીસે જ સ્નેચર બનીને લોકોની બેદરકારીનો પર્દાફાશ કર્યો સુરત શહેરમાં દિન-પ્રતિદિન મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે. રીઢા ગુનેગારો રાહદારીઓના હાથમાંથી પળવારમાં મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જતા હોય છે. આ ગુનાઓ પર લગામ કસવા અને નાગરિકોને સાવચેત કરવા માટે લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલાએ એક પ્રેક્ટિકલ ડેમોનું આયોજન કર્યું હતું. જેમાં પોલીસ જવાનોએ જ સ્નેચર બનીને લોકોની બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો. ભરચક રસ્તા પર પોલીસ જવાનોએ કર્યું ‘સ્નેચિંગ’ આ ખાસ તાલીમ અને જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસની ટીમે રસ્તા પર પસાર થતા લોકોની વચ્ચે જઈને મોબાઈલ સ્નેચિંગનો ડેમો આપ્યો હતો. PI સહિતના પોલીસ જવાનોએ બતાવ્યું કે કેવી રીતે સ્નેચરો વ્યક્તિની નજર ચૂકવીને સેકન્ડોમાં મોબાઈલ છીનવીને બાઈક પર ગાયબ થઈ જાય છે. આ ડેમો જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકોની બેદરકારી સ્નેચરો માટે બને છે ‘તક’ લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, અમે રૂટિન પેટ્રોલિંગ દરમિયાન જોઈએ છીએ કે લોકો ચાલુ રસ્તે કાન નીચે મોબાઈલ દબાવીને કે બેદરકારીથી હાથમાં ફોન રાખીને ચાલતા હોય છે. તેમને આસપાસ શું થઈ રહ્યું છે, તેનો ખ્યાલ જ હોતો નથી. આ જ બેદરકારીનો ફાયદો સ્નેચરો ઉઠાવે છે. વીડિયો ડેમો દ્વારા અમે એ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમારી નાની ભૂલ તમને મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. જાહેરમાં લોકોની ઉદાસીનતા પર ચિંતા વ્યક્ત કરી ડેમો દરમિયાન એક ચોંકાવનારી બાબત એ સામે આવી કે જ્યારે પોલીસ (સ્નેચરના વેશમાં) મોબાઈલ લઈને ભાગી રહી હતી, ત્યારે આસપાસના લોકોએ તેને રોકવાનો કે નોટિસ કરવાનો પણ પ્રયત્ન કર્યો નહોતો. પીઆઈએ અપીલ કરી હતી કે, જો આવી કોઈ ઘટના બને તો નાગરિકોએ સતર્ક રહી ગુનેગારના વાહનનો નંબર નોંધી લેવો જોઈએ અથવા તેને પકડવામાં મદદ કરવી જોઈએ. લોકોની જાગૃતિ જ ગુનેગારોના હોસલા તોડી શકે છે.
Read Original Article →