'તમારા આધારકાર્ડ પર ડ્રગ્સ વેચાય છે':સુરતના જમીન દલાલે કર્ણાટકના 90 વર્ષનાં દાદીને કર્યા ડિજિટલ અરેસ્ટ, RBI વેરિફિકેશનના બહાને 1.34 કરોડ પડાવ્યા

Gujarat5/28/2026, 3:30:51 PM
'તમારા આધારકાર્ડ પર ડ્રગ્સ વેચાય છે':સુરતના જમીન દલાલે કર્ણાટકના 90 વર્ષનાં દાદીને કર્યા ડિજિટલ અરેસ્ટ, RBI વેરિફિકેશનના બહાને 1.34 કરોડ પડાવ્યા
કર્ણાટક રાજ્યના કોલાર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનાનો મુખ્ય સૂત્રધાર છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો, જેને આખરે સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર સ્કેમની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીઓએ જેમને પોતાનો શિકાર બનાવ્યા તે ભોગ બનનાર મહિલાની ઉંમર 90 વર્ષ છે. આ વયસ્ક સિનિયર સિટીઝન મહિલાને કાયદા અને જેલનો ડર બતાવી 'ડિજિટલ અરેસ્ટ'ની જાળમાં ફસાવીને આરોપીઓએ આખી ઘટનાને અંજામ આપ્યો હતો. સીમકાર્ડ અને સરનામાં બદલતો જીગો અમરોલીથી ઝડપાયો પકડાયેલ મુખ્ય આરોપીનું નામ જીગ્નેશ ઊર્ફે જીગો મીસ્ત્રી ધીરજલાલ વઘાડીયા છે. 42 વર્ષનો આ શાતિર શખ્સ મૂળ મોરબીના સનાડા રોડ પર આવેલી અંકુર સોસાયટીનો વતની છે અને સુરતમાં અમરોલી ખાતે ન્યુ કોસાડ રોડ પર આવેલી ક્રિષ્ના નગર સોસાયટીમાં રહીને જમીન-મકાનની દલાલી કરતો હતો. દલાલીની આડમાં તે રાતોરાત અમીર બનવાના સપના જોઇને આ આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો મુખ્ય મોહરો બની ગયો હતો. તે પોલીસથી બચવા માટે થોડા થોડા સમયે પોતાનું રહેઠાણ અને મોબાઇલના સીમકાર્ડ બદલી નાખતો હતો. જોકે, સુરત ક્રાઇમ બ્રાંચની નાસતા-ફરતા સ્કોડની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમરોલી ખાતેથી તેને ઝડપી પાડી તેનો કબજો કર્ણાટક પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. TRAIના નકલી ઓફિસરનો આવ્યો વૉટ્સએપ કૉલ આ ડિજિટલ અરેસ્ટ અને કરોડોની છેતરપિંડીની શરૂઆત ગત 7 ડિસેમ્બર, 2024ના રોજ થઇ હતી. ભોગ બનનાર 90 વર્ષના વૃદ્ધા પોતાના ઘરમાં હતા ત્યારે તેમના મોબાઇલ પર એક અજાણ્યા વૉટ્સએપ નંબર પરથી કૉલ આવ્યો હતો. વૃદ્ધાએ કૉલ રિસીવ કરતા જ સામેની વ્યક્તિએ ભારેખમ અવાજમાં પોતાની ઓળખ નવી દિલ્હી TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના વરિષ્ઠ અધિકારી 'વિજય શર્મા' તરીકે આપી હતી. આ નકલી અધિકારીએ વૃદ્ધાને ધમકાવતા જણાવ્યું હતું કે, "તમારા ઓળખ પત્ર અને ફોન નંબર પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા ડ્રગ્સ વેચવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાબત ગંભીર હોવાથી તમારો ફોન તાત્કાલિક બંધ કરવામાં આવશે અને તમારી સામે દિલ્હીમાં FIR પણ નોંધવામાં આવી છે." બેડરૂમમાં કર્યું નકલી પોલીસ સ્ટેશનનો સેટઅપ વૃદ્ધા કશું સમજે તે પહેલા જ સ્કેમર્સે નવી દિલ્હીના એક પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવો જ આબેહૂબ નકલી સેટઅપ ઊભો કરી વૉટ્સએપ વીડિયો કૉલ કર્યો હતો. આ વીડિયો કૉલમાં એક વ્યક્તિએ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારી (પ્રદીપ સિંહ) તરીકેનો ગણવેશ ધારણ કર્યો હતો, જ્યારે બીજા એક શખ્સે સી.બી.આઇ. (CBI)ના વરિષ્ઠ ઓફિસર તરીકે ઓળખ આપી હતી. આ નકલી અધિકારીઓએ વૃદ્ધા પર ખોટો આરોપ લગાવ્યો કે, "તમે એક બેંક મેનેજર સાથે મળીને મની લોન્ડરિંગ અને ઇન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગ માટે નકલી ખાતું ખોલાવ્યું છે, જેમાં કરોડો રૂપિયાના કાળા નાણાંની હેરફેર થઇ છે." નકલી CBI લેટરહેડ મોકલી 24 કલાક રાખ્યા ડિજિટલ અરેસ્ટ જ્યારે વૃદ્ધાએ પોતે નિર્દોષ હોવાની આજીજી કરી, ત્યારે આરોપીઓએ આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોવાનું કહીને વધુ ડરાવવાનું શરૂ કર્યું હતું. કેસની ગુપ્તતા જાળવવા અને ઘરની બહાર પગ ન મૂકવા માટે વૃદ્ધાને સખત તાકીદ કરવામાં આવી હતી. આટલું જ નહીં, વૃદ્ધાને કાનૂની સકંજાનો અહેસાસ કરાવવા માટે આરોપીઓએ તેમના વૉટ્સએપ પર CBIના નકલી લોગોવાળી નોટિસ અને સરકારી લેટરહેડ પણ મોકલી આપ્યા હતા. વૃદ્ધા પોતાના પરિવારના સભ્યોને પણ વાત ન કરી શકે તે માટે તેમને સતત વીડિયો કૉલ પર કેમેરા સામે બેસી રહેવા મજબૂર કરાયા હતા, જેને ટેકનોલોજીની ભાષામાં 'ડિજિટલ અરેસ્ટ' કહેવામાં આવે છે. RBI વેરિફિકેશનના બહાને 1.34 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા વૃદ્ધાને માનસિક રીતે સંપૂર્ણ તોડી નાખ્યા બાદ નકલી સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે, "તમારા બેંક ખાતામાં રહેલા નાણાં કાયદેસરના છે કે કેમ તેની તપાસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા કરવામાં આવશે. આ માટે તમારે તમારા ખાતાની તમામ રકમ અમે કહીએ તે સરકારી ખાતામાં ટ્રાન્સફર કરવી પડશે. જો તપાસમાં તમે નિર્દોષ સાબિત થશો, તો માત્ર 2 જ દિવસમાં તમારા બધા પૈસા સહી-સલામત પરત મળી જશે." આરોપીઓના સતત માનસિક દબાણ અને જેલ જવાની બીકના કારણે 90 વર્ષના વૃદ્ધાએ પોતાના જીવનભરની મૂડી સમાન કુલ 1,34,00,000 રૂપિયા આરોપીઓએ આપેલા ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા અને ત્યારબાદ આરોપીઓએ પોતાના ફોન બંધ કરી દીધા હતા. વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ, વધુ તપાસ શરૂ કર્ણાટકની કોલાર સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે આઇ.ટી. એક્ટની કલમ- 66(C), 66(D) તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાંચે મુખ્ય આરોપી જીગાને પકડી પાડી આગળની કાર્યવાહી માટે કર્ણાટક પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. આ સાથે પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ આંતરરાજ્ય ગેંગમાં સુરત કે ગુજરાતના અન્ય કેટલા સાયબર ગુનેગારો સંડોવાયેલા છે.
Read Original Article →