કન્સ્ટ્રક્શન સાઇટ પર વધુ એક મોત:સણિયા હેમાદમાં સાતમા માળેથી પટકાતા મજૂરનું મોત, લિફ્ટમાં કરંટ લાગ્યા બાદ નીચે પડ્યાની આશંકા; 7 દિવસમાં ત્રીજી ઘટના

Gujarat5/21/2026, 4:54:37 AM
કન્સ્ટ્રક્શન સાઇટ પર વધુ એક મોત:સણિયા હેમાદમાં સાતમા માળેથી પટકાતા મજૂરનું મોત, લિફ્ટમાં કરંટ લાગ્યા બાદ નીચે પડ્યાની આશંકા; 7 દિવસમાં ત્રીજી ઘટના
સુરત શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોની સુરક્ષા રામભરોસે હોય તેવું લાગી રહ્યું છે. સણિયા હેમાદ વિસ્તારમાં 'શાંતાબા બિઝનેસ પાર્ક'ની કન્સ્ટ્રક્શન સાઇટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સાતમા માળે કામ કરી રહેલા એક મજૂરનું નીચે પટકાવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૂળ મધ્યપ્રદેશના કિશોરભાઈ 6 વર્ષથી સુરતમાં મજૂરી કરતા હતા અકસ્માતનો ભોગ બનનાર શ્રમિકનું નામ કિશોર ડામોર છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના વઠ્ઠા ગામના વતની હતા અને છેલ્લા 6થી 7 વર્ષથી સુરતમાં રહીને કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરતા હતા. સણિયા હેમાદ ખાતેની આ સાઇટ પર તેઓ છેલ્લા છ મહિનાથી કામ કરી રહ્યા હતા. આજે સાતમા માળે કામ કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પડ્યા હતા, જેમાં તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનો જીવ ગયો છે. શ્રમિકના મોતના સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. સાઇટ પર સેફ્ટીના કોઈ સાધનો ન હોવાનો પરિવારનો આરોપ શ્રમિકના પરિવારે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે સાઇટ પર મજૂરો પાસે કોઈપણ જાતની સુરક્ષા વગર કામ કરાવવામાં આવતું હતું. નિયમ પ્રમાણે બિલ્ડિંગમાં સેફ્ટી નેટ (જાળી) લગાવવી જરૂરી છે, પરંતુ અહીં કોઈ નેટ નહોતી. એટલું જ નહીં, સાતમા માળ જેવા જોખમી સ્થાને કામ કરવા છતાં શ્રમિકને સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે બૂટ જેવા જરૂરી સાધનો પણ આપવામાં આવ્યા નહોતા. લિફ્ટમાં કરંટ લાગ્યા બાદ શ્રમિક નીચે પડ્યો હોવાની આશંકા સ્થાનિક લોકો અને શ્રમિકોમાં ચર્ચા છે કે આ અકસ્માત પાછળ શોર્ટ સર્કિટ પણ એક કારણ હોઈ શકે છે. સાઇટ પર લાગેલી લિફ્ટના કારણે શ્રમિકને કરંટ લાગ્યો હતો, જેના લીધે તે નીચે પટકાયો હતો. સમાજના આગેવાનોનું કહેવું છે કે જો બિલ્ડરે મજૂરોને સેફ્ટીના સાધનો આપ્યા હોત, તો કરંટ લાગવા છતાં શ્રમિકનો જીવ બચી શક્યો હોત. 7 દિવસમાં ત્રીજી ઘટના આદિવાસી સમાજના અગ્રણી હિતેશભાઈએ જણાવ્યું કે, સુરતમાં આવી ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા 7 દિવસમાં જ શહેરમાં આવી આ ત્રીજી ઘટના બની છે, જ્યાં બિલ્ડરોની બેદરકારીના કારણે શ્રમિકે જીવ ગુમાવ્યો છે. સણિયા ગામ વિસ્તારમાં જે પણ પોલીસ સ્ટેશન લાગતું હોય, તે પોલીસે તાત્કાલિક આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જવાબદારો સામે ગુનો નોંધવો જોઈએ.
Read Original Article →