Live Updates
પાટીદાર ગઢમાં ભાજપ-આપ વચ્ચે ખરાખરીનો જંગ:કાનાણીનો પારો ગરમ, ‘સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?’; ફેસબુક પર કમેન્ટ કરનારની ઝાટકણી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. કાનાણી જ્યારે પોતાના વિકાસકાર્યોનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે 'આપ'ના એક કાર્યકર્તાએ કરેલી કમેન્ટ બાદ વિવાદ વકર્યો છે. સામાન્ય રીતે શાંત જણાતા કાનાણીએ આ વખતે આક્રમક મિજાજ ધારણ કર્યો છે. વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદ્ઘાટન સમયે તેમણે આ કમેન્ટનો એવો જવાબ આપ્યો કે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. "બાપના પૈસા..." વાળું નિવેદન બન્યું ચર્ચાનું કેન્દ્ર
કુમાર કાનાણીએ સભા ગજવતા કહ્યું કે, હું લાઈવમાં વિકાસની વાત કરતો હતો ત્યારે એક 'આપ' વાળાએ કીધું કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે. અરે ભાઈ, પ્રજાના જ પૈસા હોય ને! પણ હું એને પૂછવા માંગુ છું કે, ‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?’ કાનાણીના આ તેખા તેવર જોઈને સભામાં હાજર કાર્યકર્તાઓ પણ જોશમાં આવી ગયા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, સરકાર ગમે તેની હોય, તે જનતાના ટેક્સથી જ ચાલે છે, પણ ભાજપ તે પૈસાનો સાચો ઉપયોગ કરી રહી છે. ભ્રષ્ટાચારના મુદ્દે ‘આપ’ને ખિસ્સા ભરનારા ગણાવ્યા
કાનાણીએ માત્ર જવાબ આપીને સંતોષ ન માન્યો, પણ આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા. તેમણે કહ્યું કે, અમે પ્રજાના પૈસા યોગ્ય જગ્યાએ વાપરીએ છીએ, અમે પૈસા ખાતા નથી. જ્યારે તમે લોકો (આપ) તો ભ્રષ્ટાચાર કરીને ખિસ્સા ભરો છો! તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે, આપણે ઘરે-ઘરે જઈને આ લોકોને ખુલ્લા પાડવા પડશે અને ભાજપના શાસનમાં થયેલા પારદર્શક વહીવટનો હિસાબ આપવો પડશે. શિક્ષણના મુદ્દે ‘આપ’ના દાવાઓને પડકાર્યા
આમ આદમી પાર્ટી હંમેશા દિલ્હી અને પંજાબના શિક્ષણ મોડેલની વાતો કરે છે, જેની સામે કાનાણીએ સુરત મનપાની શાળાઓનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો. તેમણે સવાલ કર્યો કે, કયા મોઢે આ લોકો શિક્ષણની વાતો કરે છે? સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં ધોરણ 1થી 12 સુધી દીકરા-દીકરીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે, ભાજપના શાસનમાં સુરતની શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી બની છે, તેથી ‘આપ’ના જુઠ્ઠાણાં અહીં નહીં ચાલે. પાટીદાર ગઢ બચાવવા કાનાણીએ એડીચોટીનું જોર લગાવ્યું
સુરતના પાટીદાર વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે ગાબડું પાડ્યું હતું, તે ભાજપ ભૂલ્યું નથી. 27 બેઠકો પર મળેલી જીત બાદ આ વખતે 'આપ' વધુ આક્રમક છે, તો સામે પક્ષે કુમાર કાનાણીએ વરાછામાં ભાજપનો ગઢ અકબંધ રાખવા માટે મોરચો સંભાળ્યો છે. સોશિયલ મીડિયા પર થતી કમેન્ટ્સ અને ગ્રાઉન્ડ લેવલની લડાઈમાં કાનાણી હવે સીધા જ પ્રહાર કરી રહ્યા છે, જેથી કરીને પાટીદાર મતદારોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધારી શકાય. 26 એપ્રિલની જંગ: ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ
સુરત મહાનગરપાલિકાની 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભાજપે પોતાના તમામ દાવ ખેલવાનું શરૂ કરી દીધું છે. ઉમેદવારોની જાહેરાત બાદ હવે સ્ટાર પ્રચારકો અને ધારાસભ્યો મેદાને પડ્યા છે. કુમાર કાનાણીના આ આક્રમક નિવેદને સુરતના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે 'આપ' ના કાર્યકર્તાઓ અને નેતાઓ કાનાણીના આ "બાપના પૈસા" વાળા કટાક્ષનો શું જવાબ આપે છે. સુરતની જનતા કોના વિકાસના દાવા પર મહોર મારશે તે તો ચૂંટણીના પરિણામો જ કહેશે.
Read Original Article →