ફ્રી ફાયર ગેમ રમવા 3 સગીર ભાઈ-બહેને ઘર છોડ્યું:ઘરમાંથી 15,000 રૂપિયા પણ ચોર્યા, સુરત પોલીસ દોડતી થઈ

Gujarat5/21/2026, 8:32:03 AM
ફ્રી ફાયર ગેમ રમવા 3 સગીર ભાઈ-બહેને ઘર છોડ્યું:ઘરમાંથી 15,000 રૂપિયા પણ ચોર્યા, સુરત પોલીસ દોડતી થઈ
સુરત શહેરના વેડરોડ, પંડોળમાં આવેલી સહયોગ પાવર લુમ્સ સોસાયટીના એક ઘરમાંથી એક સાથે 3 સગીર ભાઈ-બહેનો ગુમ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 14 વર્ષનો મોટો દીકરો, 11 વર્ષનો નાનો દીકરો અને માત્ર 9 વર્ષની નાની દીકરી 19 મે, 2026ની મધ્યરાત્રિએ આશરે 01:30થી સવારના 05:30 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈને પણ કહ્યા વગર ઘરે ચાલ્યા ગયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બાળકોને ‘ફ્રી ફાયર’ ગેમ રમવાની ભયંકર આદત પડી ગઈ હતી. પિતાએ ઓનલાઈન ગેમિંગના આ દૂષણથી બાળકોને બચાવવા માટે મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી ફોન કબાટમાં સંતાડી દીધો હતો. જે વાત બાળકોને એટલી હદે લાગી આવી કે તેઓ ઘર છોડીને ભાગી ગયા છે જેનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. ત્યારે આ કિસ્સો માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. 'પત્નીએ જાણ કરી કે બાળકો ગેમ રમે છે' બાળકોના લાચાર પિતાએ જણાવ્યું હતું કે, હું ગયા મહિનાની 27-28 તારીખે વતન ગયો હતો. મારો મોબાઈલ અહીં જ છૂટી ગયો હતો, જેનો ઉપયોગ મારો દીકરો કરતો હતો. હું વતનથી પરત આવ્યો ત્યારે મારી પત્નીએ ચિંતા વ્યક્ત કરી કે બાળકો બગડી રહ્યા છે અને દિવસ-રાત ફ્રી ફાયર ગેમ રમે છે. પત્નીના કહેવાથી મેં બાળકોને સુધારવા માટે 3 દિવસ પહેલા જ મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી લીધું અને ફોન પેટીમાં મૂકી દીધો. 'અમે સૂઈ ગયા બાદ રાત્રે એક-બે વાગ્યા સુધી ગેમ રમતા' બાળકોના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં ક્યારેય બાળકો પર હાથ નથી ઉપાડ્યો કે નથી ગાળો આપી. બસ, ગેમ રમવા ન મળી એટલે આ પગલું ભર્યું. બાળકો પહેલા ભણતા હતા, પણ અહીં આવ્યા પછી તેઓ સ્કૂલે પણ નહોતા જતા અને આખો દિવસ ગેમમાં જ ડૂબેલા રહેતા હતા. રાત્રે જ્યારે એક-કે બે વાગ્યે નિંદર ઉડે તો પણ બાળકો ગેમ રમતા જોવા મળતા હતા. 'અમે ખાવાનું બનાવી દીધું છે, ખાઈ લેજો' કહી નીકળી ગયા ગુમ થયેલા બાળકોની મોટી બહેને રડતી આંખે જણાવ્યું કે, અમે 5 ભાઈ-બહેન છીએ (2 બહેનો અને 3 ભાઈ). પપ્પાએ જ્યારે ગેમ રમવાની ના પાડી અને કહ્યું કે 'ગેમ ન રમો, તમારી તબિયત ખરાબ થઈ જશે', ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. 19 મેની સવારે આશરે 4:00 વાગ્યે તેઓ નીકળી ગયા. જતાં જતાં એ લોકો અમને કહીને ગયા હતા કે 'અમે ખાવાનું બનાવી દીધું છે, તમે લોકો ખાવાનું ખાઈ લેજો.' તેઓ પપ્પાના ગુસ્સાથી પરેશાન થઈને ચાલ્યા ગયા અને અમારી નાની 9 વર્ષની બહેન પણ ભાઈઓના લાડ-પ્યારમાં તેમની સાથે ચાલી નીકળી." ઘરમાંથી 15000 રૂપિયા રોકડા ચોરીને ભાગ્યા બાળકો ઘરમાંથી ખાલી હાથે નથી નીકળ્યા. પિતાએ ઘર ચલાવવા અને અન્ય કામ માટે રાખેલા રૂપિયા 15000 રોકડા પણ બાળકો પોતાની સાથે લેતા ગયા છે. પોલીસની પ્રાથમિક તપાસ અને સોર્સિસના આધારે જાણવા મળ્યું છે કે બાળકો સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ ભુજ-બાંદ્રા ટ્રેનમાં બેસીને ક્યાંક નીકળી ગયા છે. સગીર વયના 3 બાળકો પાસે આટલી મોટી રકમ હોવાથી તેમની સુરક્ષાને લઈને પરિવાર અત્યંત ચિંતિત છે. બાળકોને શોધવા પોલીસ એક્શનમાં આ મામલે સુરત પોલીસ સ્ટેશનમાં 20 મેના રોજ રાત્રે 8:30 કલાકે સત્તાવાર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. તપાસ અધિકારી જે.આર.તિવારીએ જણાવ્યું કે, માતા-પિતાએ ફ્રી ફાયર ગેમ રમવાની ના પાડતા બાળકો ઘર છોડીને ચાલ્યા ગયા હોવાની ફરિયાદ મળી છે. લોકેશન અને CCTV ફૂટેજના આધારે અમને જાણવા મળ્યું છે કે, બાળકો રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા હતા. પોલીસ ઈન્સ્પેક્ટરની સૂચનાથી અલગ-અલગ સર્વેલન્સ અને રેડિંગ ટીમો બનાવવામાં આવી છે. જે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને સંભવિત રૂટ્સ પર તપાસ કરી રહી છે.
Read Original Article →