10 દિવસથી ધુમાડાનું 'તાંડવ, લોકો ઘરમાં પણ માસ્ક પહેરવા મજબૂર:ખજોદ ડમ્પિંગ સાઈટની આગ મુસીબત બની, અનેક સોસાયટીના લોકોએ આપી ચૂંટણી બહિષ્કારની ધમકી

Gujarat4/7/2026, 8:14:49 AM
10 દિવસથી ધુમાડાનું 'તાંડવ, લોકો ઘરમાં પણ માસ્ક પહેરવા મજબૂર:ખજોદ ડમ્પિંગ સાઈટની આગ મુસીબત બની, અનેક સોસાયટીના લોકોએ આપી ચૂંટણી બહિષ્કારની ધમકી
સુરત મહાનગરપાલિકા ભલે સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ જીતતી હોય, પરંતુ શહેરના ખજોદ વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ જ અને ડરામણી છે. છેલ્લા 10 દિવસથી ખજોદ ડમ્પિંગ સાઈટમાં લાગેલી ભીષણ આગ હવે માત્ર કચરો નથી સળગાવી રહી, પણ હજારો લોકોના શ્વાસ પણ રૂંધી રહી છે. સરસાણાના આગમ હાઈટ્સ અને સનફ્લાવર જેવી સોસાયટીના રહીશોએ હવે સીધો જ હુંકાર કર્યો છે કે, પહેલા આગ બુઝાવો, પછી જ વોટ માંગવા આવજો. ઘરમાં પણ માસ્ક પહેરીને ફરવા મજબૂર લોકો ખજોદની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ એવી છે કે લોકોએ પોતાના જ ઘરોમાં કેદ થવું પડ્યું છે. 'આગમ હાઈટ્સ' સોસાયટીના રહીશ પ્રકાશભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હું સિનિયર સિટીઝન છું, મારે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. છેલ્લા 10 દિવસથી ધુમાડો એટલો વધી ગયો છે કે, બારીઓ ખોલવી તો દૂરની વાત, બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. 'નો વોટ, નો એન્ટ્રી', 550 ફ્લેટના 2000 મતદારોનો ચૂંટણી બહિષ્કાર ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે નેતાઓ માટે આ માઠા સમાચાર છે. આગમ હાઈટ્સના રહીશોએ એકસૂરે નક્કી કર્યું છે કે, જો આગ અને ધુમાડાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. અત્યાર સુધી કોઈ કોર્પોરેટર ડોકાયું નથી. જો તેમને અમારા જીવની પડી નથી, તો અમને તેમના વોટની પડી નથી. માત્ર એક જ સોસાયટીના 2000થી વધુ વોટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ આગ છે કે કરોડોનું કચરા-કૌભાંડ? સોસાયટીના રહીશોનો ગંભીર આક્ષેપ છે કે, દર 15-20 દિવસે અહીં આગ લાગે છે. શું આ કુદરતી છે કે જાણીજોઈને લગાડવામાં આવે છે? કચરાના નિકાલ માટે કરોડોના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, છતાં કચરો સળગાવવાની ફરજ કેમ પડે છે? શું કચરો ઓછો બતાવવા માટે આ 'આગનું કૌભાંડ' આચરવામાં આવે છે? SMCએ આના પર તાત્કાલિક તપાસ બેસાડવી જોઈએ. 'મિની લોકડાઉન', બાળકો માટે મેદાન અને વૃદ્ધો માટે વોકિંગ બંધ સનફ્લાવર 1-Aના પ્રેસિડેન્ટ તજિંદરભાઈએ જણાવ્યું હતું કે, અમે અત્યારે નરક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છીએ. આ એક પ્રકારનું 'મિની લોકડાઉન' છે. બાળકો નીચે રમવા જઈ શકતા નથી, વૃદ્ધોને ગભરામણ થાય છે. અમારે ગાડી લઈને નીકળવું હોય તો પણ નાક પર રૂમાલ બાંધવો પડે છે. શું આ જ સ્માર્ટ સિટી છે? રહીશોએ ચેતવણી, હવે આશ્વાસન નહીં, એક્શન જોઈએ ખજોદ નજીકના વિસ્તારના 3000 થી વધુ પરિવારોએ હવે મન બનાવી લીધું છે. જો આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે આ આગ નહીં બુઝાય અને કચરાના નિકાલની વૈજ્ઞાનિક પદ્ધતિ અમલમાં નહીં આવે, તો રહીશો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી છે. એવોર્ડ જીતવા અને મેડલ મેળવવા એ સારી વાત છે, પણ જ્યારે શહેરનો એક મોટો હિસ્સો ઝેરી ધુમાડામાં ગૂંગળાઈ રહ્યો હોય, ત્યારે એવોર્ડની ચમક ઝાંખી પડી જાય છે. તંત્રએ જાગવાની જરૂર છે. કોઈ કોર્પોરેટર ડોકાયા નથી, ચૂંટણી પર અસર પડશેઃ પ્રકાશભાઈ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, હું આગમ હાઈટ્સમાં રહું છું અને આજે છેલ્લા 10 દિવસથી લાગેલી આગ એટલા બધા લેવલ પર આગળ વધે છે અને એ બુઝાતી નથી. એટલે એના લીધે જે બધો સ્મોક, ધુમાડો એ બધા બાળકો માટે અને અમારા માટે બહુ તકલીફજનક છે. હું સિનિયર સિટીઝન છું, છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. અહિયાં કોઈ કોર્પોરેટર આવતું નથી કે અમે અમારો પ્રોબ્લેમ જણાવી શકીએ. આવનારી ચૂંટણીમાં આ સમસ્યાની અસર ચોક્કસથી પડશે. અમારે ત્યાં 550 ફ્લેટ છે, 2000 મતદારો છે તો અમે આ ચૂંટણીમાં સંપૂર્ણ બહિષ્કાર કરીશું. બાળકો શ્વાસ નથી લઈ શકતા, શું આ છે સ્વચ્છ ભારત અભિયાનઃ હર્ષભાઈ વધુમાં સ્થાનિક હર્ષભાઈએ જણાવ્યું હતું કે, મોદીજીનું શું કહેવું છે 'સ્વચ્છ ભારત અભિયાન'. શું સ્વચ્છ ભારત અભિયાન આવું દેખાવું જોઈએ? આજે સુરત મહાનગરપાલિકા કહી રહી છે કે, તમે સ્વચ્છતા રાખો, પણ જો SMC પોતે સ્વચ્છતા નથી રાખતી તો સામાન્ય માણસ ક્યાંથી સ્વચ્છતા રાખી શકશે. આ આગને કારણે બીમારીઓ વધી રહી છે. બાળકો શ્વાસ નથી લઈ શકતા. અમારે બારીઓ બંધ રાખવી પડે છે અને એટલી બદબૂ આવે છે કે, જ્યારે અમે બહાર ગાડી લઈને નીકળીએ ત્યારે નાક બંધ કરીને ચાલવું પડે છે. ‘અમે વોટ વિશે વાત જ કરવા માંગતા નથી’ અત્યારે ચૂંટણી આવી રહી છે, તો જે કોઈ પણ કોર્પોરેટર કે નેતાજી અહીં આવશે તેમને 'નો વોટ'. કોઈ વોટ નહીં અને અમે વોટ વિશે વાત જ કરવા માંગતા નથી. અહીં 2000થી 3000 પરિવારો રહી રહ્યા છે, અમે વોટ માટે વાત જ નહીં કરીએ. અમને આના વિરુદ્ધ એક્શન જોઈએ છે. આ સ્થિતિ અમારા 'નાના લોકડાઉન' જેવી બની ગઈ છેઃ તજિંદર તજિંદર (સનફ્લાવર 1-A નો પ્રેસિડેન્ટ) એ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી અહીં ડમ્પિંગ યાર્ડમાં આગ લાગેલી છે અને તેના માટે કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. જેના કારણે ધુમાડો થઈ રહ્યો છે, ધૂળ ઉડી રહી છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે અમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દુર્ગંધ પણ ખૂબ જ આવે છે, જેના કારણે અમારે બારીઓ બંધ રાખવી પડે છે. વૃદ્ધોને અમારે દવાઓ આપવી પડે છે અને બાળકો નીચે રમવા નથી આવી શકતા. માસ્ક પહેરીને ફરવું પડી રહ્યું છે. આ સ્થિતિ અમારા માટે એક 'નાના લોકડાઉન' જેવી બની ગઈ છે. તેથી અમે એસ.એમ.સીને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને આ બાબતે પગલાં લો. અહીં 500 જેટલા પરિવારો છે જે આ સમસ્યા ભોગવી રહ્યા છે. જો કોઈ અમારી વાત નહીં સાંભળે તો અમે કડક પગલાં લેવા મજબૂર થઈશું. અમે ઈચ્છીએ છીએ કે આ સમસ્યા જલ્દી ઉકેલાય, નહીં તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું.
Read Original Article →